Western Times News

Gujarati News

બેફામ AMTS બસ હંકારી યુવતીનો જીવ લેનારા ડ્રાઇવરને એક વર્ષની કેદ

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, શહેરના વિજય ચાર રસ્તા પાસે એક્ટિવા પર પસાર થઇ રહેલા દંપતીને વર્ષ ૨૦૨૩માં એએમટીએસ બસે અડફેટમાં લીધા હતા. જેમાં યુવતીનું મોત થયું હતું. આ કેસમાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડી.એચ.ખંભાતીએ આરોપી એએમટીએસ ડ્રાઇવરને એક વર્ષની કેદની સજા અને દંડ ફટકાર્યાે છે. આ ઉપરાંત ફરિયાદીને વળતર પેટે ૫૦ હજાર રૂપિયા ચૂકવવા આપવા આદેશ કર્યાે છે.

સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો નો તાજેતરનો રિપોર્ટ જોતા દેશમાં માર્ગ અકસ્માતમાં પ્રતિદીન ૫૪૬ વ્યક્તિના મોત થાય છે, ત્યારે આ બાબતને ગંભીરતાથી લેવી આવશ્યક બની છે. આ આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે ત્યારે આરોપીને સજા કરવી ન્યાયોચિત જણાય છે. શહેરના મેમનગર વિસ્તારમાં રહેતા લલ્લુભાઇ મહાદેવભાઇ રબારી એએમટીએસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા.

તેઓ ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ બસ લઇ નિકળ્યા હતા. લલ્લુભાઇએ વિજય ચાર રસ્તા પાસે ગફલત અને બેદરકારીભરી રીતે બસ હંકારી હતી. ત્યારે ત્યાંથી એક્ટિવા લઇ પસાર થતા મહારાષ્ટ્રના શ્રીગણેશ બાબાસાહેબ બાંગર અને તેમના પત્ની દિપ્તીબહેને સિગ્નલ આવતુ હોવાથી વ્હીકલ ધીમુ કર્યું હતું. ત્યારે લલ્લુભાઇની બસે તેમના વાહનને ટક્કર મારી હતી. જેથી બન્ને નીચે પટકાયા હતા. આ દરમિયાન દિપ્તીબહેનને શરીરના વિવિધ ભાગે ઇજા થઇ હતી.

તેથી તેમને સારવાર માટે તાત્કાલીક ઝાયડસ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ૨૯ માર્ચ ૨૦૨૩ના રોજ સારવાર દરમિયાન દિપ્તીબહેનનું મોત થયું હતું. આ મામલે શ્રીગણેશે બી ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લલ્લુભાઇની ધરપકડ કરી હતી. ત્યારબાદ તપાસ બાદ મેટ્રોકોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરતા કેસ ચાલવા પર આવ્યો હતો.

જેમાં સરકારી વકીલ કલ્પેશ કે. યોગીએ પૂરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીને ગફલત ભરી રીતે વાહન ચલાવી અકસ્માત સર્જયો હતો. જેના કારણે ફરિયાદીના પત્નીનું મોત થયું હતું. આવા કિસ્સા વધી રહ્યાં છે.

શહેરમાં એએમટીએસ બસને કારણે સંખ્યાબંધ જગ્યાએ અકસ્માત સર્જાઇ રહ્યા છે. ત્યારે સમાજમાં દાખલો બેસે અને બેફામ વાહન હંકારતા લોકોમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીને યોગ્ય સજા કરવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપી લલ્લુભાઇ રબારીને એક વર્ષ કેદની સજા ફટકારી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.