Western Times News

Gujarati News

સિવિલ હોસ્પિટલના સહયોગથી કોરોના વોર્ડમાં મુસ્લીમ દર્દીઓના રોજા

ઝુક જાયે સર જહા ખુદા કા ઘર વહા- વહેલી સવારે 3:00 વાગે અને સાંજે ૬:00 વાગે અપાય છે ભોજન

ઘર મે રહે ઔર ખુદા કી ઇબાદત કરે -ઈકબાલ હુસૈન
(અહેવાલ:ઉમંગ બારોટ) અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાલ ૪૭૨ દર્દીઓ કોરોનાગ્રસ્ત છે. દાખલ દર્દીઓમાં શહેરના કોટ વિસ્તારના મુસ્લિમ બિરાદરો પણ સામેલ છે. ઇસ્લામમાં રમઝાન મહિનો પવિત્ર ગણાય છે અને મુસ્લિમો દ્વારા રોજા રાખવામાં આવે છે.  અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ મુસ્લિમ દર્દીઓમાં જેમની તબિયત સ્થિર છે તેઓએ રોજા રાખવાની વાત સિવિલ તંત્ર સમક્ષ કરી હતી.

આથી સિવિલ હોસ્પિટલ દ્વારા પણ આ બાબતે ત્વરિત નિર્ણય લઇ રોજા રાખનાર બિરાદરોના ભોજન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ દર્દીઓને વહેલી સવારે શહેરી સમયે 3:00 વાગ્યે દૂધ, લીંબુ શરબત અને ફળાહાર અપાય છે. તથા સાંજની ઇફ્તારમાં ખજૂર, દૂધ અને જ્યુસ આપવામાં આવે છે. કોરોના વોર્ડમાં દાખલ મુસ્લિમ બિરાદરો નિયમિત નમાઝ અદા કરે છે અને સંપૂર્ણપણે રોજાનું પાલન કરવા કૃતનિશ્ચયી છે.

શહેરના દરીયાપુર વિસ્તારના ઈકબાલ હુસૈને પણ રોજા રાખ્યા છે. તેઓ કહે છે કે, ‘કોરોનાના આ કપરા સમયમાં જે જ્યાં છે ત્યાંથી જ તેમણે ખુદાની ઇબાદત કરવી જોઈએ. ખુદાની ઇબાદત કરી રાજી કરીશું તો જલદીથી કોરોના ભાગશે.’
ઈકબાલ હુસૈન ૫ વાર નમાઝ અદા કરે છે અને ધાર્મિક પુસ્તકોના વાંચનથી સમય પસાર કરી રહ્યા છે. રમજાનના પવિત્ર માસ દરમિયાન સિવિલ હોસ્પિટલના સહયોગથી તેઓ ખૂબ જ ખુશ છે.

દરિયાપુરના આરીફ ખાન પઠાણ ભાવુક થતાં કહે છે કે, ‘આવી મહામારી વચ્ચે કોઈ બહાર ન નીકળે એ જ મારી અપીલ છે. હું મારા વહાલસોયા સંતાનો અને પત્નીથી દુર અહીં દાખલ થયો છું. આ વિકટ પરિસ્થિતિમાં આપણે સાવચેતી રાખીશું તો અલ્લાહતાલા જરૂર આપણને આમાંથી બહાર લાવશે.’  તેઓ વધુમાં કહે છે કે, ‘સિવિલ હોસ્પિટલ દ્વારા અમારા રોજાનો સમય સચવાશે એવું મેં વિચાર્યું ન હતું પરંતુ અહીં મારી પૂરતી શુશ્રુષા થઈ રહી છે.’

સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત આ મુસ્લિમ બિરાદરોએ હાલ હોસ્પિટલને જ પોતાનું ઈબાદતગાહ બનાવ્યું છે અને બીજાને પણ ઘરમાં જ રહી રમજાન મહિનામાં ઈબાદત કરવાની અપીલ કરી રહ્યા છે. કહેવાય છે ને.. ઝુક જાયે સર જહા ખુદા કા ઘર વહા….


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.