Western Times News

Gujarati News

“મીશન મીલીયન ટ્રી” પ્રોજેકટની સફળતા સામે પ્રશ્નાર્થ

File photo

 

૩૦ દિવસમાં માત્ર દોઢ લાખ રોપા લાગ્યાઃ સાડા આઠ લાખ રોપાનું ટાર્ગેટ પૂર્ણ કરવાનું દબાણ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ વહીવટીતંત્ર ના વડા દ્વારા ઘોષિત કરવામાં આવેલ “મીલીયન ટ્રીઝ” પ્રોજેકટ સામે પ્રશ્નાર્થ લાગી ગયો છે. વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ કરવામાં આવેલ સદ્દર પ્રોજેકટમાં એક મહીના બાદ માત્ર દોઢ લાખ રોપા લગાવવામાં આવ્યા છે. જયારે પ્રોજેકટ પૂર્ણ થવામાં પણ માત્ર દોઢ મહીનો જ બાકી રહ્યો છે તેથી મ્યુનિ. કમીશ્નરની અન્ય જાહેરાતોની જેમ સદ્દર જાહેરાતનો પણ ફીયાસ્કો થઈ શકે છે તેવી ચર્ચા વેગ પકડી રહી છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષે ચોમાસાની સીઝનમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે. મ્યુનિ.કોર્પોરેશનની વિવિધ મિલ્કતોમાં રોપા લગાવી તથા ફોટા પડાવી ને મહાનુભવો પુણ્યકાર્ય કર્યાનો સંતોષ માને છે. મ્યુનિ. મહાનુભાવો દ્વારા જે રોપા લગાવવામાં આવે છે. તે પૈકી માંડ ર૦ ટકા રોપાનો ઉછેર થાય છે. જયારે ૮૦ ટકા રોપા બળી જાય છે. મ્યુનિ. કમીશ્નરના ધ્યાનમાં આ બાબત આવતા તેમને વધુ રોપા ઉછેરવા માટે વધુ રોપા લગાવવાનો અનોખો વિચાર આવ્યો હતો. તેથી દર વર્ષે જે એક લાખ રોપા લગાવવામાં આવે છે.

તેના બદલે દસ વર્ષનો ટાર્ગેટ એક સાથે જ પૂર્ણ કરવા માટે દસ લાખ રોપા લગાવવા જવાબદાર અધિકારીઓને “ફરમાન” કર્યા હતા. જેના પરિણામે અધિકારીઓ પ્રજાકીય કામોને કોરાણે મુકીને રોપા કેવી રીતે લગાવવા અને કોની મદદ લેવી તેની ફાઈલો તૈયાર કરવામાં વ્યસ્ત થઈ ગયા હતા. આખરે આ તો મનપાના અધિકારીઓ છે !

ગમે તેમ કરીને દસ લાખ રોપા લગાવવાની જગ્યા અને તેના ઉછેર કરવાની જવાબદારી લેનાર ને યેનકેન પ્રકારે શોધી લાવ્યા હતા. તથા ચુંટાયેલી પાંખ ને કોરાણે મુકીને કમીશ્નરે રોપા લગાવવા અને ઉછેર કરવાની જવાબદારી લેનાર સંસ્થાઓ બિલ્ડરો અને એશોસીએશન સાથે મીટીંગો પણ કરી હતી. મ્યુનિ.કમીશ્નર ના “ડ્રીમ પ્રોજેકટ” મતલબ કે સ્વપ્નમાં આવેલ પ્રોજેકટને પુરો કરાવવા માટે અધિકારીઓએ તમામ પ્રકારના પ્રયત્નો કર્યા છે. તેમ છતાં સદ્દર પ્રોજેકટ પૂર્ણ થશે કે કેમ ? તે ચર્ચાનો વિષય બન્યો છે.

