Western Times News

Gujarati News

ટેટ્રા પેક, સેશે જેવા પેકિંગમાં શરાબનું વેચાણ બંધ કરવા અરજી

સુપ્રીમે કેન્દ્ર અને રાજ્યોનો જવાબ માગ્યો

ફળોની તસવીર ધરાવતા પેકિંગમાં વેચાતી શરાબ ફ્‰ટ જ્યુસ હોવાનો ભ્રમ પેદા કરે છેઃ અરજદાર

નવી દિલ્હી,ટેટ્રા પેક અને સેશે જેવા અસ્પષ્ટ મટીરિયલમાં પેક કરાયેલી શરાબના વેચાણ પર પ્રતિબંધ મુકવાની અરજી મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને અન્ય હિતધારકો પાસેથી જવાબ માગ્યો છે. શરાબના દૂષણો દૂર કરવા કામ કરતી એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા દાખલ કરાયેલી એક અરજીની સુનાવણી દરમિયાન, જસ્ટિસ સૂર્ય કાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી તથા વિપુલ એમ. પંચોલીની બેન્ચે કેન્દ્ર સરકાર, તમામ રાજ્યોના એક્સાઈઝ વિભાગ અને અન્યોને નોટિસ જારી કરી જવાબ રજૂ કરવા જણાવ્યું છે.

અરજદાર તરફથી ઉપસ્થિત રહેલાં વકીલના જણાવ્યાં અનુસાર, એક્સાઈઝના નિયમો હેઠળ બોટલની વ્યાખ્યા અસ્પષ્ટ હોવાથી તેનું ચોક્કસ ધોરણ નક્કી કરવું જરૂરી છે. પોતાની દલીલના સમર્થનમાં વકીલે, ગ્રીન એપલની તસવીર ધરાવતા ટેટ્રા પેકમાં વેચાતી શરાબનો ઉલ્લેખ કર્યાે હતો, જેને જોઈને બેન્ચે પણ સ્વીકાર્યું હતું કે, આવાં પેકેજિંગ ખરેખર ગેરમાર્ગે દોરનારા અને ભ્રામક છે. વકીલે વધુમાં જણાવ્યું હતું કે, શરાબ ઉત્પાદકો શરાબ અને ફળોના રસ વચ્ચે ભ્રમ પેદા કરે છે, તેઓ સફરજનનો ફોટો લગાવેલા પેકેટમાં વોડકા વેચે છે.

એટલું જ નહીં તેની પર તમાકુના ઉત્પાદનો પર લખવામાં આવે છે તેવી ચેતવણી પણ નથી હોતી. વકીલે તમામ રાજ્યો અને સંઘ શાસિત પ્રદેશોને લાગુ પડે તેવી નીતિ ઘડવા તથા ટેટ્રા પેક્સ તથા સેશે જેવા પેકિંગમાં શરાબના વેચાણ પર પ્રતિબંધ મુકવા સર્વાેચ્ચ અદાલત સમક્ષ માગ કરી હતી. અરજીમાં કેન્દ્ર સરકારને એવી માર્ગદર્શિકા જાહેર કરવા માટે પણ વિનંતી કરાઈ છે કે જેથી તમામ રાજ્યો પોતપોતાના એક્સાઇઝ કાયદા, નિયમો અને નીતિઓમાં તાત્કાલિક સુધારો કરે, અને ‘બોટલિંગ’ની સમાન વ્યાખ્યા અપનાવીને તેને માત્ર કાચની બોટલ અથવા અન્ય સ્પષ્ટપણે ઓળખી શકાય તેવા પેકિંગ પૂરતી જ મર્યાદિત રાખે.

અરજીમાં જણાવાયું છે કે શરાબના બોટલિંગ અંગે વિવિધ રાજ્યોની આબકારી નીતિઓમાં સમાનતા હોવી જોઈએ. અસ્પષ્ટ અને ભ્રામક પેકેજિંગના કારણે જાહેરમાં શરાબના વપરાશમાં ભારે વધારો થવાની સંભાવના છે. આ ઉપરાંત આવા પેકેજિંગથી સગીરો દ્વારા શરાબનું સેવન, ચાલુ વાહનમાં શરાબ પીવો, આરોગ્યને લગતાં જોખમો, દારૂની હેરાફેરીમાં સરળતા સહિતના વિવિધ જોખમો ઊભા થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.