Western Times News

Gujarati News

‘ભારતમાં નિરાધાર – Stranded in India’ પોર્ટલના માધ્યમથી 9 એપ્રિલ સુધીમાં 1194 પર્યટકોને મદદ પૂરી પાડવામાં આવી

નવી દિલ્હી, પર્યટન મંત્રાલયના ભારતમાં નિરાધાર – Stranded in India પોર્ટલ દ્વારા પર્યટકોને મદદ પૂરી પાડવાનું કાર્ય સતત ચાલી રહ્યું છે. 9મી એપ્રિલ સુધીમાં મદદ કરવામાં આવેલ પર્યટકોની કુલ સંખ્યા 1194 રહી છે. આ ઉપરાંત પર્યટન મંત્રાલય દ્વારા જે નિયમિતપણે ટોલ ફ્રી હેલ્પલાઈન 1363 ચલાવવામાં આવી રહી છે તેમાં 22 માર્ચથી શરુ કરી 9 એપ્રિલ સુધીમાં 779 ફોન કોલ્સ આવી ચૂક્યા છે.

આ ઉપરાંત મંત્રાલયના અધિકારીઓ કોવિડ-19ની અસરના કારણે આવી રહેલા જે તત્કાલીન અને લાંબા સમયગાળાના મુદ્દાઓ છે તેને સમજવા માટે પર્યટન અને આતિથ્ય ઉદ્યોગો સાથે ચોવીસ કલાક કામ કરી રહ્યા છે. એ સત્ય છે કે લૉકડાઉનના કારણે પ્રવાસની કોઈ શક્યતાઓ ના હોવાના લીધે આ ઉદ્યોગોને ભારે માર પડ્યો છે. આથી અત્યારનો સમય આગળ શું કરવું તે અંગે મૂલ્યાંકન કરવાનો, આત્મનિરીક્ષણ કરવાનો અને તે અંગે વિચાર કરવાનો છે.

એડવેન્ચર ટુર ઓપરેટર એસોસીએશન ઑફ ઇન્ડિયા દ્વારા આયોજિત એક વેબિનારમાં પર્યટન મંત્રાલયના જનરલ શ્રીમતી મિનાક્ષી શર્માએ આ મહામારીના ફેલાવાને અટકાવવા માટેની પ્રાથમિકતાને દેશની જરૂરિયાત ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર અસ્તિત્વના સીમાંત સ્તર પર નાગરિકોની જરૂરિયાતો અંગે સંવેદનશીલ છે અને આ સંકટના સમયમાં તેમને મદદ કરવા માટે જે પણ શક્ય હોય તે કરવામાં આવી રહ્યું છે.

એસોસિએશન દ્વારા મંત્રાલયને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ કેમ્પને કઈ રીતે સેનિટાઈઝ કરવામાં આવે, ટ્રેકિંગ લોન્જને કઈ રીતે ચલાવવામાં આવે અને આ પ્રકારના સંલગ્ન મુદ્દાઓને કઈ રીતે ઉકેલવામાં આવે તે અંગે ચોક્કસ માર્ગદર્શિકાઓ તૈયાર કરે. સુશ્રી શર્મા માર્ગદર્શિકા તૈયાર કરવાની જરૂરિયાત અંગે સહમત થયા હતા. તેમણે સ્થાનિક પર્યટનની ક્ષમતા અને કોવિડ-19ની અસરમાંથી આપણે ધીમે-ધીમે જેમ જેમ બહાર આવીએ તેમ તેમ ક્ષેત્ર માટે આગળના સમયમાં સમર્થ પર્યટકોની કલ્પનાને આકર્ષિત કરવામાં સોશિયલ મીડિયાની ભૂમિકા પર પણ ભાર મૂક્યો હતો.

એ જ રીતે ફિક્કી અને અન્ય પર્યટનને લગતી સંસ્થાઓ દ્વારા પણ આ પ્રકારના વેબીનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને પ્રત્યેક પ્લેટફોર્મ ઉપર અતુલ્ય ભારતને પ્રોત્સાહન આપવા માટે આગળના આયોજનો વિષેના આઈડિયાની સક્રિયપણે ચર્ચા કરવામાં આવી હતી. વેબિનારની લોકપ્રિયતા દર્શાવી રહી છે કે ઉદ્યોગો અને નાગરિકો ખૂબ જ સકારાત્મક છે અને આ પરિસ્થિતિમાંથી મજબૂતપણે બહાર આવવા માટે સાથે મળીને કામ કરવા માટે તત્પર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.