નીટ-યુજી પેપર લીક કેસ : શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ
એનટીએના ચેરપર્સન પ્રદીપકુમાર જોશી અને અન્ય અધિકારીઓને સંસદીય સમિતિએ ૨૧મી મેએ હાજર થવા આદેશ
નીટ-યુજી પેપર લીક કેસમાં સંસદીય સમિતિનું એનટીએના અધ્યક્ષને તેડું
નવી દિલ્હી,દેશભરના ૨૨ લાખથી વધુ વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ગંભીર ચેડાં કરનારા નીટ- યુજી, ૨૦૨૬ પેપર લીક કેસ બાદ આ પરીક્ષાનું સંચાલન કરતી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ની કામગીરી અને ક્ષમતા અંગે દેશભરમાંથી સવાલો ઉઠી રહ્યાં છે. એનટીએની કામગીરી અને તેમાં વિવિધ સુધારાઓનો અમલ કરવા ઉપરાંત પેપર લીક કેસની સમીક્ષા માટે એનટીએના ચેરપર્સન પ્રદીપકુમાર જોશી અને અન્ય અધિકારીઓને સંસદીય સમિતિએ ૨૧મી મેએ હાજર થવા આદેશ કર્યાે છે.
શિક્ષણ, મહિલા, બાળ, યુવા તથા રમત અંગેની સંસદની સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડામાં, એનટીએમાં સુધારા માટે કે. રાધાકૃષ્ણન કમિટીના અહેવાલનો અમલ કરવા ઉપરાંત પેપર લીક કેસની તપાસ સહિતના મુદ્દાઓ સામેલ છે.કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહની અધ્યક્ષતાવાળી આ સમિતિએ ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ વિનિત જોશી તથા એનટીએના ચેરપર્સન પ્રદીપકુમાર જોશીને આ મામલે મંત્રણા કરવા બોલાવ્યાં છે. સંસદીય સમિતિ શિક્ષણ પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ની અસર તથા વિદ્યાર્થીઓની રોજગારલક્ષી ક્ષમતામાં વધારો કરવા સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે.
સંસદની ગરિમાના કથિત હનન મામલે રાજ્યસભામાં કોંગ્રેસના મુખ્ય દંડક જયરામ રમેશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધ વિશેષાધિકારક ભંગની નોટિસ આપી છે. નીટ-યુજી ૨૦૨૬ પેપર લીક કેસ મામલે કરેલાં એક નિવેદનને પગલે પ્રધાન વિરુદ્ધ આ નોટિસ અપાઈ છે. રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણનને સોંપેલી આ નોટિસમાં રમેશએ આક્ષેપ કર્યાે હતો કે, નીટ-યુજી પરીક્ષા પૂર્ણ થયાં બાદ યોજાયેલી એક પત્રકાર પરિષદમાં પ્રધાને સંસદીય સમિતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી, જે સંસદની ગરિમાનું હનન છે.
નીટ-યુજી પેપર લીક કેસમાં સીબીઆઈએ મહારાષ્ટ્રના લાતુરથી એક કોચિંગ ક્લાસના સ્થાપકની ધરપકડ કરી છે. સીબીઆઈની તપાસ દરમિયાન રેણુકાઈ કેમેસ્ટ્રી ક્લાસીસ નામના ક્લાસીસના સંચાલક શિવરાજ રઘુનાથ મોટેગાંવકરના મોબાઈલમાંથી લીક થયેલું પ્રશ્નપત્ર મળી આવ્યાં બાદ તેની ધરપકડ કરાઈ હતી. અધિકારીઓના જણાવ્યાં અનુસાર, મોટેગાંવકર પેપર લીક કૌભાંડની ગેંગનો સક્રિય સભ્ય હતો અને તે નીટ યુજીનું પેપર લીક કરવાના કૃત્યમાં સામેલ હતો.
અધિકારીઓના જણાવ્યાં અનુસાર, પરીક્ષાના આશરે ૧૦ દિવસ અગાઉ મોટેગાંવકરને પેપર અને જવાબો મળી ગયાં હતાં. સીબીઆઈના આક્ષેપો અનુસાર, મોટેગાંવકરે કેટલાંક લોકોને લીક થયેલાં પ્રશ્નપત્રો અને જવાબોની હસ્તલિખિત નકલ પૂરી પાડી હતી, જેને પરીક્ષા પૂરી થયાં બાદ નષ્ટ કરી દેવાઈ હતી. આ કેસમાં અગાઉ પકડાયેલાં કેમેસ્ટ્રીના લેક્ચરર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) સાથે સંકળાયેલા પી.વી. કુલકર્ણીનો તે નિકટનો સહયોગી હતો.ss1
