Western Times News

Gujarati News

રાજ્યભરમાંથી ત્રણ દિવસ દરમિયાન કુલ ૧૬.૩૫ લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળામાં કરાવ્યું નામાંકન

‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૬’ સંપન્ન-

ત્રીજા દિવસે ૮,૨૮૭ ગામો અને કુલ ૧૨,૪૯૫ શાળાઓ બની શિક્ષણ ઉત્સવની સાક્ષી રાજ્યભરમાંથી દાતાઓશ્રી દ્વારા રોકડ અને વસ્તુ સ્વરૂપે કુલ રૂ. ૨૮.૯૭ કરોડથી વધુનું દાન

રાજ્યમાં શિક્ષણના મહાયજ્ઞ સમાન ત્રિદિવસીય ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૬’ ઉત્સાહભેર સંપન્ન થયો છે. જેમાં રાજ્યભરમાંથી ત્રણ દિવસ દરમિયાન કુલ ૧૬.૩૫ લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળામાં નામાંકન કરાવીને શિક્ષણના આ અભિયાનમાં સહભાગી થયા છે.

 પ્રવેશોત્સવના છેલ્લા દિવસે એટલે કે તા. ૨૫ જૂનના રોજ રાજ્યભરમાં કુલ ૮,૨૮૭ ગામો અને ૧૨,૪૯૫ શાળાઓમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોના સ્વાગત માટે મુખ્યમંત્રીશ્રીનાયબ મુખ્યમંત્રીશ્રીમંત્રીશ્રીઓપદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહિત કુલ ૨૭,૯૫૯ મહાનુભાવો વિવિધ શાળાઓની મુલાકાત લઈને વિદ્યાર્થીઓનો પ્રવેશ માટે ઉત્સાહ વધાર્યો હતો. આમતા. ૨૩ થી ૨૫જૂન ૨૦૨૬ દરમિયાન ત્રણ દિવસમાં રાજ્યભરમાં કુલ ૨૫,૬૨૫ ગામો અને ૩૭,૨૧૧ શાળાઓને આવરી લેવામાં આવી છે.

 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તથા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી રીવાબા જાડેજાના નેતૃત્વ હેઠળ રાજ્યનો એક પણ બાળક શિક્ષણના અધિકારથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. શિક્ષણના આ મહાપર્વ દરમિયાન નવી પેઢીના લાખો બાળકોએ શાળામાં પ્રવેશ મેળવી રેકોર્ડબ્રેક નામાંકન નોંધાવ્યું છે.

આજે પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડી અને બાલમંદિરમાં ૬૨ હજારથી વધુ બાળકોએ અક્ષરજ્ઞાનનો શ્રીગણેશ કર્યો હતો. બાલવાટિકામાં કુલ ૧.૪૬ લાખ કરતાં વધુ નવા નામાંકન નોંધાયા છે. આ ઉપરાંત ધોરણ-૧માં ૩૪ હજારથી વધુધોરણ-૯માં ૧.૭૯ લાખથી વધુધોરણ-૧૧માં ૯૧,૬૧૩ જેટલા વિદ્યાર્થીઓ તેમજ ‘Back to School Survey’ મુજબ ૨૫,૦૭૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પ્રવેશ મેળવી શાળા પ્રવેશોત્સવને ખરા અર્થમાં સફળ બનાવ્યો છે. 

 તદુપરાંત આજે રાજ્ય સરકાર દ્વારા ૯૯૯ જેટલી શાળાઓમાં નવીન પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત કન્યા કેળવણીને વધુ વેગ આપવા માટે પ્રવેશોત્સવ દરમિયાન રાજ્યની ૩,૯૩૫ જેટલી પ્રતિભાશાળી કન્યાઓને ‘વિદ્યાલક્ષ્મી બોન્ડ’ અર્પણ કરીને તેમને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

 રાજ્યની ઉદાર જનતાએ આ શિક્ષણ યજ્ઞને લોકોત્સવનું સ્વરૂપ આપીને ખુલ્લા હાથે સહયોગ આપ્યો છે. આ અભિયાન દરમિયાન લોકભાગીદારી સ્વરૂપે કુલ રૂ. ૧૦.૭૧ કરોડ કરતાં વધુની માતબર સહાય પ્રાપ્ત થઈ હતી. તેમાં રૂ. ૧.૫૨ કરોડ કરતાં વધુ રોકડ સ્વરૂપે તેમજ રૂ. ૯.૧૮ કરોડ કરતાં વધુના મૂલ્યના વિવિધ શૈક્ષણિક સાધનો શાળાઓને ભેટરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા. આમ ત્રણ દિવસ દરમિયાન દાતાઓશ્રી દ્વારા રાજ્યભરમાંથી રોકડ અને વસ્તુ સ્વરૂપે કુલ રૂ. ૨૮.૯૭ કરોડથી વધુનું દાન આપીને શિક્ષણના આ યજ્ઞને વધુ વેગ આપ્યો છે.

 ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૬’ માત્ર એક કાર્યક્રમ નહીંપરંતુ શિક્ષણ પ્રત્યેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાસમાજની સહભાગિતા અને ઉજ્જવળ ભવિષ્ય તરફ ગુજરાતના મજબૂત સંકલ્પનું જીવંત પ્રતિક બની રહ્યું છે.

 ગુજરાતમાં સાક્ષરતાનો દર વધારવા અને રાજ્યના દરેક બાળકનું ૧૦૦ ટકા નામાંકન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૬’ની ૨૪મી કડીનો તા. ૨૩ જૂનના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વડનગરની ઐતિહાસિક બી.એન. હાઈસ્કૂલથી રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ શૈક્ષણિક મહાપર્વની શરૂઆત કરવામાં આવીજ્યાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાનું શાળા શિક્ષણ મેળવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.