Western Times News

Gujarati News

NEET પેપર લીક વિવાદમાં સુપ્રીમ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીનો ઉધડો લીધો

અંદાજે ૨૩ લાખ જેટલા વિદ્યાર્થીઓએ નીટ-યુજી પરીક્ષા આપી છે, જેમના ભવિષ્ય પર હવે સવાલિયા નિશાન ઊભા થયા છે.

(એજન્સી) નવી દિલ્હી, દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ-યુજી ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાઈ ગઈ છે. વર્ષ ૨૦૨૬માં યોજાયેલી આ પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિના ગંભીર આક્ષેપો બાદ આ મામલો દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.

સોમવારે આ મામલે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે પરીક્ષાનું આયોજન કરતી નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને કેન્દ્ર સરકાર પર ભારે આક્રોશ ઠાલવ્યો છે. કોર્ટે ભૂતકાળની ભૂલોમાંથી કોઈ સબક ન લેવા બદલ સરકારની આકરી ઝાટકણી કાઢી છે. આ વર્ષે દેશભરમાંથી અંદાજે ૨૩ લાખ જેટલા વિદ્યાર્થીઓએ નીટ-યુજી પરીક્ષા આપી છે, જેમના ભવિષ્ય પર હવે સવાલિયા નિશાન ઊભા થયા છે.

વિદ્યાર્થીઓ તરફથી હાજર રહેલા એડવોકેટ તન્વી દુબેએ કોર્ટને આ મામલાની ગંભીરતા અને ઈમરજન્સી સમજાવીને વહેલી સુનાવણી કરવા વિનંતી કરી હતી. અરજીઓ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટની બેન્ચે અગાઉ સૂચવેલા સુધારાઓ લાગુ ન થવા બદલ ભારે નારાજગી વ્યક્ત કરતા કહ્યું, ‘આ ખરેખર બહુ દુઃખદ છે, તેઓ પોતાની ભૂલોમાંથી કોઈ પાઠ શીખ્યા જ નથી. અમે અગાઉ આખી પરીક્ષા પદ્ધતિ સુધારવા માટે એક હાઈ-પાવર્ડ કમિટી બનાવી હતી,

તો પણ સ્થિતિ કેમ આવી ને આવી જ રહી?’ સુપ્રીમ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને મોનિટરિંગ કમિટીને કડક આદેશ આપ્યા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આગામી ૩ દિવસની અંદર સોગંદનામું દાખલ કરીને વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં નિર્દેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે,૧૪ નવેમ્બરે રચાયેલી મોનિટરિંગ કમિટીએ અત્યાર સુધી શું કામગીરી કરી છે તેનો વિસ્તૃત રિપોર્ટ આપો.પરીક્ષાની સુરક્ષા મજબૂત કરવા માટે ‘હાઈ-પાવર્ડ કમિટી’એ જે ભલામણો કરી હતી,

તેને લાગુ કરવા માટે શું નક્કર પગલાં લેવાયા તેની વિગતવાર માહિતી આપો. સુપ્રીમ કોર્ટે આ કેસની મુખ્ય પિટિશન અને તેની સાથે જોડાયેલી તમામ અરજીઓ પર કેન્દ્ર સરકાર વતી હાજર રહેતા સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયાને નોટિસ પાઠવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.