Western Times News

Gujarati News

શું પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી TMCનું પ્રભુત્વ ખતમ થઈ જશે?

TMCના 50 ધારાસભ્યો બળવાના મૂડમાં-સસ્પેન્ડેડ નેતાનો મોટો દાવો- હાલમાં પશ્ચિમ બંગાળમાં TMC ના 80 ધારાસભ્યો છે જો 50 ધારાસભ્યો બળવો કરે તો માત્ર 30 જેટલા જ રહે.

મમતા બેનરજીએ સોમવારે બે ધારાસભ્યો રિતબ્રતા બેનર્જી અને સંદીપનને હાંકી કાઢ્યા.

કોલકાત્તા, પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની પાર્ટી TMCમાં આંતરિક વિરોધનો સૂર ઉઠ્‌યો છે. સસ્પેન્ડ કરાયેલા નેતા રિજુ દત્તાએ મોટો દાવો કરતાં કહ્યું કે,-‘ટીએમસીના ૫૦ ધારાસભ્યોએ બેઠક કરી છે અને આ ધારાસભ્યો TMCના ચૂંટણી પ્રતીક પર કબજો કરવા માંગે છે.’

રિજુ દત્તાએ કહ્યું કે, TMCના બે ધારાસભ્યો રિતબ્રતા બેનર્જી અને સંદીપન સાહાએ વિધાનસભા સ્પીકરને પત્ર લખીને દાવો કર્યો કે તેમની સહી નકલી છે. જે બાદ તૃણમૂલ કોંગ્રેસે(TMC) આ બંને ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે. હાલમાં પશ્ચિમ બંગાળમાં TMC ના 80 ધારાસભ્યો છે.

  • ભારતીય જનતા પાર્ટી (BJP): 207
  • તૃણમૂલ કોંગ્રેસ (TMC): 80
  • ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ (INC): 2

તેમણે દાવો કર્યો, ‘મેં ઘણા વર્ષો સુધી તૃણમૂલ કોંગ્રેસમાં કામ કર્યું છે, તેથી મને સમાચાર મળ્યા અને કુણાલ ઘોષે પણ પ્રેસમાં જણાવ્યું કે રિતબ્રતા બેનર્જીના નેતૃત્વમાં આશરે 50 ટીએમસી ધારાસભ્યો એક હોટેલમાં મળ્યા. તેમણે ફોન પર પણ વાત કરી અને સાંજે ધારાસભ્ય આવાસમાં ઘણા ધારાસભ્યો સાથે બેઠક કરી. આજે બપોર બાદ એક થઈને વિધાનસભા અધ્યક્ષને મળશે અને ત્રણ મુખ્ય મુદ્દા ઉઠાવશે.’

Expelled TMC MLA Ritabrata Banerjee arrives at the Vidhan Sabha to SUBMIT the signatures of 59 MLAs to the Speaker.

તૃણમૂલ કોંગ્રેસના હાંકી કઢાયેલા પ્રવક્તાએ કહ્યું, ‘પહેલું, અમારી પાસે બે-તૃતીયાંશ બહુમતી છે. આશરે 50 ધારાસભ્યો અમારી સાથે છે. અમે જ અસલી તૃણમૂલ કોંગ્રેસ છીએ. બીજું, કે અમે અસલી તૃણમૂલ કોંગ્રેસ છીએ, તેથી વિપક્ષના નેતા રિતબ્રતા બેનર્જી હશે, શોભનદેબ ચટ્ટોપાધ્યાય નહીં. ત્રીજું, અમારી પાસે બે-તૃતીયાંશ બહુમતી છે, તેથી આ ચિહ્ન અમારું હોવું જોઈએ.’

રિજુ દત્તાએ કહ્યું કે, હું બે ખૂબ મહત્વની વાતો કહેવા માંગુ છું. પહેલી- અભિષેક બેનરજીએ જવાબદારી લેવી પડશે. જે લોકોને અભિષેક બેનરજી હાથ પકડીને આ પાર્ટીમાં લાવ્યા, તેમણે પાર્ટી સાથે દગો કર્યો છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનરજીએ પણ જવાબદારી લેવી પડશે. જે મેં ૮ અને ૯ તારીખે કહ્યું હતું, આજે તેઓ એ જ વાત કહી રહ્યા છે. તેઓ નારાજ છે. તેઓ અભિષેક બેનરજીથી નારાજ છે.’

બંગાળમાં ટીએમસીમાં ભંગાણના સમાચારોએ જોર એટલા માટે પકડ્‌યું કારણ કે મમતા બેનરજીએ સોમવારે બે ધારાસભ્યો રિતબ્રતા બેનર્જી અને સંદીપનને હાંકી કાઢ્યા.

ગઈકાલે જ એક હોટેલમાં છ ધારાસભ્યો મળ્યા હતા, જ્યાં બે બળવાખોર ધારાસભ્યો પણ હાજર હતા. બળવાખોર ધારાસભ્યો રિતબ્રતા બેનર્જીને જ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવવા માંગે છે, જ્યારે મમતા બેનરજીએ તેમના નજીકના શોભનદેબ ચટ્ટોપાધ્યાયને વિપક્ષના નેતા બનાવ્યા છે.

સ્પીકરને જે પત્ર આપવામાં આવ્યો હતો તેમાં ૧૩ ધારાસભ્યોના હસ્તાક્ષર કોઈ અન્ય વ્યક્તિએ કર્યા છે. સ્પીકરને ફરિયાદ મળી હતી જેની તપાસ હવે CID કરી રહી છે. આ જ મામલે ગઈકાલે અભિષેક બેનરજીને સીઆઈડીએ બોલાવ્યા હતા, પરંતુ તેઓ ગયા નહીં, સમય માંગ્યો.

સીઆઈડીએ આઠ જૂને ફરીથી સમન્સ પાઠવ્યું છે. ધારાસભ્ય દળના નેતા, મુખ્ય વ્હીપવાળો પત્ર, અભિષેક બેનરજીએ સ્પીકરને લખ્યો હતો. ધારાસભ્યોના હસ્તાક્ષર વાળું પાનું તેની સાથે જોડ્‌યું હતું. ત્રણ ધારાસભ્યોએ સીઆઈડીને જણાવ્યું કે આ તેમના હસ્તાક્ષર નથી.

આવી સ્થિતિમાં બળવાખોર ધારાસભ્યોની છાવણી એ તૈયારીમાં છે કે જો ૪૦થી વધુ ધારાસભ્યો તેમની સાથે આવી જાય તો બેઠક બોલાવીને, ટીએમસી ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી કરી લેવામાં આવે. કોઈ અન્ય વ્યક્તિને વિરોધ પક્ષના નેતા તરીકે સ્પીકર પાસે જઈને દાવો રજૂ કરે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.