Western Times News

Gujarati News

વીજ પુરવઠો ખોરવાઈ જતાં ઈન્ડિગો ફ્લાઈટમાં પેસેન્જરો બફાયા

વડોદરાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થઈ

વડોદરા, વડોદરા એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના થનારી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં એક મોટી ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હોવાની ઘટના સામે આવી છે. એરપોર્ટ પર ઊભેલી ફ્લાઇટમાં અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જતાં એર કન્ડિશનર અને લાઇટો સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. કાળઝાળ ગરમી વચ્ચે ફ્લાઇટની અંદર અંધારપટ છવાઈ જતાં મુસાફરો ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા.

મળતી માહિતી મુજબ, વડોદરાથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ નંબર ૬ઈ૬૫૭ માં આ ગંભીર ઘટના ઘટી હતી. ફ્લાઇટમાં સવાર મુસાફરો રાત્રે ૦૮.૫૦ વાગ્યાથી લઈને ૦૯.૧૫ વાગ્યા સુધી (આશરે ૨૫ મિનિટ) અંદર જ ફસાયેલા રહ્યા હતા. બંધ કેબિનમાં અસહ્ય ગરમી અને બફારાના કારણે વ્યાકુળ બનેલા મુસાફરો પોતાના હાથમાં રહેલા પૂંઠા, ઓફિસ ફાઇલ અને ન્યૂઝપેપર વડે પવન નાખતા નજરે પડ્યા હતા.

આ સમગ્ર વિકટ પરિસ્થિતિનો લાઈવ વીડિયો એક મુસાફરે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
એરપોર્ટના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, એરક્રાફ્ટનું જીપીયુ કોઈ ટેકનિકલ ખામીના કારણે અચાનક બંધ થઈ ગયું હતું, જેના લીધે આ આવી પરિસ્થિતિ સર્જાઇ હતી.

જ્યારે વિમાન રનવે કે ટર્મિનલ પર જમીન પર સ્થિર ઊભું હોય છે, ત્યારે તેના મુખ્ય એન્જિનો બંધ રાખવામાં આવે છે. આ સમયે વિમાનની અંદરની મહત્વની સિસ્ટમ્સ જેવી કે, કેબિન લાઇટિંગ, એર કન્ડિશનિંગ કોકપિટ ઇન્સ્ટ‰મેન્ટ્‌સ અને નેવિગેશન ડિસ્પ્લેને ચાલુ રાખવા માટે જરૂરી પાવર સપ્લાય પૂરો પાડવાનું મુખ્ય કામ આ ગ્રાઉન્ડ પાવર યુનિટ દ્વારા જ કરવામાં આવે છે.

ફ્લાઇટમાં પાવર ગુલ થવાની ઘટના બનતાની સાથે જ એરલાઇન્સના ટેકનિશિયનોની ટીમ તાત્કાલિક ધોરણે કામે લાગી ગઈ હતી. યુદ્ધના ધોરણે કરવામાં આવેલી કામગીરી બાદ આશરે ૨૫ મિનિટમાં વીજ પુરવઠો સફળતાપૂર્વક પૂર્વવત કરી દેવામાં આવ્યો હતો. ફ્લાઇટમાં ફરીથી લાઈટો અને એસી શરૂ થતાં જ ગૂંગળામણ અનુભવી રહેલા મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો અને ત્યારબાદ આ ફ્લાઇટ દિલ્હી જવા સુરક્ષિત રીતે રવાના થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.