Western Times News

Gujarati News

શિલ્પા શિંદેએ પ્રોડ્યુસર પરના જાતીય સતામણીના આરોપો ખોટા ગણાવ્યા-બંને પક્ષો વચ્ચે સેટલમેન્ટ થયું?

  • વિવાદમાંથી બહાર નીકળવા માટે તેણે આ ખોટો કેસ કર્યો હતો.

  • પેમેન્ટ ક્લિયર થયા બાદ બંને પક્ષો વચ્ચે સેટલમેન્ટ થયું હતું.

  • અભિનેત્રીએ ખોટા આરોપો બદલ પ્રોડ્યુસર બદનામ થયાનો અફસોસ વ્યક્ત કર્યો.

  • ભૂતકાળના વિવાદો ભૂલીને શિલ્પાના પ્રોડ્યુસર સાથે હવે સારા સંબંધો છે.

મુંબઈ, 3 જૂન -2026, ‘ભાભીજી ઘર પર હૈં!’ શોમાં ભોળી ‘અંગૂરી ભાભી’નું પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી શિલ્પા શિંદેએ આ લોકપ્રિય શો છોડતી વખતે થયેલા વિવાદ અંગે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

તેણે ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાના પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન “વો જૂઠ થા” (તે જૂઠું હતું) તેમ કહીને સ્વીકાર્યું છે કે શોના પ્રોડ્યુસર સામે તેણે લગાવેલા જાતીય સતામણી (સેક્સ્યુઅલ હેરેસમેન્ટ) ના આરોપો ખોટા હતા.

પોડકાસ્ટમાં આ વિવાદ વિશે ખુલ્લેઆમ વાત કરતા શિલ્પાએ જણાવ્યું કે, તેણે આ ફરિયાદ એટલા માટે કરવી પડી હતી કારણ કે તે સમયે તેની પાસે અન્ય કોઈ વિકલ્પ નહોતો અને તે ગમે તેમ કરીને એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માંગતી હતી.

તેણે કહ્યું, “આ વાત કોઈ નથી જાણતું, હું સાચું બોલતા ડરતી નથી અને હું હજી પણ કહીશ કે હું જે કહી રહી છું તે બહુ મોટી વાત છે. મેં મારા પ્રોડ્યુસર પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો કેસ કર્યો હતો કારણ કે મારી પાસે કોઈ રસ્તો નહોતો અને પછી હું તેમાંથી સેટલમેન્ટ કરીને બહાર નીકળી શકી.”

શિલ્પાએ વધુમાં ઉમેર્યું, “તે સમયે કોઈ પ્રોડ્યુસરે તેમનો (શોના પ્રોડ્યુસરનો) સાથ આપ્યો નહોતો અને મેં એ જ આધારે કેસ કર્યો હતો… પોલીસ તો સીધી FIR કરવા માટે એવું કહે છે કે તમારે કંઈક ખરાબ (ગંભીર આક્ષેપો) લખવું પડશે, અને હું પોતે લો (કાયદાના) બેકગ્રાઉન્ડમાંથી આવું છું.”

શિલ્પાએ શેર કર્યું કે તે સમયે તેની એક મિત્રએ તેને પૂછ્યું હતું કે, ‘શું તું જાણે છે કે તું આ શું કરી રહી છે?’ ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે: ‘મારી પાસે બીજો કોઈ રસ્તો નથી.’ તેમણે શિલ્પા પાસે કોઈ વિકલ્પ બાકી રાખ્યો નહોતો.

શિલ્પાએ પોડકાસ્ટમાં કહ્યું, “મેં પહેલાથી જ શો છોડી દીધો હતો અને મારી પાસે આગળ વધવાનો બીજો કોઈ માર્ગ નહોતો.” અભિનેત્રીએ આ પરિસ્થિતિને મહાભારત સમજવા જેવી ગણાવી હતી. શિલ્પાએ જણાવ્યું કે પ્રોડ્યુસર સંજય કોહલીએ પણ એવું જ કહ્યું હતું કે બધા રસ્તાઓ બંધ થઈ ગયા છે, એટલે ગમે તે રીતે આ ચક્રવ્યૂહ તોડવો જ પડત.

તેણે ઉમેર્યું, “બિચારો તે આ બાબતમાં વગર કારણે બદનામ થઈ ગયો.” અભિનેત્રીએ પહેલીવાર સ્વીકાર્યું કે તે બધું એક જૂઠ હતું.

“હું આજે આ માધ્યમથી કહી રહી છું કે તે જૂઠું હતું. હું આજે પહેલીવાર સાચે જ આ વાત કબૂલ કરી રહી છું. ત્યારબાદ અમારું સેટલમેન્ટ થયું અને અમારી જે પેમેન્ટ ત્રણ મહિના પછી મળવાની હતી તે ક્લિયર થઈ ગઈ.”

તેણે આગળ કહ્યું: “પરંતુ તે પછી એવું નક્કી થયું હતું કે આજ પછી ન તો તમે મીડિયામાં કોઈના વિશે વાત કરશો અને ન તો અમે કરીશું.”

અભિનેત્રીએ વધુમાં જણાવ્યું: “૧૧ વર્ષ પછી પણ મેં છેલ્લે ‘ભાભીજી…’ શો એટલા માટે કર્યો કારણ કે મનોજ સંતોષીજી જે અમારા રાઈટર હતા, તેમની ઈચ્છા હતી. એ સમયગાળા દરમિયાન મેં તેમને પણ દુઃખ પહોંચાડ્યું હતું… અને આ બધું થયા પછી પણ આજે હું તેમની સાથે કામ કરી રહી છું. વાસ્તવમાં આજે અમારા સંબંધો ખૂબ જ સારા છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.