Western Times News

Gujarati News

માવઠાથી ડુંગળી, જીરૂ,કપાસ અને ઘઉંના પાકને વ્યાપક નુકશાન

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ:  હવામાન ખાતાએ બે દિવસ રાજયમાં કમોસમી વરસાદ પડશે એવી કરેલ આગાહી સાચી પડતી હોય એમ રાજયમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ભારે ચિંતીત થયા છે. અને વાતાવરણમાં આવેલ એકાએક પલટાને કારણે રાજ્યમાં ઠંડક પ્રસરી જવા પામી છે. તો રાજ્યના કેટલાંક ભાગોમાં કરા સાથે વરસાદ પડ્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે.

અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે પડેલા વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખુલ્લી કરી છે. પડેલા સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અને રસ્તા પણ તૂટયાની માહિતી મળી રહી છે. આ લખાય છે ત્યારે પણ શહેરના કેટલાંક વિસ્તારોમાં હજુ પાણી રસ્તા ઉપર જાવા મળી રહ્યા છે. તો કેટલેક ઠેકાણે ગટરના પાણી બેક મારતા હોવાના પણ સમાચાર છે. દક્ષિણ ગુજરાતમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા તથા કમોસમી વરસાદ પડતા કેરી, જીરૂ તથા ચીકુના પાકને નુકશાન થયુ છે.

સુરતમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ શરૂ થતાં જ નોકરીયાત વર્ગ તથા વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. રસ્તાઓ પર પાણી ભરાયા છે. અને ગટરોના પાણી બેક મારી રહ્યા હોવાને કારણે વાયરસજન્ય રોગચાળો ફેલાવાની લોકો ભીતિ સેવી રહ્યા છે. સુરતમાં કોરોનો વાયરસનો એક શંકાસ્પદ મળી આવતા તથા કમોસમી વરસાદ પડવાને કારણે સુરત મ્યુનિસિપલ કોર્પોેરશનના સત્તાવાળાઓ દોડતા થયા છે. તથા લોકોને ન ગભરાવાની અપીલ કરી રહ્યા છે.

ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો. કમોસમી વરસાદ તથા કાતિલ ઠંડીને કારણે ખેડૂતો ભારે ચિંતીત થયા છે. મહેસાણાના લીંચ ગામમાં ર૦૦ વીઘા જમીનમાં ઉગાડેલ તમામનો પાક નાશ પામ્યો છે. રાજ્યના કેટલાંક ભાગોમાં કરા સાથે વરસાદ પડ્યાના અહેવાલ મળી રહ્યા છે.

અંબાજીમાં પણ આકાશ વાદળોથી ઘેરાયેલ છે. તથા વરસાદ પડી રહ્યાની માહિતી મળી છે. ડાંગમાં પણ વરસાદ શરૂ થતાં મેળાના રંગમાં ભંગ પડ્યો છે. અરવલ્લી જીલ્લા તથા આજુબાજુના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને કારણે જીરૂ, વરિયાળી, ઘઉ, કપાસ તથા કેરીના પાકને નુકશાન થવાના સમાચાર છે. હવામાન ખાતાની આગાહી અનુસાર હજુ ૧ર કલાક રાજ્યમાં માવઠાની અસર રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.