મહારાષ્ટ્રમાં આભ ફાટતા ટ્રેન અને હવાઈ સેવા ખોરવાઈઃ૧૩નાં મોત
લાખો મુસાફરો અટવાયા શાળા-કોલેજો બંધ
મુંબઈ, મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા મુશળધાર વરસાદે આજે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મુંબઈ, પૂણે, ઠાણે અને પાલઘર સહિતના વિસ્તારોમાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાતાં પૂર અને ભૂસ્ખલનની શ્રેણીબદ્ધ ઘટનાઓ સામે આવી છે. ભારે વરસાદના કારણે મુંબઈ-પૂણે એક્સપ્રેસવે અને રેલ સેવા સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે, જેનાથી બંને મોટા શહેરો વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. હવામાન વિભાગ દ્વારા મુંબઈ, ઠાણે અને રાયગઢ માટે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
દરમિયાન મુંબઈમાં ભારે વરસાદને પગલે જનજીવનને વ્યાપક અસર થઈ છે. એટલું જ નહીં હવાઈ અને રેલ સેવા ખોરવાઈ છે જેના પરિણામે મોટી સંખ્યામાં મુસાફરો અટવાયા હતા. મુંબઈમાં સતત વરસી રહેલ વરસાદના પગલે બીએમસી અને પોલીસ દ્વારા શહેરીજનો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
સેન્ટ્રલ રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોમવારે વહેલી સવારે આશરે ૦૩ઃ૦૫ વાગ્યે કરજત-લોનાવાલા વચ્ચે ઠાકુરવાડી પાસે અને ત્યારબાદ ખંડાલા અને મંકી હિલ વચ્ચે ભારે ભેખડો ધસી પડી હતી. આ કુદરતી આફતના કારણે રેલવેની ત્રણેય લાઈનો પ્રભાવિત થઈ છે. મુંબઈ-પૂણે વચ્ચે દોડતી પ્રખ્યાત ડેક્કન ક્વીન, ઇન્દ્રાયણી એક્સપ્રેસ, ઇન્ટરસિટી એક્સપ્રેસ, ડેક્કન એક્સપ્રેસ, પ્રગતિ એક્સપ્રેસ, સિંહગઢ એક્સપ્રેસ અને ધુળે એક્સપ્રેસ સહિત ૧૬ ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે ૯ ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા છે.
પશ્ચિમ રેલવેમાં પણ પાલઘરમાં ૩૦૦ મીમીથી વધુ વરસાદ ખાબકતા વસઈ, નાલાસોપારા અને વિરારમાં જળબંબારકારની સ્થિતિ છે, જેના લીધે લોકલ ટ્રેનો ૨૦-૨૫ મિનિટ મોડી ચાલી રહી છે.
મુંબઈ-પૂણે એક્સપ્રેસવેની નવી શરૂ થયેલી ‘મિસિંગ લિંક’ પર ટનલ-૨ ના એક્ઝિટ નજીક ખોપોલી-કુસગાંવ લિંક પાસે મોટો લેન્ડસ્લાઈડ થયો છે. એક્સપ્રેસવે પર એક કોંક્રિટ પિલર ધરાશાયી થઈને રોડ પર પડતાં રસ્તો બ્લોક થઈ ગયો છે. જૂના હાઈવે પર પણ પાણી ફરી વળ્યા હોવાથી વહીવટીતંત્રે બંને હાઈવે વાહનવ્યવહાર માટે આગામી સૂચના સુધી બંધ કરી દીધા છે
અને વાહનોને લોનાવાલા તરફ ડાયવર્ટ કરાતા કલાકો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં ૭૦થી ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ૨૧ સેમીથી વધુ વરસાદની આગાહી કરી છે. આજે બપોરે મુંબઈના મરીન ડ્રાઈવ પર સમુદ્રમાં ઊંચી લહેરો (હાઈ ટાઈડ) જોવા મળી હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી અને વહીવટીતંત્ર દ્વારા મુંબઈ, પૂણે, ઠાણે અને પાલઘર જિલ્લાની તમામ સરકારી અને ખાનગી સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
ખરાબ હવામાન અને ભારે વરસાદના કારણે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે ૧૧ઃ૩૦ વાગ્યા સુધીમાં ૧૭ ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી, જ્યારે ૫ ફ્લાઈટ્સને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ઉપરાંત ૨૧૭ જેટલી ફ્લાઈટ્સ મોડી પડી હતી.
મહારાષ્ટ્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી ગિરીશ મહાજને જણાવ્યું કે મુંબઈ, પાલઘર અને રાયગઢમાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં વરસાદી દુર્ઘટનાઓને કારણે ૧૩ લોકોના મોત નીપજ્યા છે. મુંબઈના માનખુર્દ (મંડાલા) વિસ્તારમાં રવિવારે રાત્રે ભારે વરસાદ વચ્ચે એક ત્રણ માળની ચાલનો હિસ્સો તૂટી પડતાં ૬ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને રૂ. ૫ લાખની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
ઉત્તરી મુંબઈમાં મનોરી બીચથી ૧ કિમી દૂર એક મોટું જહાજ પથરાળ વિસ્તાર અને તેજ પવનને કારણે ફસાઈ ગયું છે. નેવી અને કોસ્ટ ગાર્ડ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ગોંદિયા જિલ્લાના સાલેકસા, આમગાંવ અને દેવરી તાલુકામાં ભારે પૂર આવ્યું છે. સાલેકસામાં પિપરિયા-રિસવાડા રોડ પર પુલના નિર્માણ દરમિયાન અચાનક પાણી વધતા એક ટિપર ટ્રક સહિત કેટલાય વાહનો નદીમાં ફસાયા હતા. જો કે, કોઈ જાનહાનિ થઈ નથી.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું અને પ્રવાસ ટાળવો. કોઈપણ કટોકટીની સ્થિતિમાં નાગરિકો મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્પલાઈન ૧૯૧૬ પર સંપર્ક કરી શકે છે. વહીવટીતંત્રના ૧૫,૦૦૦થી વધુ કર્મચારીઓ જમીની સ્તરે તૈનાત છે.
