રાજ્યમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી ધો.૧૦માં ત્રણ ભાષા ફરજિયાત ભણવી પડશે
પ્રતિકાત્મક
શાળા જે માધ્યમની હશે તે પ્રથમ ભાષા રહેશે
શિક્ષણ બોર્ડનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત મહત્ત્વનો નિર્ણય, વિષય માળખામાં ફેરફાર કરાયો
અમદાવાદ,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની શાળાકીય શિક્ષણ પ્રણાલીમાં વ્યાપક સુધારો જાહેર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ ના અસરકારક અમલીકરણના ભાગરૂપે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭થી એટલે કે ચાલુ વર્ષથી જ ધોરણ-૧૦ ના વિષય માળખામાં અત્યંત મહત્ત્વના ફેરફારોને મંજૂરી આપવામાં આવી છે. નવા નિયમ અનુસાર, ધોરણ-૧૦માં હવે ત્રિભાષા સૂત્રનો ચુસ્તપણે અમલ કરવામાં આવશે.
જેના કારણે અત્યાર સુધી વિદ્યાર્થીઓ માટે ત્રીજી ભાષાના વૈકલ્પિક સ્થાને રખાતા વોકેશનલ વિષયને ત્યાંથી હટાવી દેવામાં આવ્યો છે. આ વોકેશનલ વિષયને હવે ધો. ૧૦ના વિદ્યાર્થીઓ માટે ‘આઠમા વિષય’ તરીકે માળખામાં સ્વતંત્ર સ્થાન આપવામાં આવ્યું છે.આ અંગે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની તમામ માધ્યમિક શાળાના જિલ્લા શિક્ષણાધિકારીઓને સત્તાવાર પરિપત્ર પાઠવીને તાકીદે અમલ કરવા જાણ કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિમાં ધો. ૧૦ના વિષય માળખામાં ફેરફાર માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ આ ફેરફારો માટે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય સરકારની અંતિમ મંજૂરી મેળવવા દરખાસ્ત મોકલવામાં આવી હતી, જેને સરકારે સત્તાવાર મંજૂરી આપી દેતા શિક્ષણ બોર્ડ દ્વારા વિષય માળખામાં ફેરફાર કરાયો છે અને તેનો અમલ ચાલુ વર્ષથી જ કરવાનું નક્કી કરાયું છે.શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધો. ૧૦ના નવા માળખા અનુસાર, ત્રિભાષા સૂત્રનો ફરજિયાત અમલ કરવાનું નક્કી કરાયું છે. જેથી દરેક વિદ્યાર્થીએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ ભાષાઓનો અભ્યાસ કરવો અનિવાર્ય રહેશે.
હાલની જોગવાઈ અનુસાર, વોકેશનલ વિષયને ત્રીજી ભાષાના વિકલ્પ તરીકે રાખવામાં આવેલો હતો. પરંતુ હવે વોકેશનલ વિષય ત્રીજી ભાષાનો વિકલ્પ નહીં રહે, પરંતુ આઠમા સ્વતંત્ર વિષય તરીકે ભણાવવામાં આવશે. વિદ્યાર્થીએ પોતાના વિષય માળખામાં જેટલા પણ વિષય રાખેલા હશે, તે તમામ વિષયોની ધો. ૧૦ની બોર્ડની પરીક્ષા આપવાની રહેશે અને તે તમામમાં ઉત્તીર્ણ થવું ફરજિયાત રહેશે.હાલમાં વોકેશનલ વિષયને ત્રીજી ભાષાના વિકલ્પ તરીકે આપવામાં આવે છે.
જેથી વિદ્યાર્થીઓ ત્રીજી ભાષાના વિકલ્પમાં વોકેશનલ વિષય લઈ શકતા હોય છે. પરંતુ હવે બોર્ડના નવા માળખા અનુસાર ધો. ૧૦માં ત્રણ ભાષા ફરજિયાત કરવામાં આવી છે. જેના પગલે વોકેશનલ વિષયને ત્રીજી ભાષાના વિકલ્પમાંથી બાદ કરવામાં આવ્યો છે અને આઠમા વિષય તરીકે વિષય માળખામાં સમાવેશ કરાયો છે. જેથી ધોરણ-૯માં જે વિદ્યાર્થીઓએ વોકેશનલ વિષયનો અભ્યાસ કર્યાે હતો તેઓ ધો. ૧૦માં ૮મા વિષય તરીકે વોકેશનલ વિષય લઈ શકશે.SS1
