કર્નલ રૈના બોલ્યા- હવે દુશ્મનનું ગળું સુકાશેઃ લદ્દાખમાં સિંધુ નદી પર બન્યો પ્રથમ ડેમ
પાક.ની દુખતી રગ પર ભારતનો હાથ! લદ્દાખથી શરૂ થયેલું સિંધુ જળ સમૃદ્ધિ અભિયાન માત્ર પાણી બચાવવાનું માધ્યમ નથી, તે ભારતની નવી જળ-નીતિના શંખનાદ સમાન છે
પાકિસ્તાન એક એવો દેશ છે જે સંપૂર્ણપણે સિંધુ નદી અને તેની સહાયક નદીઓના પાણી પર નિર્ભર છે.
નવી દિલ્હી, ભારતે લદ્દાખની ધરતી પરથી એક એવો ચક્રવ્યૂહ રચી દીધો છે, જેના ગુંજારવથી ઇસ્લામાબાદથી લઈને રાવલપિંડી સુધીના શાસકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. India’s first rock check dam opens in Ladakh on Indus river.
લદ્દાખના ઉપરાજ્યપાલે એક દિવસ પહેલા સિંધુ જળ સમૃદ્ધિ અભિયાન અંતર્ગત લેહમાં સિંધુ એટલે કે ઇન્ડસ નદી પર પ્રથમ રોક ચેક ડેમનું ઉદ્ઘાટન શું કર્યું, તો સરહદ પાર દોડધામ મચી ગઈ. પાકિસ્તાનની નસેનસથી વાકેફ કર્નલ અજય રૈનાએ કહ્યું કે, ભારતે પાકિસ્તાનની દુખતી રગ પર હાથ મૂકી દીધો છે. જો થોડા વધુ પહાડી ડેમ અને ટનલ બની જશે તો પાકિસ્તાનીઓનું ગળું સુકાઈ જશે.
કર્નલ રૈનાએ X પર લખ્યું છે કે,આ તો બસ એક શરૂઆત છે. જે દિવસે સિંધુ નદી પર ડાયવર્ઝન ટનલની સાથે કોંક્રિટના મોટા ડેમ બની ગયા, તે દિવસે પાકિસ્તાનની કહાની હંમેશા માટે ખતમ થઈ જશે. સિંધુ નદી પાકિસ્તાનની ગળાની નસ છે, અમે એ નસ દબાવી દીધી છે.
કર્નલ અજય રૈનાએ ભૂગોળ અને ઇતિહાસની ગૂંચવણને પણ સ્પષ્ટ કરી છે. તેમણે જણાવ્યું કે, સિંધુ નદી એટલે કે ઇન્ડસ રિવરનું પ્રાચીન અને વાસ્તવિક મહત્વ શું છે. આ નદી લદ્દાખમાંથી થઈને વહે છે અને ત્યારબાદ પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના ગિલગિટ-બાલ્ટિસ્થાન અને આગળના વિસ્તારોમાં પ્રવેશ કરે છે.
પાકિસ્તાન એક એવો દેશ છે જે સંપૂર્ણપણે સિંધુ નદી અને તેની સહાયક નદીઓના પાણી પર નિર્ભર છે. પાકિસ્તાનની ખેતી, તેની ઇકોનોમી, તેનું પીવાનું પાણી અને તેની વીજળી બધું જ આ સિંધુના લીધે જીવંત છે. જો ભારત પાણી પોતાની તરફ વાળી લે, તો પાકિસ્તાન એક પણ ગોળી ચલાવ્યા વગર ઘૂંટણિયે આવી જશે.
ભારતે હંમેશા એક જવાબદાર રાષ્ટ્ર તરીકે ઇન્ડસ વોટર ટ્રીટી (સિંધુ જળ કરાર)નું પાલન કર્યું છે, ભલે પાકિસ્તાને તેના બદલામાં ભારતને માત્ર આતંકવાદ, સીઝફાયરનું ઉલ્લંઘન અને ઘા આપ્યા હોય, પરંતુ હવે ભારતનો મિજાજ બદલાઈ ચૂક્્યો છે. સિંધુ જળ સમૃદ્ધિ અભિયાન એ વાતની સાબિતી છે કે ભારત હવે પોતાના હિસ્સાના પાણીની એક-એક બુંદનો ઉપયોગ પોતાના કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે કરશે.
લદ્દાખ પ્રશાસનનું આ પગલું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના થ્રી-સી એટલે કે ઝીરો કાર્બન, કનેક્ટિવિટી અને કોન્ફ્લિક્ટ ફ્રી વિઝનને અનુરૂપ છે. પરંપરાગત ડેમોમાં મોટા પ્રમાણમાં કોંક્રિટ અને સિમેન્ટનો ઉપયોગ થાય છે, જેનાથી હિમાલયન ક્ષેત્રના પર્યાવરણને નુકસાન પહોંચવાનું જોખમ રહે છે, પરંતુ રોક ચેક ડેમ ટેકનિક સ્થાનિક પથ્થરો અને કાટમાળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જે પાણીના પ્રવાહને નિયંત્રિત પણ કરે છે, ભૂગર્ભ જળ સ્તરને પણ વધારે છે અને પ્રકૃતિને નુકસાન પણ પહોંચાડતી નથી.
