Western Times News

Gujarati News

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા લોકો કારમી મોંઘવારીમાં સપડાઈ ગયા

રોજિંદી ચીજવસ્તુઓના ભાવ એક મહિનામાં ૨થી ૧૦% સુધી વધ્યા

(એજન્સી)અમદાવાદ, અમેરિકા, ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં અત્યારે તો ‘સ્ટેટસ ક્વો’ની સ્થિતિ પ્રવર્તી રહી છે, પરંતુ યુદ્ધને કારણે દેશ-દુનિયાનું અર્થતંત્ર ખોરવાઈ ગયું છે.

તેલના ભાવ ૧૦૦ ડોલરને પાર કરી જતા ટ્રાન્સપોર્ટેશન , પેકેજિંગ મોંઘુ થયું છે અને સપ્લાય ચેઈન ખોરવાઈ જતા જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓ-દૂધ, શાકભાજી, અનાજ-કરિયાણું, રાંધણ ગેસમાં ઓટો-ઔદ્યોગિક વપરાશ માટેનો સીએનજી, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા લોકો કારમી મોંઘવારીમાં સપડાઈ ગયા છે.

છેલ્લા એક જ મહિનામાં સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટ, કરિયાણું, ફ્રુટ, શાકભાજી વગેરે જેવી રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં બેથી દસ ટકા સુધીનો વધારો થયો છે.

નોકરિયાત, મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગની આવકમાં વધારો થયો નથી, તેની સામે દિનપ્રતિદિન ખર્ચમાં વધારો થતાં બે છેડા ભેગા કરવા કપરું બની ગયું છે. અમેરિકા-ઈરાનના યુદ્ધને ૯૦ દિવસ થવા આવ્યા છે અને આ યુદ્ધ ક્યારે સમેટાશે તે અંગે આગાહી થઈ શકે તેમ નથી ત્યારે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ કપરી બને તેવી દહેશત વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

તાજેતરમાં દૂધમાં બે રૂપિયા, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ચાર દિવસમાં બે વાર અને સીએનજીના ભાવ વધારાથી તમામ ક્ષેત્રો પર તેની વિપરીત અસર થઈ છે. સરકારી આંકડાઓ જોઈએ તો દેશમાં મોંઘવારી ૪૨ મહિનાની ટોચે પહોંચી ગઈ છે. એપ્રિલ-૨૦૨૬માં હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સનો દર ૮.૩ ટકા જ્યારે સપ્ટે-૨૦૨૪ પછી કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ ૩.૪૮ ટકાની સપાટીએ પહોંચી ગયો છે.

એટલે કે, મોંઘવારી છેલ્લા ૨૨ મહિનાની ટોચે પહોંચી છે. હજુ પણ વૈશ્વિક કટોકટી-યુદ્ધની સ્થિતિ યથાવત રહી તો મોંઘવારીનો દર ૪.૪ ટકાને આંબી જવાની દહેશત વ્યક્ત થઈ રહી છે. યુદ્ધની યુદ્ધ લંબાશે તેવા ભયથી ગ્રાહકો સાવચેતી દાખવી કરકસરના ભાગ રૂપે ખરીદીથી દૂર રહેવા લાગ્યા છે. સામાન્ય રીતે માગ અને પુરવઠાને આધારે મોંઘવારીમા વધ-ઘટ થતી હોય છે,

પરંતુ આજના વૈશ્વિકરણના યુગમાં દરેક જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ એક બીજા પર આધારિત હોવાથી માત્ર રોજિંદી વપરાશની જ ચીજો નહીં, કાચા માલ, ટ્રાન્સપોર્ટેશન વગેરેમાં ભાવ વધારો થતા સરવાળે સામાન્ય વર્ગને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. અલબત્ત, અમદાવાદના બજારોમાંથી મિશ્ર અહેવાલો સાંપડી રહ્યા છે. અનાજ-કઠોળના વેપારી કમલેશ પટેલ કહે છે કે, બજારમાં પુરતો માલ છે, પરંતુ ઘરાકી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.