Western Times News

Gujarati News

નેચરલ ગેસની સપ્લાય પર લગાવવામાં આવેલા ઈમરજન્સી કંટ્રોલ પાછા ખેંચી લેવાયા

પ્રતિકાત્મક

(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્ર સરકારે નેચરલ ગેસની સપ્લાય પર લગાવવામાં આવેલા ઈમરજન્સી કંટ્રોલ પાછા ખેંચી લીધા છે. સરકારે આ જ વર્ષે માર્ચ મહિનામાં આ જોગવાઈઓ જાહેર કરી હતી, જેના હેઠળ સરકાર કુદરતી ગેસની ફાળવણી અને સપ્લાય પર સીધું નિયંત્રણ રાખી રહી હતી.

તે સમયે સરકારને આ અધિકાર આપવામાં આવ્યો હતો કે જરૂર પડ્યે તે નક્કી કરી શકે કે કયા સેક્ટરને કેટલી કુદરતી ગેસ મળશે કારણ કે તેનો ઉદ્દેશ્ય ગેસની સંભવિત અછત દરમિયાન ખાતર, વીજ ઉત્પાદન અને અન્ય આવશ્યક ક્ષેત્રોને પ્રાથમિકતા આપવાનો હતો. આનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો હતો કે જો ગેસની અછત થાય, તો પણ સામાન્ય લોકો અને આવશ્યક સેવાઓ પર આની ન્યૂનતમ અસર પડે.

સરકારનું કહેવું છે કે વર્તમાન સમયમાં કુદરતી ગેસની ઉપલબ્ધતા અને સપ્લાયની સ્થિતિ પહેલાની સરખામણીમાં ઘણી સારી છે. ઘરેલું ઉત્પાદન, આયાત અને વિતરણ વ્યવસ્થા સામાન્ય રીતે ચાલી રહી છે તથા તાત્કાલિક કોઈ મોટા સંકટની આશંકા નથી. એવામાં ઈમરજન્સી કંટ્રોલ જાળવી રાખવાની જરૂર રહી નથી. આ જ કારણે આ વિશેષ જોગવાઈઓને પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કુદરતી ગેસની સપ્લાય અને વિતરણ ફરીથી સામાન્ય વ્યવસ્થા હેઠળ થશે અને ઈમરજન્સી નિયંત્રણ લાગુ નહીં રહે.

અમેરિકા અને ઈરાન યુદ્ધ બાદ હોર્મુઝ સંકટ ઉભું થયું હતું, જેના કારણે દુનિયાભરમાં ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની અછત થઈ ગઈ હતી. જેના કારણે સરકારે આના પર ઈમરજન્સી કંટ્રોલ લગાવ્યો હતો. હવે અમેરિકા અને ઈરાન વચ્ચે ૬૦ દિવસની સમજૂતી થઈ છે, જેના પછી હવે ફાઈનલ વાતચીત ચાલી રહી છે. હવે જોવાનું એ રહેશે કે બંને પક્ષ કેટલા દિવસોમાં સામાન્ય સહમતિ પર પહોંચી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.