Western Times News

Gujarati News

PM CARES ભંડોળ ટ્રસ્ટ દ્વારા કોવિડ-19 સામેની લડાઇ માટે રૂ. 3100 કરોડ ફાળવવામાં આવ્યા

PM CARES (આપત્તિની સ્થિતિમાં પ્રધાનમંત્રીની નાગરિક સહાય અને રાહત) ભંડોળ ટ્રસ્ટ દ્વારા આજે કોવિડ-19 સામેની લડાઇ માટે રૂપિયા 3100 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમાંથી અંદાજે રૂપિયા 2000 કરોડ વેન્ટિલેટરની ખરીદી માટે, રૂપિયા 1000 કરોડ વિસ્થાપિત શ્રમિકોની સંભાળ લેવા માટે અને રૂપિયા 100 કરોડ રસી વિકસાવવા માટે આપવામાં આવશે.

સમગ્ર દેશમાં કોવિડ-19ના કેસોનું સંચાલન કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૃદ્ધિ કરવાના આશયથી, 50,000 ‘મેડ ઇન ઇન્ડિયા’ વેન્ટિલેટર PM CARES ભંડોળમાંથી ફાળવવામાં આવેલી રકમમાંથી ખરીદવામાં આવશે. આનો અંદાજિત ખર્ચ રૂપિયા 2000 કરોડ થશે. આ વેન્ટિલેટર તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોવિડ-19ના ગંભીર કેસોને ઉત્તમ સારવાર આપવા માટે સરકાર દ્વારા સંચાલિત તમામ કોવિડ હોસ્પિટલોમાં આપવામાં આવશે.

તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને PM CARES ભંડોળમાંથી ઉચ્ચક રૂપિયા 1000 કરોડની આર્થિક સહાય આપવામાં આવશે. આ રકમ રાજ્ય સરકાર/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા તેમના જિલ્લા કલેક્ટરો/ મ્યુનિસિપલ કમિશનરોને આપવામાં આવશે જેથી ગરીબો અને શ્રમિકોને રહેવા માટેની સુવિધા, ભોજન તૈયાર કરવાની વ્યવસ્થા, તબીબી સારવાર અને પરપ્રાંતીય શ્રમિકોને પરિવહન માટે કરવામાં આવતી વ્યવસ્થામાં તેનો ઉપયોગ થઇ શકે.

કોવિડ-19 રસીના ડિઝાઇનરો અને તેને વિકસાવનારાઓને સહાય આપવા માટે PM CARES ભંડોળમાંથી રૂપિયા 100 કરોડની આર્થિક સહાય કરવામાં આવશે. આ રકમનો ઉપયોગ રસીના વિકાસ માટે થશે, જેનો ઉપયોગ અગ્ર વૈજ્ઞાનિક સલાહકારની દેખરેખ હેઠળ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.