અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.૨ નો વધારો
અમદાવાદ, અમેરિકા- ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વ્યાપક અસર વિશ્વભરના દેશોમાં જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં પેટ્રોલ-ડીઝલ બચાવવા સાથે સોનુ નહી ખરીદવાની અપીલ કરી છે. આ ઉપરાંત વર્ક ફોર્મ હોમની પણ ભલામણ કરી છે જેનો અમલ ઘણી જગ્યાએ શરૂ થઈ ગયો છે. આ પરિસ્થિતિમાં જનતાને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે.
દૂધ ઉત્પાદનની સૌથી મોટી સહકારી કંપની અમૂલે તેના તમામ પ્રકારના દૂધમાં લિટરે રૂ.ર નો વધારો કરી દેતા ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે હવે અમૂલનું દૂધ પીવું વધુ દોહ્યલુ બનશે. અમૂલના દૂધમાં અચાનક જ ભાવ વધારો કરવામાં આવતા નાગરિકોમાં પણ ભારે કચવાટ જોવા મળી રહયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા નથી. પરંતુ અમૂલે પશુ પાલકોના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આ ભાવ વધારો કર્યો હોવાનું અનુમાન છે.
આમ હવે ગ્રાહકોના પૈસા પશુપાલકોને જશે પરંતુ ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે આ ભાવ વધારો ખૂબ જ આકરો સાબિત થશે અને ગૃહિણીઓના બજેટ પર તેની સીધી અસર જોવા મળશે. સતત નફામાં વધારો છતાં ફરી એક વખત ભાવ વધારવામાં આવતા લોકોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
ભારતની સૌથી મોટી દૂધ ઉત્પાદક સહકારી સંસ્થા, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (ય્ઝ્રસ્સ્હ્લ), જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે, તેણે દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. અમૂલ દ્વારા પ્રતિ લિટર રૂપિયા ૨ નો વધારો કરવામાં આવ્યો છે, જે આવતીકાલથી એટલે કે ૧૪ મે ૨૦૨૬ થી સમગ્ર ભારતમાં અમલમાં આવશે.
અમૂલ દ્વારા કરવામાં આવેલો આ વધારો મુખ્ય વેરિઅન્ટ અને પેક પર લાગુ પડશે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો મહત્તમ વેચાણ કિંમતમાં ૨.૫% થી ૩.૫% સુધીનો વધારો થયો છે. જોકે, ફેડરેશનનું કહેવું છે કે આ વધારો વર્તમાન સરેરાશ ખાદ્ય ફુગાવા કરતાં ઓછો છે. નોંધનીય છે કે, અમૂલ દૂધના ભાવમાં છેલ્લે મે-૨૦૨૫માં ફેરફાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ એક વર્ષ પછી આ વધારો અમલી બન્યો છે.
આ ભાવ વધારા પાછળ મુખ્યત્વે પશુપાલકોના ઉત્પાદન ખર્ચમાં થયેલો વધારો જવાબદાર છે. છેલ્લા એક વર્ષમાં પશુ આહાર, દૂધ પેકેજિંગ ફિલ્મ અને બળતણના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.અમૂલના સભ્ય સંઘોએ છેલ્લા એક વર્ષમાં ખેડૂતોને ચૂકવવામાં આવતા ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ રૂ. ૩૦ (આશરે ૩.૭%) નો વધારો કર્યો છે.
અમૂલની સહકારી માળખાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ગ્રાહકો પાસેથી મેળવેલા પ્રત્યેક રૂપિયામાંથી આશરે ૮૦ ટકા રકમ સીધી દૂધ ઉત્પાદકોને પરત આપે છે. આ ભાવ વધારાનો મોટો હિસ્સો પણ સીધો ૩૬ લાખ દૂધ ઉત્પાદકો પાસે જશે, જે તેમને દૂધનું ઉત્પાદન વધારવા અને પશુપાલન વ્યવસાયમાં ટકી રહેવા માટે પ્રોત્સાહન પૂરું પાડશે.આ નિર્ણયથી સામાન્ય ગૃહિણીઓના બજેટ પર અસર પડશે, પરંતુ બીજી તરફ લાખો પશુપાલકોને તેમના વધતા ખર્ચ સામે રક્ષણ મળશે.
દેશમાં હાલ પેટ્રોલ-ડીઝલની કિંમત પર તમામ લોકોની નજર મંડાયેલી છે. વડાપ્રધાને પણ પેટ્રોલ-ડીઝલ બચાવવા માટે અપીલ કરી છે ત્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ ભાવમાં વધારો થશે તેવો સંકેત આપી દીધો છે. પેટ્રોલ-ડીઝલમાં ભાવમાં વધારો થશે તો તમામ ચીજવસ્તુઓના ભાવ વધશે પરિવહન મોંઘુ થતાં પબ્લીક ટ્રાન્સપોર્ટમાં પણ ભાડાના દરમાં વધારો થશે.
