ધાર્મિક સ્થળો અને શાળાઓ નજીકની ૭૧૭ દારૂની દુકાનો બંધ કરવા વિજયનો આદેશ
CM બનતા જ વિજયનો મોટો નિર્ણય
હાલમાં રાજ્યમાં કુલ ૪,૭૬૫ દુકાનો કાર્યરત છે, જેમાંથી ૨૭૬ ધાર્મિક સ્થળો પાસે, ૧૮૬ શૈક્ષણિક સંસ્થાઓ પાસે અને ૨૫૫ બસ સ્ટેન્ડ નજીક આવેલી છે
નવી દિલ્હી, તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ જોસેફ વિજયે તેમના પ્રથમ મોટા વહીવટી નિર્ણયમાં રાજ્યમાં ચાલતી ૭૧૭ સરકારી દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ મુજબ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને બસ સ્ટેન્ડની ૫૦૦ મીટરની ત્રિજ્યામાં આવતી તમામ દુકાનો આગામી બે અઠવાડિયામાં બંધ કરી દેવામાં આવશે. હાલમાં રાજ્યમાં કુલ ૪,૭૬૫ દુકાનો કાર્યરત છે, જેમાંથી ૨૭૬ ધાર્મિક સ્થળો પાસે, ૧૮૬ શૈક્ષણિક સંસ્થાઓ પાસે અને ૨૫૫ બસ સ્ટેન્ડ નજીક આવેલી છે.
વિજયના આ પગલાને સામાજિક સુધારાની દિશામાં એક મહત્ત્વનું પગલું માનવામાં આવે છે.દારૂબંધીના નિર્ણય ઉપરાંત, મુખ્યમંત્રી વિજયે જનતા માટે અન્ય લોકકલ્યાણકારી જાહેરાતો પણ કરી છે. તેમણે ઘરેલુ વપરાશકારો માટે ૨૦૦ યુનિટ મફત વીજળી આપવાની યોજનાને મંજૂરી આપી છે. આ સાથે જ રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે એક સ્પેશિયલ ફોર્સની રચના કરવાની અને દરેક જિલ્લામાં ડ્રગ્સ વિરોધી યુનિટ સ્થાપવાની પણ જાહેરાત કરી છે, જેથી રાજ્યમાં નશાના દૂષણને ડામી શકાય.
પોતાના પ્રથમ સંબોધનમાં વિજયે અગાઉની સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તમિલનાડુ હાલમાં ૧૦ લાખ કરોડ રૂપિયાથી વધુના દેવા હેઠળ દબાયેલું છે અને સરકારી તિજોરી ખાલી થઈ ગઈ છે. આ બાબતે તેમણે ૨૦૨૧થી ૨૦૨૬ના સમયગાળાની રાજ્યની આર્થિક સ્થિતિની વિગતો દર્શાવતું શ્વેતપત્ર બહાર પાડવાનો નિર્ણય લીધો છે. તેમણે કાયદો અને વ્યવસ્થાની કડક અમલવારી અને મહિલાઓની સુરક્ષા માટે મજબૂત પગલાં લેવાનું આશ્વાસન આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ૫૧ વર્ષીય અભિનેતા અને રાજનેતા જોસેફ વિજયની પાર્ટી ‘તમિલગા વે્ટ્રી કઝગમ‘ (TVK)એ શાનદાર દેખાવ કરીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને મુસ્લિમ લીગના ટેકા સાથે તમિલનાડુના ઇતિહાસમાં પ્રથમ વખત ગઠબંધન સરકારની રચના થઈ છે. હાલમાં વિધાનસભામાં TVK પાસે ૧૦૭ બેઠકો છે અને કુલ ૧૨૦ ધારાસભ્યોના સમર્થન સાથે વિજય ટૂંક સમયમાં ગૃહમાં ફ્લોર ટેસ્ટનો સામનો કરશે.SS1
