Western Times News

Gujarati News

PM મોદીના કાફલામાં 2 વાહનોઃ મધ્યપ્રદેશના CMનો કાફલો હવે 13 ને બદલે માત્ર ૮ વાહનોનો

વડાપ્રધાન મોદી માત્ર બે કારના કાફલા સાથે નીકળ્યા-વડાપ્રધાન અને અમિત શાહ સહિતના નેતાઓએ કાફલામાં કર્યો ઘટાડો

નવી દિલ્હી, પશ્ચિમ એશિયામાં સર્જાયેલા યુદ્ધના સંકટ અને વધતા ઈંધણના ભાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સંસાધનો બચાવવા માટે એક અનુકરણીય પહેલ કરી છે. પીએમ મોદીએ પોતાના કાફલાના કદમાં મોટો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે, જેની અસર હવે ભાજપ શાસિત રાજ્યોમાં પણ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓએ પણ પોતાના કાફલામાં વાહનોની સંખ્યા અડધી કરી દીધી છે.

Prime Minister Narendra Modi has reduced his convoy size significantly. Reduction in vehicles was done while maintaining essential security components as per SPG protocol.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાન-ઈઝરાયેલ સંકટને કારણે વૈશ્વિક સ્તરે કાચા તેલની કિંમતોમાં ઉછાળો આવવાની ભીતિ છે. આ આર્થિક અનિશ્ચિતતા સામે લડવા માટે પીએમ મોદીએ દેશવાસીઓને સાત વિશેષ અપીલ કરી હતી.

જેમાં બિનજરૂરી પ્રવાસ ટાળવા, સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને ઈંધણની બચતનો સમાવેશ થાય છે. પીએમએ સ્પષ્ટ કર્યું છે કે જો શક્ય હોય તો કાફલામાં ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવો, પરંતુ તેના માટે નવા વાહનોની ખરીદી કરીને તિજોરી પર બોજ ન નાખવો.

વડાપ્રધાનના આહવાન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પોતાના કાફલાના વાહનોની સંખ્યા ઘટાડીને અડધી કરી દીધી છે. આ ઉપરાંત યુપીના સીએમ યોગીએ સૂચના આપી છે કે તેમના અને તમામ મંત્રીઓના કાફલામાં વાહનોની સંખ્યામાં ૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવે. તેમણે રાજ્યના નાગરિકોને સોનાની બિનજરૂરી ખરીદી ટાળવા અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા વિનંતી કરી છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનો કાફલો હવે ૧૩ ને બદલે માત્ર ૮ વાહનોનો રહેશે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે પ્રવાસ દરમિયાન કોઈ વાહન રેલી યોજવામાં આવશે નહીં રાજસ્થાન સીએમ ભજનલાલ શર્માએ પણ સરકારી ખર્ચ ઘટાડવા માટે કાફલામાં ન્યૂનતમ વાહનો રાખવાના આદેશ આપ્યા છે. દિલ્હીના ભાજપના નેતા અને સીએમ રેખા ગુપ્તાએ પણ આ દિશામાં પગલાં ભર્યા છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘જો આપણે દરેક વસ્તુ માટે આયાત પર નિર્ભર રહીશું તો દેશ કેવી રીતે આગળ વધશે? રાષ્ટ્રના હિતમાં જવાબદાર જીવનશૈલી અપનાવવી અનિવાર્ય છે.’ પીએમ મોદીએ તાજેતરની હૈદરાબાદ મુલાકાત દરમિયાન જ પોતાના કાફલાનું કદ ઘટાડી દીધું હતું. ત્યારબાદ ગુજરાત અને આસામના પ્રવાસમાં પણ આ જ પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કાફલાના કદમાં ઘટાડો કરવા છતાં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના સુરક્ષા પ્રોટોકોલમાં કોઈ બાંધછોડ કરવામાં આવી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.