Western Times News

Gujarati News

ટ્રમ્પ માટે અમેરિકા નહીં ફેમિલી ફર્સ્ટ?

કઝાકિસ્તાન સાથે થયેલો આ સોદો અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યાપારી વ્યૂહનીતિની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનો માનવામાં આવે છે

ટ્રમ્પે ૧.૬ અબજ ડોલરની ડીલ દ્વારા દીકરાઓને બમ્પર કમાણી કરાવતા હોબાળો

વોશિગ્ટન,અમેરિકાના રાજકારણમાંથી આ સમયે એક બહુ મોટો વિવાદ સામે આવી રહ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવાર અને તેમની સરકારના મંત્રીઓ પર સરકારી ડીલના બહાને પોતાના ખિસ્સા ભરવાના ગંભીર આક્ષેપો થયા છે. એક મીડિયા રિપોર્ટમાં થયેલા ખુલાસા પ્રમાણે, અમેરિકન સરકારે તાજેતરમાં એક એવી મોટી ડીલ કરી છે જેનાથી ટ્રમ્પના દીકરાઓને અબજો રૂપિયાનો ફાયદો થવા જઈ રહ્યો છે. આ નફાકારક ડીલમાં ટ્રમ્પ પરિવારની સાથે અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકનું નામ પણ સામે આવ્યું છે, જેના કારણે હવે ટ્રમ્પ પ્રશાસનની ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિ સામે મોટા સવાલો ઊભા થયા છે.

એક મીડિયા રિપોર્ટ બાદ આ આખો વિવાદ શરૂ થયો છે. આ અહેવાલ મુજબ, અમેરિકાએ તાજેતરમાં કઝાકિસ્તાન સાથે દુનિયાના સૌથી મોટા દુર્લભ ખનિજ ‘ટંગસ્ટન’ના ભંડારને વિકસાવવા માટે ૧.૬ અબજ ડોલર એટલે કે આશરે ૧૩,૫૦૦ કરોડ રૂપિયાની સરકારી ડીલ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે આ સરકારી સોદાથી સીધેસીધો આર્થિક ફાયદો ડોનાલ્ડ ટ્રમ્પના દીકરાઓ અને તેમના વાણિજ્ય મંત્રીના પરિવારને થવાનો છે.કઝાકિસ્તાન સાથે થયેલો આ સોદો અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યાપારી વ્યૂહનીતિની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનો માનવામાં આવે છે.

હાલમાં વૈશ્વિક ટંગસ્ટન માર્કેટ પર ચીનનો સંપૂર્ણ કબજો છે અને ચીન સતત આ દુર્લભ ખનિજના એક્સપોર્ટ પર પ્રતિબંધો વધારી રહ્યું છે. ટંગસ્ટનનો ઉપયોગ મિસાઇલ વોરહેડ્‌સ, ફાઈટર જેટ્‌સ, સેમિકન્ડક્ટર્સ અને કટોકટીના સમયની એડવાન્સ સૈન્ય ટેન્કોલોજીમાં થાય છે. અમેરિકા આ ડીલ દ્વારા ચીન પરની પોતાની નિર્ભરતા ખતમ કરવા માગે છે, પરંતુ હવે ટંગસ્ટન કરતાં વધુ ચર્ચા તે ચહેરાઓની થઈ રહી છે જેમની તિજોરીઓ આ સરકારી સોદાથી ભરાવાની છે.

દસ્તાવેજો અનુસાર, સરકારી ડીલની વાતચીત દરમિયાન જ ટ્રમ્પ અને તેમના મંત્રીઓના પરિવારો આ સોદામાં ભાગીદારી ખરીદી રહ્યા હતા. સપ્ટેમ્બર ૨૦૨૫માં ન્યૂયોર્કની સેન્ટ રેજિસ હોટેલમાં વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિક અને કઝાકિસ્તાનના પીએમ વચ્ચે બેઠક થઈ, જેમાં ટ્રમ્પે પોતે ફોન કોલ કરીને કઝાકિસ્તાનને રાજી કર્યું હતું.આ મીટિંગના થોડા જ અઠવાડિયામાં, ટ્રમ્પ ટાવરથી ચાલતી ‘ડોમિનારી સિક્યોરિટીઝ’ નામની ઇન્વેસ્ટમેન્ટ ફર્મે આ પ્રોજેક્ટની મુખ્ય કંપનીના શેર ખરીદી લીધા, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને એરિક ટ્રમ્પની ૨૦% હિસ્સેદારી છે.

બીજી તરફ, વાણિજ્ય મંત્રીના દીકરાઓની કંપની ‘કેન્ટર ફિટ્‌ઝગેરાલ્ડ’ ઇન્વેસ્ટમેન્ટ બેંકે પણ આ પ્રોજેક્ટ માટે ૨૧૦ મિલિયન ડોલરનું ફંડ એકઠું કરી લીધું હતું.રિપોર્ટ મુજબ આ કોઈ એકમાત્ર કિસ્સો નથી; ટ્રમ્પ અને લુટનિક પરિવારની કંપનીઓ સરકાર સમર્થિત આવા ઓછામાં ઓછા ૧૪ માઇનિંગ પ્રોજેક્ટ્‌સમાં હિસ્સો ધરાવે છે. આ કંપનીઓ અમેરિકન સરકાર પાસેથી અંદાજે ૮.૯ અબજ ડોલરનું ફેડરલ ફંડિંગ, લોન કે મંજૂરી મેળવવાની રેસમાં સૌથી આગળ છે.

આ મામલે અમેરિકન સાંસદ મેક્સિન ડેક્સ્ટરે આકરો વાંધો ઉઠાવતા કહ્યું કે, સંસદે એ જોવું પડશે કે ટેક્સદાતાઓના પૈસા દેશહિતમાં વપરાય, નહીં કે ટ્રમ્પ પરિવારના ખિસ્સા ભરવા. બીજી તરફ, વ્હાઇટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈએ આક્ષેપો નકારીને સ્પષ્ટતા કરી છે કે, નિર્ણયો પાછળ માત્ર જનતાનું હિત અને સપ્લાય ચેનની સુરક્ષા જ અમેરિકન પ્રમુખની પ્રાથમિકતા છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.