Western Times News

Gujarati News

દાહોદમાં વધુ ચાર દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરતા હોસ્પિટલમાંથી રજા અપાઇ

દાહોદ: દાહોદમાં વધુ ચાર દર્દીઓએ જીવલેણ વાયરસ કોરોનાને માત આપી છે. છેલ્લા દસ દિવસથી ઝાયડ્‌સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા આ ચાર દર્દીઓને કોરોનાના એક પણ લક્ષણ જોવા ના મળતા સરકારની નવી નીતિ મુજબ તેમને રજા આપવામાં આવી હતી. આમ, દાહોદમાં અત્યાર સુધીમાં કુલ ૨૨ વ્યક્તિ કોરોના વાયરસથી સારી થઇ ગઈ છે.
આજે જે દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી તેના નામ જોઇએ તો ૨૩ વર્ષીય શબાનાબેન પઠાણ, ૫૬ વર્ષના બુચીબેન ભાભોર, ૨૭ વર્ષીય નિયાજુદ્દીન કાજી, ૪૫ વર્ષીય નફિસાબેન પઠાણનો સમાવેશ થાય છે. આ ચારેયને હોસ્પિટલમાં સતત નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના ડો. મોહિત દેસાઇ અને તેમની ટીમે તેમની સારવાર કરી હતી. દસ દિવસની લાગલગાટ સારવાર દરમિયાન તેમનામાં કોરોનાના કોઇ જ લક્ષણ ના જણાયા હતા. તેથી તેમને આજે રજા આપવામાં આવી હતી. સ્ટાફે તાળીઓ વગાડી ચારેય દર્દીઓને વિદાય આપી હતી.

રજા મળતી વેળાએ ભાવુક બનેલા નિયાજુદ્દીન કાજીએ જણાવ્યું કે, અમે અહીં બહુ જ સારી સારવાર મળી છે. અમે હોસ્પિટલના ડો. દેસાઇ અને બીજા સ્ટાફના આભારી છીએ. સ્ટાફે પણ અમારી ખૂબ જ દરકાર રાખી છે. કોરોનાથી કોઇએ ડરાવની જરૂર નથી. તેની સામે સાવચેતી રાખવી જરૂરી છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે એવું કરવું જોઇએ.
દાહોદમાં કોરોના વાયરસથી તા. ૨૭ની સ્થિતિ જોઇએ તો અત્યાર સુધીમાં ૩૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી ૨૨ સાજા થઇ ગયા છે. અત્યારે ૧૨ એક્ટિવ કેસ છે. તા. ૨૬ની સ્થિતિએ દાહોદ જિલ્લામાં કુલ ૩૧૭૦ નમૂના પરીક્ષણમાં મોકલવામાં આવ્યા હતા. જે પૈકી ૨૯૭૭ નમૂનાના પરિણામ નકારાત્મક આવ્યા છે. હાલે ૫૩૫૦ લોકો હોમ ક્વોરોન્ટાઇન અને ૯૧ લોકો સરકારી ક્વોરોન્ટાઇન સેન્ટરમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.