Gujarat-Rain-Forecast: ૨૬ જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી: દરિયાકાંઠે ૬૦ કિમીની ઝડપે ફૂંકાશે પવન
File Photo
રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં આગામી ૨૬ જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની આગાહી છે, ત્યારે ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત ‘ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ રૂમ ફોર ઈમરજન્સી રિસ્પોન્સ’ દ્વારા ૨૦ જૂન ૨૦૨૬ના રોજ માછીમારો માટે એક ખાસ ચેતવણી જારી કરવામાં આવી છે.
પરિપત્ર મુજબ, રાજ્યના દરિયાકાંઠે આગામી દિવસોમાં ખરાબ હવામાન અને તોફાની પવન રહેવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને ભારે પવન ફૂંકાવવાની સાથે હોવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ હતી.
હવામાન વિભાગની આગાહી મુજબ, ૨૦થી ૨૧ જૂન દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે અને તેને અડીને આવેલા વિસ્તારોમાં ૩૫થી ૪૫ કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે, જેની ઝડપ અમુક સમયે વધીને ૫૫ કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે. ત્યારબાદ, ૨૩થી ૨૪ જૂન દરમિયાન દરિયામાં પવનનું જોર વધશે,
જ્યાં ગુજરાત અને કોંકણના કાંઠે ૪૦થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદી ઝાપટાં સાથે આ ઝડપ ૬૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે. આ ખરાબ હવામાન ૨૪થી ૨૫ જૂન સુધી ગુજરાત તેમજ ઉત્તર કોંકણના દરિયાકાંઠે યથાવત્ રહેશે,
જેમાં પવનની ઝડપ ૪૦થી ૫૦ કિમી પ્રતિ કલાક અને મહત્તમ ૬૦ કિમી પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે. આ ઉપરાંત, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના અન્ય વિવિધ ભાગોમાં પણ ભારે પવન અને ખરાબ હવામાનની ચેતવણી આપવામાં આવી છે.