મ્યુનિ. કમીશ્નરે ૬ જુનથી ૩૧ ઓગષ્ટ સુધીના સમયગાળામાં દસ લાખ રોપા લગાવવા માટે જાહેરાત કરી હતી. જેના માટે કોર્પોરેશન ના લગભગ પ૦ જેટલા રીઝર્વ પ્લોટ, મ્યુનિ. કોર્પોરેશનની તમામ મિલ્કતો તથા કેટલીક ખાનગી મિલ્કતોની પસંદગી કરવામાં આવી છે.  મ્યુનિ. મહાનુભાવો દ્વારા જે રોપા લગાવવામાં આવશે તેના ઉછેર કરવાની જવાબદારી પણ કેટલીક સંસ્થાઓ દ્વારા લેવામાં આવી છે.

તદ્‌ઉપરાંત બિલ્ડર લોબી કે જે કોર્પોરેશનને તમામ પ્રકારનો સહયોગ આપે છે. તેમણે પણ ૧૦૦ ટકા સહયોગ (અરસ-પરસ) આપવા ખાત્રી આપી છે. આ તમામ સાથે મ્યુનિ. કમીશ્નરે મીટીગો કરીને “ડ્રાફટ-ચિત્ર” તૈયાર કર્યું હતું. તથા ચપટી વગાડતા દસ લાખ રોપા લાગી જશે તેવી ગણત્રી કરવામાં આવી હતી. પરંતુ ૬ જુન થી ૬ જુલાઈ સુધી એક મહીનાના સમયગાળામાં માત્ર દોઢ લાખ જ રોપા લાગ્યા છે.

જયારે ૩૧ ઓગષ્ટ સુધી એટલે કે લગભગ પપ દિવસમાં વધુ સાડા આઠ લાખ રોપા લગાવવાના છે. મતલબ કે, દૈનિક ૧પ હજાર કરતા વધારે રોપા લગાવવામાં આવશે. મ્યુનિ. અધિકારીઓ સામે સામાન્ય બાબત માની રહયા છે. તથા દસ લાખનો ટાર્ગેટ પુરો થઈ જશે તેવા હજી સુધી દાવા કરી રહયા છે. જયારે નિષ્ણાતો આ બાબતને અલગ દ્રષ્ટિકોણથી જાઈ રહયા છે.

મ્યુનિ.કોર્પોરેશનના આતરીક સુત્રોએ જણાવ્યા મુજબ દસ લાખ રોપા લગાવવા કરતા રોપા બચાવવા તરફ વધુ ધ્યાન આપવાની જરૂર છે. મ્યુનિ.કમીશ્નરે રોપા બચાવવા માટે પ૦ ટકા નો ટાર્ગેટ આપ્યો હોત તો તેને આવકારદાયક બાબત કહી શકાય. પરંતુ અહી દસ લાખ રોપા લગાવી માત્ર ખોટી પ્રસિધ્ધિ મેળવવાના પ્રયાસ થઈ રહયા હોય તેમ લાગી રહયું છે.

ર૦૧૧ ની સાલમાં રોપા લગાવવાના મામલે વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો હતો પરંતુ તે પૈકી કેટલા વૃક્ષનું જતન થયું છે ? લગભગ તમામ રોપા બળી ગયા છે. મ્યુનિ.કમીશ્નરે પણ આ દિશામાં જઈ રહયા છે. એનજીઓ જી.આઈ.ડી.સી. બિલ્ડર લોબી તથા વિવિધ એસોશીએશન તેમના સ્વાર્થ માટે “ઉગતા સુરજ”ની પુજા કરી રહયા છે! કમીશ્નરની બદલી થયા બાદ રોપા તરફ કોઈ ધ્યાન આપવાના નથી આ કડવી વાસ્તવીકતા નો સ્વીકાર કરવો જરૂરી છે ! દર વર્ષે જે એક લાખ રોપા સામે ર૦ ટકા બચે છે. તેની સામે બે કે ત્રણ યોગ્ય માવજત થાય તે તરફ ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. અન્યથા “મીલીયન ટ્રી” પ્રોજેકટની અવદશા પણ સાબરમતી શુધ્ધિકરણ કે જનમિત્ર કાર્ડ ના જેવી જ થશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.