Western Times News

Gujarati News

“એક એક્ટરે મારા જ એક સોંગમાં મારી પાછળ બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે ડાન્સ કર્યો હતો અને તે હતો શાહિદ કપૂર”: કરિશ્મા

શાહરૂખ ખાન, માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂર અભિનીત ‘દિલ તો પાગલ હૈ’ના આઇકોનિક ગીત ‘લે ગઈ’માં તે કરિશ્મા કપૂરની પાછળ શાહીદ કપૂર નૃત્ય કરી ચૂક્યા છે.

મુંબઈ, ડાન્સ રિયાલિટી શો ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 5’ના આગામી એપિસોડમાં બોલીવૂડ સ્ટાર અને શોના જજ કરિશ્મા કપૂર, અભિનેતા શાહિદ કપૂરની બેકગ્રાઉન્ડ ડાન્સરથી બોલીવૂડ સ્ટાર બનવાની સફરની પ્રશંસા કરતાં જોવા મળશે.

સ્પર્ધક પ્રિન્સના પર્ફોર્મન્સ બાદ કરિશ્માને જાણીને આશ્ચર્ય થયું કે તે અગાઉ એક બેકગ્રાઉન્ડ ડાન્સર હતો. તેની કઠિન સફરથી ખૂબ પ્રભાવિત થઈ, કરિશ્માએ શાહિદ કપૂરની સફર સાથે સરખામણી કરતાં બંનેની સમાંતર યાત્રાને ઓળખી.

અભિનેત્રીએ શાહિદના બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકેના દિવસો યાદ કરતાં કહ્યું, “એક એક્ટરે મારા જ એક સોંગમાં મારી પાછળ બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે ડાન્સ કર્યો હતો અને તે હતા શાહિદ કપૂર; અને આજે આપ જુઓ શાહિદ કપૂર ક્યાં સુધી પહોંચી ગયા છે, અને મને તે જ ગુણો તમારામાં દેખાય છે.”

બોલીવૂડના સૌથી વિશ્વસનીય સ્ટાર્સ પૈકીના એક બનતાં પહેલાં, શાહિદ કપૂર 90ના દાયકામાં કોરિઓગ્રાફર શ્યામક દાવરની ડાન્સ ટ્રૂપનો હિસ્સો હતા અને ઘણીવાર બોલીવૂડ ગીતોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પર્ફોર્મ કરતા હતા. શાહરૂખ ખાન, માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂર અભિનીત ‘દિલ તો પાગલ હૈ’ના આઇકોનિક ગીત ‘લે ગઈ’માં તે કરિશ્મા કપૂર પાછળ નૃત્ય કરી ચૂક્યા છે.

તે ‘તાલ’ના જોશીલા ટ્રેક ‘કહીં આગ લગે લગ જાએ’માં ઐશ્વર્યા રાય પાછળ થિરકતા પણ જોવા મળ્યા હતા.

થોડા વર્ષો બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યા બાદ, શાહિદ કપૂરે 2003માં અમૃતા રાવ અને શેનાઝ ટ્રેઝરીવાળા સાથે ‘ઇશ્ક વિશ્ક’થી બોલીવૂડમાં પ્રવેશ કર્યો. વર્ષો દરમિયાન, તેમણે ‘જબ વી મેટ’, ‘કમીને’, ‘હૈદર’, ‘કબીર સિંહ’ અને ‘ઉડતા પંજાબ’ જેવી ફિલ્મો દ્વારા પોતાની આગવી ઓળખ ઊભી કરી.

રસપ્રદ વાત એ છે કે, 2000ના દાયકાની શરૂઆતમાં શાહિદ, કરિશ્મા કપૂરની નાની બહેન અને બોલીવૂડ દિવા કરીના કપૂર સાથે લાંબા સમય સુધી સંબંધમાં હતા. આ જોડી ઘણા વર્ષો સુધી સાથે રહ્યા બાદ 2007માં અલગ થઈ ગઈ.

શાહિદ કપૂર હવે તેમની આગામી ફિલ્મ ‘કોકટેઈલ 2’ માટે તૈયારી કરી રહ્યા છે, જેમાં કૃતિ સેનન અને રશ્મિકા મંદાના પણ મુખ્ય ભૂમિકામાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.