Western Times News

Gujarati News

ભારતે ડ્રોનથી પ્રહાર કરી શકતી સ્વદેશી મિસાઈલનું સફળ પરીક્ષણ પૂર્ણ કર્યું

દુશ્મનનાં ટેન્ક, હેલિકોપ્ટર અને અન્ય ડ્રોનને હવામાં તેમજ જમીન પર સચોટ નિશાન બનાવશે

કુર્નૂલ,ભારતના સંરક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)એ ડ્રોન દ્વારા પ્રહાર કરી શકતી અત્યાધુનિક મિસાઈલ ‘યુએલપીજીએમ-વી૩’નું સફળ પરીક્ષણ પૂર્ણ કર્યું છે. આ સ્માર્ટ પ્રિસિઝન ગાઈડેડ મિસાઈલ હવા અને જમીન બંને પ્રકારના લક્ષ્યો પર સચોટ હુમલો કરવા માટે સક્ષમ છે.

આંધ્રપ્રદેશના કુર્નૂલ સ્થિત ડીઆરડીઓ ટેસ્ટ રેન્જમાં આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં લોન્ચ અને કમાન્ડ સિસ્ટમને નિયંત્રિત કરવા માટે ઈન્ટિગ્રેટેડ ગ્રાઉન્ડ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરાયો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ સફળતાને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ એક મહત્વપૂર્ણ કદમ ગણાવ્યું છે. આ મિસાઈલ ખાસ સીકર ટેકનોલોજીથી સજ્જ છે, જે ગતિશીલ કે ચાલતા લક્ષ્યોને પણ ટ્રેક કરીને સચોટ નિશાન બનાવી શકે છે.

તેનો ઉપયોગ હવામાં દુશ્મનના હેલિકોપ્ટર કે ડ્રોનને તોડી પાડવા અને જમીન પર ટેન્ક, સૈન્ય વાહનો કે બંકરોને નષ્ટ કરવા માટે કરવામાં આવશે.આ પ્રોજેક્ટ ડીઆરડીઓના હૈદરાબાદ સ્થિત ‘રિસર્ચ સેન્ટર ઈમારત’ (આરસીઆઈ)ના નેતૃત્વમાં તૈયાર થયો છે, જેમાં ડીઆરડીઓ, ટીબીઆરએલ અને એચઈએમઆરએલ જેવી પ્રયોગશાળાઓ પણ સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.