એક્શન હીરોની ઇમેજમાં બંધાઈ જવું મારી સૌથી મોટી ભૂલ હતી : અક્ષય
અક્ષયે કહ્યું, મને મારી જાતને થપ્પડ મારવાનું મન થતું હતું
૧૯૯૨માં આવેલી ફિલ્મ ખીલાડીની સફળતા બાદ અક્ષય કુમાર બોલિવૂડનો સૌથી લોકપ્રિય એક્શન સ્ટાર બની ગયો હતો
મુંબઈ, ‘ખિલાડી’ તરીકે જાણીતા અક્ષય કુમારે પોતાની કારકિર્દીના શરૂઆતના વર્ષાે અંગે કબુલાત કરી છે કે લાંબા સમય સુધી માત્ર એક્શન ફિલ્મો કરવી તેની મોટી ભુલ હતી. અક્ષયે કહ્યું કે એક સમય એવો આવ્યો હતો જ્યારે પોતાની જ ફિલ્મો જોઈને તેમને “પોતાને થપ્પડ મારવાનું મન થતું હતું.”હાલ અક્ષયની વેલકમ ટુ ધ જંગલ આવી રહી છે, ત્યારે પીટીઆઈ સાથેની વાતચીતમાં પોતાની કારકિર્દીનાં શરૂઆતનાં તબક્કાને યાદ કર્યાે હતો.
તેણે જણાવ્યું, “જ્યારે હું ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે મારો એક જ હેતુ હતો – પૈસા કમાવા. પરંતુ લગભગ દસ વર્ષ પછી જ્યારે મેં મારી ફિલ્મો જોઈ, ત્યારે મને લાગ્યું કે હું પોતાને જ થપ્પડ મારી દઉં. હું માત્ર એક્શન રોલ જ કરતો રહ્યો હતો અને કોઈને લાગતું નહોતું કે હું બીજું કંઈ કરી શકીશ.”૧૯૯૨માં આવેલી ફિલ્મ ખીલાડીની સફળતા બાદ અક્ષય કુમાર બોલિવૂડનો સૌથી લોકપ્રિય એક્શન સ્ટાર બની ગયો હતો. માર્શલ આટ્ર્સનાં બેકગ્રાઉન્ડ અને ફિટનેસને કારણે તેને સતત એક્શન ફિલ્મોની ઓફર મળતી રહી. જોકે, સમય જતા તેને સમજાયું કે એક જ પ્રકારની ભૂમિકાઓમાં બંધાઈ રહેવું યોગ્ય નથી.
અક્ષયે કહ્યું, “મને લાગ્યું કે હવે પોતાને બદલવાનો સમય આવી ગયો છે. હું વિવિધ પ્રકારના પાત્રો ભજવવા માગતો હતો. હું હંમેશા મારી જાતને તોડીને ફરીથી બનાવવાનો પ્રયત્ન કરું છું.”અક્ષયે ત્યારબાદ રોમાન્સ, ડ્રામા, સામાજિક મુદ્દાઓ પર આધારિત ફિલ્મો અને કોમેડી તરફ વળીને પોતાની નવી ઓળખ બનાવી. આ પરિવર્તનના પરિણામે તેણે હેરાફેરી, ધડકન, મુજસે શાદી કરોગી, ટોઇલેટ એક પ્રેમ કથા અને પૅડમેન જેવી સફળ ફિલ્મો આપી છે.
દર વર્ષે ચારથી વધુ ફિલ્મો કરવા અંગે પણ અક્ષયે વાત કરી. તેણે કહ્યું, “લોકો મને પૂછે છે કે એક વર્ષમાં ચાર ફિલ્મો કરવાની શું જરૂર છે? હું તેમને કહું છું કે મને દરરોજ કામ કરવું ગમે છે. ઇન્ડસ્ટ્રીમાં વધુ કામ અને વધુ વ્યવસાય સર્જાય એ માટે ઓછામાં ઓછી ચાર ફિલ્મો કરવી મારી ફરજ છે. હિટ અને ફ્લોપ તો આ કામનો ભાગ છે, પરંતુ કામ કરવું અને પોતાનું યોગદાન આપવું એ મારી જવાબદારી છે.” હવે તેની વેલકમ ટુ ધ જંગલ ૨૬ જુને રિલીઝ થશે. SS1
