Western Times News

Gujarati News

માણસામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૫,૦૦૦ નાગરિકો સાથે કર્યો યોગાભ્યાસ

અમદાવાદ, ગુજરાત રાજ્યકક્ષાની મુખ્ય ઉજવણી ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કરવામાં આવી હતી. માણસા કોલેજના મેદાનમાં આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વહેલી સવારે શરૂ થયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે ૫,૦૦૦થી વધુ નાગરિકોએ એકસાથે યોગાભ્યાસ કર્યો હતો.

૨૧ જૂન, ૨૦૨૬ના રોજ સમગ્ર વિશ્વ સાથે ગુજરાતમાં પણ ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે ‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ની થીમ પર યોગ સપ્તાહની ઉજવણી થઈ રહી છે, જેનો મુખ્ય હેતુ સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન માટે યોગને પ્રોત્સાહન આપવાનો છે.

ગુજરાત રાજ્યકક્ષાની મુખ્ય ઉજવણી ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કરવામાં આવી હતી. માણસા કોલેજના મેદાનમાં આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વહેલી સવારે શરૂ થયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે ૫,૦૦૦થી વધુ નાગરિકોએ એકસાથે યોગાભ્યાસ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા યોગને માત્ર એક દિવસ પૂરતો સીમિત ન રાખતા, તેને દૈનિક જીવનનું અભિન્ન અંગ બનાવવા માટે ખાસ અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, આજના અવસરે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ પશ્ચિમ બંગાળથી સામૂહિક યોગાભ્યાસમાં જોડાયા હતા. તેઓના પ્રેરક વક્તવ્યનું જીવંત પ્રસારણ પણ માણસા ખાતે નિહાળ્યું.

આપણી સનાતન પ્રાચીન યોગ સંસ્કૃતિને વિશ્વભરમાં ગરિમાપૂર્ણ સ્વીકૃતિ અપાવનાર માનનીય મોદીજીના સુશાસનના પણ સફળ અને સળંગ ૧૨ વર્ષ પૂર્ણ થયા છે. તેમના નેતૃત્વમાં આજે વિશ્વ યોગ દિવસ પણ વૈશ્વિક હેલ્થકેરનું સર્વશ્રેષ્ઠ માધ્યમ બન્યો છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧.૫ લાખથી વધુ ટ્રેનર્સ તૈયાર કરીને ગુજરાત દેશનું સૌથી અગ્રેસર રાજ્ય બન્યું છે. આ ઉપરાંત, નિશુલ્ક યોગ ક્લાસ થકી ૮ લાખથી વધુ લોકોને જોડીને તેમને સ્વસ્થ જીવનશૈલી તરફ વાળવાનું શ્રેષ્ઠ કાર્ય થઈ રહ્યું છે. આવો, વ્યક્તિગત સ્વાસ્થ્યની સાથે યોગને રાષ્ટ્ર નિર્માણની સામૂહિક શક્તિ બનાવીએ અને તંદુરસ્ત સમાજના નિર્માણ દ્વારા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ થઈએ.

આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલે શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની શૈક્ષણિક સંસ્થાઓ તેમજ નાગરિકોને મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી હતી, જેને પગલે વહેલી સવારથી જ નાગરિકોનો મોટો પ્રવાહ મેદાન પર ઉમટી પડ્‌યો હતો.

જ્યાં એક તરફ કોલકાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ૧૦ લાખ લોકો યોગ કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના દરેક ખૂણે અને રાજ્યસ્તરે મુખ્યમંત્રીની આગેવાની હેઠળ યોગાભ્યાસના કાર્યક્રમો દ્વારા સ્વસ્થ ગુજરાતના સંકલ્પને સાકાર કરવામાં આવી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.