Western Times News

Gujarati News

ખંભાતમાં હિંસા બાદ PSI, ASI સહિત કર્મીઓની બદલી

કોમી રમખાણ કેસમાં ગંભીર લાપરવાહી દાખવવા બદલ પોલીસ કર્મચારી પર ગાજ વાગીઃ પોલીસ બેડામાં ચકચાર
અમદાવાદ, ખંભાતમાં તાજેતરમાં ફાટી નીકળેલી કોમી હિંસા દરમ્યાન ગંભીર બેદરકારી દાખવવા બદલ વધુ પોલીસ કર્મચારીઓ પર ગાજ વાગી છે. ઉચ્ચ પોલીસ સત્તાધીશો દ્વારા સમગ્ર પ્રકરણમાં કોમી તોફાન કેસમાં વધુ બદલીઓ કરવામાં આવી છે.

ખંભાત સીટી પીએસઆઇ મૌલિક ચૌધરીની બદલી થઇ છે. એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે. પીએસઆઇ સહિત પાંચની ઉમરેઠ ખાતે બદલી કરવામાં આવી છે. કોમી તોફાન કેસમાં બેદરકારી દાખવવા બદલ બદલીઓ કરવામાં આવી છે. જેને પગલે સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ છે.

ખંભાત શહેરમાં તાજેતરમાં ફાટી નીકળેલા તોફાનો બાદ હાલ તો, શાંતિ પ્રવર્તી રહી છે પરંતુ પોલીસ દ્વારા હજુ પણ સઘન અને અસરકારક પેટ્રોલીંગ થઇ રહ્યું છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં હજુ પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વોચ ગોઠવાયેલા છે.

અગાઉ ખંભાત હિંસાને પગલે રાજ્યના ગૃહ વિભાગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં આણંદ એસપી મકરંદ ચૌહાણ અને ખંભાતના ડીવાયએસપી રીમા મુનશીની તાત્કાલિક ધોરણે બદલી કરી દેવામાં આવી હતી. મકરંદ ચૌહાણના સ્થાને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના ડેપ્યુટી કમિશનર અજિત રાજીયાણને આણંદ એસપી તરીકે નિમણૂંક કરાઈ હતી.

આ જ પ્રકારે ખંભાતના ડીવાયએસપી કેડરના સબ ડિવિઝન પોલીસ ઓફિસર રીમા મુનશીના સ્થાને અમદાવાદ એસીબીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ભારતી પંડ્‌યાને મૂકવામાં આવ્યા હતા. રાજયના ડીજીપી શિવાનંદ ઝાએ ખંભાતની હિંસામાં ગંભીર બેદરકારી દાખવવા બદલ તાત્કાલિક અસરથી આ બદલીઓ કરી શિક્ષાત્મક પગલા લીધા હતા.

તો, ખંભાત પોલીસ સ્ટેશનના પીઆઈ ડીપી ચૌહાણની બદલી કરીને તેમના સ્થાને તારાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ડીએસ ગોહિલની ખંભાત પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ હતી. ડીપી ચૌહાણને લીઝ રિઝર્વમાં મોકલાયા છે.

જ્યારે ચાર્જમાં રહેલા પેટલાદ પોલીસ સ્ટેશનના પીઆઈ સીપીઆઈ વાય.આર.ચૌહાણને ખંભાત પોલીસ સ્ટેશનના ચાર્જમાંથી મુક્ત કરાયા હતા. લગભગ એક સપ્તાહ બાદ ખંભાતની હિંસામાં વધુ પોલીસ કર્મચારીઓને સજાના ભાગરૂપે બદલી કરી દેવાયા છે. ખંભાત સીટી પીએસઆઇ મૌલિક ચૌધરી ઉપરાંત, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલની બદલી કરવામાં આવતાં રાજયભરના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.