ચાંદીની કિંમતોમાં એક ઝાટકે ૬૩૦૦થી વધુનો કડાકો થયો
પ્રતિકાત્મક
નવી દિલ્હી, ગુરૂવારે કોમોડિટી માર્કેટમાં રોકાણકારો માટે એક ચિંતાજનક દિવસ રહ્યો છે, જેમાં કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદી બંનેમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું, જેને કારણે રોકાણકારોને મોટો ફટકો પડ્યો છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર પર સત્તાવાર રીતે હસ્તાક્ષર પણ થઈ ગયા છે તેમ છતાં આજે સોના-ચાંદીની કિંમતો ઘટી છે. ગઇકાલે અમેરિકન શેરમાર્કેટમાં મોટો કડાકો નોંધાયો હતો અને આવનારી ફેડ રેટની માહિતીને કારણે પણ રોકાણકારો સાવચેત થઈ ગયા છે.
સોનાના ભાવમાં આજે ૧૮૨૯ રૂપિયાનો મોટો કડાકો બોલાયો છે. સોનાનો ગત દિવસનો બંધ ભાવ ૧,૫૩,૮૭૯ રૂપિયા હતો, જેની સામે આજે બજાર ૧,૫૨,૩૦૬ રૂપિયાના ઓપન ભાવે ખુલ્યું હતું.
ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીમાં કુલ ૬૩૦૭ રૂપિયાનો તોતિંગ ઘટાડો નોંધાયો છે. ચાંદીનો ગત દિવસનો બંધ ભાવ ૨,૫૧,૮૦૭ રૂપિયા હતો, જેની સામે આજે બજાર ૨,૪૮,૦૦૦ રૂપિયાના ઓપન ભાવે ખુલ્યું હતું.
આ અચાનક આવેલા ઘટાડાને કારણે બજારમાં રોકાણકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. નિષ્ણાતોના મતે માર્કેટમાં હાલના વોલેટિલિટીના કારણે આ ઘટાડો જોવા મળ્યો છે. હવે આગામી દિવસોમાં ભાવ સ્થિર થશે કે વધુ ઘટશે તે જોવું રહ્યું.
