Western Times News

Gujarati News

કોલકાતામાં વેપારના બહાને ગુજરાતના વેપારીના બે કર્મચારીઓ પાસેથી 42 લાખની લૂંટ

AI Image

ગાંધીનગરના ગુજરાતી વેપારીના કર્મચારીઓને 6 જેટલા સશસ્ત્ર લૂંટારુઓએ બંદૂકની અણીએ બંધક બનાવ્યા-કોના એક્સપ્રેસ-વે પર રસ્તામાં જ અવાવરૂ જગ્યાએ છોડીને ભાગી ગયા.

કોલકાતા, 19 મે, 2026: પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક બિઝનેસ ડીલ (વેપાર) કરવાના બહાને ગુજરાતના એક વેપારીના બે કર્મચારીઓને આંતરીને લૂંટ ચલાવવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીઓ કર્મચારીઓ પાસેથી ₹૪૨ લાખની રોકડ લૂંટી લીધા બાદ એટલાથી જ ન અટકતા, બંનેનું અપહરણ કરી બળજબરીપૂર્વક કારમાં બેસાડી ગયા હતા.

જો કે, આરોપીઓ બાદમાં આ બંને કર્મચારીઓને હાવડા જિલ્લામાં આવેલા કોના એક્સપ્રેસ-વે (Kona Expressway) પર લઈ ગયા હતા અને ત્યાં ચાલુ કારમાંથી નીચે ફેંકીને ફરાર થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનાની જાણ થતાં જ ગુજરાતના વેપારી તાત્કાલિક કોલકાતા પહોંચ્યા હતા અને મંગળવારે આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

આ લૂંટ દક્ષિણ કોલકાતાના સર્વે પાર્ક વિસ્તારમાં થઈ હોવાનું કહેવાય છે. વેપારીએ સર્વે પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે લૂંટ અને અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીઓની ઓળખ કરવા માટે પોલીસ આ વિસ્તારના સીસીટીવી (CCTV) ફૂટેજ ચકાસી રહી છે.

બિઝનેસ ડીલના બહાને જાળ બિછાવી: પોલીસે જણાવ્યું કે આ ઘટના ચાલુ મહિનાના પ્રથમ અઠવાડિયામાં બની હતી. ગુજરાતના ગાંધીનગરના એક વેપારીનો કોલકાતાના કેટલાક લોકોએ બિઝનેસ ડીલ માટે સંપર્ક કર્યો હતો. શંકાસ્પદ આરોપીઓએ પોતાની ઓળખ મોટા વેપારીઓ તરીકે આપી હતી અને કોલકાતાથી ગુજરાત માલસામાન મોકલવા અંગે ચર્ચા કરી હતી.

ગાંધીનગરના વેપારીને કહેવામાં આવ્યું હતું કે જો તેઓ ₹૪૨ લાખ ચૂકવી દેશે, તો માલસામાન તાત્કાલિક રવાના કરી દેવામાં આવશે. આ ડીલ નક્કી થયા મુજબ, વેપારીએ પોતાના બે કર્મચારીઓ સાથે આ રકમ કોલકાતા મોકલી આપી હતી. કોલકાતા પહોંચતા જ આ કર્મચારીઓને દક્ષિણ કોલકાતાના ન્યુ સંતોષપુર વિસ્તારમાં આવેલા એક મકાનમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પહોંચીને કર્મચારીઓએ માલસામાનની ડિલિવરી સામે રોકડ આપવાની વાત કરી હતી.

બંદૂકની અણીએ ઓરડામાં પૂર્યા: આક્ષેપ છે કે ત્યારબાદ બંને કર્મચારીઓને એ જ મકાનના એક રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. આશરે છ જેટલા સશસ્ત્ર લૂંટારુઓએ બંદૂકની અણીએ કર્મચારીઓને બંધક બનાવ્યા હતા અને ₹૪૨ લાખ ભરેલી બેગ આંચકી લીધી હતી.

ભોગ બનનારા કર્મચારીઓએ બચવા માટે રૂમનો દરવાજો પણ ખખડાવ્યો હતો. ત્યારબાદ, આરોપીઓ તેમને હાવડા સ્ટેશન છોડી દેવાના બહાને બંદૂકની અણીએ બહાર લાવ્યા હતા, ગાડીમાં બેસાડ્યા હતા અને કોના એક્સપ્રેસ-વે પર રસ્તામાં જ અવાવરૂ જગ્યાએ છોડીને ભાગી ગયા હતા.

ગમે તેમ કરીને બંને પીડિતો હાવડા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને ગુજરાત પરત ફરીને વેપારીને આખી આપવીતી જણાવી હતી. જે બાદ સોમવારે વેપારી કોલકાતા પહોંચ્યા હતા અને સર્વે પાર્ક પોલીસ સ્ટેશનમાં લૂંટ અને અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ હવે સર્વે પાર્ક વિસ્તારના એ મકાનને શોધવાનો પ્રયાસ કરી રહી છે જ્યાં કર્મચારીઓને બંધક બનાવાયા હતા. આ સાથે જ જે ફોન નંબર પરથી ગાંધીનગરના વેપારી સાથે વાતચીત થઈ હતી તેના આધારે અને કોલકાતા-હાવડાના સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસ ગુનેગારો અને ગાડી સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.