Western Times News

Gujarati News

નવી સ્ટોર્મ વોટર લાઇન અને ડ્રેનેજ લાઇનના કામમાં ગેરરીતિ મામલે 4 અધિકારી સસ્પેન્ડ: AMC કમિશનરની કાર્યવાહી

પ્રતિકાત્મક

કંપની સામે FIRના આદેશ અને કોન્ટ્રાક્ટરો પર પ્રતિબંધ-કોન્ટ્રાક્ટરને કામ કર્યા વગર રૂ.76,17,906.28નું ચૂકવણુ કરવામાં આવ્યું-

કોન્ટ્રાક્ટર ધૃવિ બિલ્ડકોન પ્રા. લી, કોન્ટ્રાક્ટર ભગીરથ કન્સ્ટ્રક્શન, પૂર્વ ઝોન વહીવટ ખાતાના બીલ ક્લાર્ક, તથા સિનિયર ક્લાર્ક, પૂર્વઝોન ઇજનેર ખાતા પ્રિ ઓડિટર આર.એસ પટેલના પ્રતિનિધિઓના નિવેદનો લીધા

AMC દ્વારા જવાબદારો પાસેથી કુલ રૂ.81,70,931.31ની વ્યાજ સહિત રીકવરી કરવામાં આવશે.

(પ્રતિનિધિ)  અમદાવાદ,   અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવી સ્ટોર્મ વોટર લાઇન અને ડ્રેનેજ લાઇનના કામોમાં થયેલી ગંભીર ગેરરીતિઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની દ્વારા સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

AMCના વિજીલન્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં મેઝરમેન્ટ બુકમાં ફેરફાર, ડુપ્લિકેટ મેઝરમેન્ટ, સમાન ઇનવોઇસ તથા સાઇટ પરના વાસ્તવિક કામ અને નોંધાયેલા માપમાં તફાવતો સામે આવતા ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની સાથે કરોડોની રિકવરી, FIR અને કોન્ટ્રાક્ટરો સામે પ્રતિબંધ જેવી કાર્યવાહીનો નિર્ણય લેવાયો છે.

વિજીલન્સ વિભાગે ટેન્ડર કોન્ટ્રાક્ટર ધૃવિ બિલ્ડકોન પ્રા. લી, કોન્ટ્રાક્ટર ભગીરથ કન્સ્ટ્રક્શન, પૂર્વ ઝોન વહીવટ ખાતાના બીલ ક્લાર્ક શ્રી, તથા સિનિયર ક્લાર્ક શ્રી, પૂર્વઝોન ઇજનેર ખાતા પ્રિ ઓડિટર આર.એસ પટેલના પ્રતિનિધિઓના નિવેદનો લીધા હતા. આ  ઉપરાંત અમલીકરણ અધિકારીઓના નિવેદનો, સ્થળ તપાસ અને રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવાઓના આધારે તપાસ પૂર્ણ કરવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે પૂર્વ ઝોનના PIU અંતર્ગત નવી સ્ટોર્મ વોટર લાઇન તથા સ્ટોર્મ વોટર લાઇન નાંખવાના કામ માટે ધૃવિ બિલ્ડકોન પ્રા. લી.ને રૂ. 2,92,37,230.62નું ટેન્ડર આપવામાં આવ્યું હતું. જેમાંથી રૂ. 2,58,16,474.64ના ટેન્ડર મંજૂરી આપવામાં આવી હતી. આ કામ માટે સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ નં. 388 તા. 05/06/2025 મુજબ મંજૂરી અપાઈ હતી.

તપાસમાં વધુમાં સામે આવ્યું હતું કે કોન્ટ્રાક્ટરને કુલ રૂ.2,40,22,641.17 ની ચૂકવણી કરવામાં આવી હતી. પૂર્વઝોનની મેઝરમેન્ટ બુકમાં નોંધાયેલા કામ અને વાસ્તવિક સાઇટ પર થયેલ કામમાં તફાવત જોવા મળ્યો હતો.

મેઝરમેન્ટ બુકના આર.એ.બીલ-2માં 1600 એમ.એમ ડાયા લાઈનના મેઝરમેન્ટ અગાઉ વર્ષ 2024માં વસ્ત્રાલ વોર્ડમાં નવી સ્ટ્રોમ વોટર લાઈન નાખવાના પેકેજ-1ની કામગીરીના કોન્ટ્રાક્ટર કેવડીયા ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર દ્વારા કરેલી કામગીરીની મેઝરમેન્ટ બુકમાંથી કોપી-પેસ્ટ કરી કોન્ટ્રાક્ટરને કામ કર્યા વગર રૂ.76,17,906.28નું ચૂકવણુ કરવામાં આવેલ છે. જેની જવાબદારો પાસેથી વ્યાજ સહિત રિકવરી કરવામાં આવશે.

પૂર્વઝોનની મેઝરમેન્ટ બુકના આર.એ.બીલ-2માં 1600 એમ.એમ ડાયા લાઈનનના કોપી પેસ્ટ કરેલ મેઝરમેન્ટ તેમજ એફ.એ.એસ બિલ એબસ્ટ્રેક્ટના પાના બદલી 900 અને 1200 એમ.એમ ડાયા લાઈનના મેઝરમેન્ટ રજૂ કરેલ છે. મેઝરમેન્ટ બુકમાં નોંધાવામાં આવેલા તફાવત મુજબ કૂલ રૂ.5,53,028.03ની વ્યાજ સહિત રીકવરી કરવામાં આવશે. આમ, AMC દ્વારા જવાબદારો પાસેથી કુલ રૂ.81,70,931.31ની વ્યાજ સહિત રીકવરી કરવામાં આવશે.

તપાસ દરમિયાન “Scraper Manhole Type SI Rectangular Type for 600 mm dia to 1200 mm dia Sewer Pipes” મુજબ તમામ મશીનહોલના મેઝરમેન્ટ નોંધી પેમેન્ટ કરવામાં આવેલ છે. જ્યારે, વિવિધ સ્થળોએ અલગ-અલગ સાઇઝ અને ઊંડાઈના સ્લેબ ટાઈપ મેનહોલ બનાવવામાં આવેલ છે. જેના કારણે AMC ને અંદાજે રૂ. 20,95,412.62 નું આર્થિક નુકસાન થયાનું થયુ છે જે સીટી ઈજનેરનો અભીપ્રાય મેળવી રિકવરી કરવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રીના નિર્દેશ અનુસાર સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ તથા શિસ્તભંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગેરરીતિ બદલ (1) રાજેશ રાઠવા (એડી.સીટી ઈજનેર) (2) ઉત્કર્ષ ભાભોર (ડે.સીટી ઈજનેર), (3) રમેશ બારીયા (આસી.સીટી ઈજનેર), (4) અલ્પેશ મકવાણા (આસી.ઈજનેર)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ધૃવિ બિલ્ડકોન અને ભગીરથ કન્સ્ટ્રક્શનને કોઈપણ પ્રકારનું નવું કામ સોંપવામાં આવશે નહીં. તેમજ મેનેજમેન્ટ બુકમાં પાના બદલવાના મામલે જવાબદારો સામે FIR પણ નોંધવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.