Western Times News

Gujarati News

૨૧ જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે “યોગ કરીશું, કોરોનાને હરાવીશું’  મુખ્યમંત્રી

કોરોના સામેની લડાઈમાં યોગ એ અમોધ અને શકિતશાળી શસ્ત્ર:  મુખ્યમંત્રી
સતત છ દિવસ સુધી રાજ્યવ્યાપી અભિયાન ચાલશે  દેશ અને રાજ્યની પ્રતિષ્ઠીત વ્યક્તિઓ યોગાસન, ઘ્યાન અને પ્રાણાયમ વિશે ફેસબુક પેજ પરથી લાઇવ થશે.  આ અભિયાન દરમ્યાન યોગ ગુરુ શ્રી સ્વામિ રામદેવ, પૂજ્ય. શ્રી શ્રી રવિશંકરજી, પૂજ્ય. શ્રી સદગુરુ જેવા મહાનુભાવો યોગ પ્રાણાયમ અને ઘ્યાન ઉપર માર્ગદર્શન આપશે  આયુષ મંત્રાલય દ્વારા આ વર્ષના વિશ્વ યોગ દિવસ ની થીમ “યોગ એટ હોમ”, “યોગ વિથ ફેમીલી   જીવન પર્યંત યોગને જીવનનો હિસ્સો બનાવી સ્વસ્થ સમાજ સ્વસ્થ ગુજરાતનું નિર્માણ કરીએ.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આગામી ૨૧ જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આજથી ગુજરાતમાં “યોગ કરીશું, કોરોનાને હરાવીશું’ના મંત્ર સાથે જન જાગૃતિ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ આ અભિયાનનું મહત્વ સમજાવતા કહ્યું કે કોરોનાના આ સંક્રમણ કાળમાં કોરોનાની હજુ કોઈ દવા શોધાઈ નથી ત્યારે વિશ્વ આખુ રોગ પ્રતિકારક શક્તિ વધારવા ભારતીય સંસ્કૃતિની વિશ્વને અમુલ્ય ભેટ એવા યોગ-પ્રાણાયમ તરફ વળ્યું છે.
આ સંદર્ભમાં કોરોના સામેની લડાઈમાં યોગ એ ખુબજ શક્તિશાળી અમોધ શસ્ત્ર સાબિત થશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો છે.
પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વ આખામાં યોગની મહત્તા ઉજાગર કરતા દર વર્ષે ૨૧ જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવા વિશ્વના દેશોને પ્રેરિત કર્યા છે.

આ વર્ષે આ ઉજવણી યથાવત રહેશે પરંતુ પ્રવર્તમાન સ્થિતિમાં અલગ રીતે ઉજવણી કરવામાં આવશે તેની ભૂમિકા આપતા શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યુ કે, આ ઉજવણી “યોગ કરીશું, કોરોનાને હરાવીશું” અભિયાન અંતર્ગત થશે અને યોગ દ્વારા કોરોનાને હરવવામાં આપણે સૌ અવશ્ય સફળ બનીશું.

તેમણે જણાવ્યું કે, દર વર્ષે ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આપણે ખુબ ઉત્સાહથી કરીએ છીએ. પણ આ વર્ષે સમગ્ર દુનિયા વૈશ્વિક મહામરીનો ભોગ બની છે. જ્યાં સુધી કોરોનાનું નિદાનના મળે ત્યાં સુધી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરીને આપણે પોતાનું રક્ષણ કરી શકીએ છીએ.

રોગ પ્રતિકારક શકિત વધારવામાં અને માનસિક શારીરિક બેય સ્વસ્થતામાં યોગનું ખુબ મહત્વ છે તેની વિગતો તેમણે આપી હતી.
આયુષ મંત્રાલયે આ વર્ષની યોગ દિવસની થીમ “યોગ એટ હોમ”, “યોગ વિથ ફેમીલી” નક્કી કરી છે. ત્યારે સૌએ ઘર જેવી સુરક્ષિત જગ્યાએ યોગ કરી આપની સાથે-સાથે પરિવારના સ્વાસ્થ્યને પણ મજબૂત બનાવવું જોઇએ તેવી અપીલ સૌને મુખ્યમંત્રીશ્રીએ કરી હતી
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ભારતની આ મૂડી અને સાંસ્કૃતિક ધરોહરને આપણાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વિશ્વ ફલક પર પહોચાડી છે.

યુનાઈટેડ નેશન્સમાં પણ યોગનો સમાવેશ કરવામાં આવ્યો છે. યોગની લોકપ્રિયતા આપણા દેશમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા બધા દેશો જર્મની, ઓસ્ટ્રેલીયા, સાઉદી અરેબિયા અને અમેરિકામાં પણ ખૂબ જ ઝડપથી પ્રસરી છે. તેમણે યોગના સનાતન સંસ્કૃતિમાં રહેલા મહત્વની છણાવટ કરતા કહ્યું કે ભગવાન શ્રીકૃષ્ણ પણ યોગેશ્વર તરીકે અને ભગવાન શંકર આદિયોગી તરીકે સદીઓથી ઓળખાય છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, વિશ્વભરમાં અત્યારે લોકો શારીરિક રીતે અને માનસિક રીતે કોરોનાથી લડી રહ્યા છે. કોરોનાના આ કપરા સમયમાં શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ સાચવવું ખુબજ જરૂરી છે. શારીરિક રોગ તો દવાઓથી મટાડી શકાય છે પણ શારીરિક તથા માનસિક ચિંતા, એંકજાઈટી, ડિપ્રેશન આ બધુ દૂર કરવાનો કીમિયો એ એક માત્ર યોગ પાસે જ છે.

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, યોગથી માનસિક શાંતિ તો મળે જ છે સાથે-સાથે શરીર પણ નિરામય અને સ્વસ્થ બને છે. યોગનો મુખ્ય ઉદ્દેશ શરીરને નિરામય અને નિરોગી રાખવાની સાથો સાથ ચિત્તને નકારાત્મક લાગણીઓ તરફથી દૂર કરી પોઝિટીવ દિશામાં લઈ જવાનો છે.
ગુજરાતની સાડા ૬ કરોડ જનતાને મુખ્યમંત્રીશ્રીએ અપીલ કરતા જણાવ્યું કે, ગુજરાત અને ગુજરાતીઓ સમગ્ર વિશ્વમાં બધા જ ક્ષેત્રમાં આગળ છે. ગુજરાતીઓ ગમે તેવી મુસીબત હોય તેનો સામનો કરીને તેમાંથી ઝડપથી બહાર નીકળી ફરીથી ગતિમાન બને છે.

આ કોરોનાની મહામારીમાંથી બહાર આવી ફરીથી વેગ પકડવા માટે યોગ એ મહત્વનો ફાળો આપશે. કોરોનાથી બચવા માટે આપણે સૌ સપરિવાર યોગ કરી આ અભિયાનમાં જોડાવું જોઇએ એવો મત તેમણે દર્શાવ્યો હતો. શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, યોગની વાત પ્રત્યેક ગુજરાતીઓ સુધી પહોચાડવા દરેક એફ.એમ. સ્ટેશનના એક-એક આર.જે.ને “યોગ એમ્બેસેડર” તરીકે આપણે ઘોષિત કર્યા છે.

તેઓ દરરોજ યોગના અગણિત ફાયદા અને માહિતી અવનવી શૈલીમાં ગુજરાતનાં સાડા છ કરોડ ગુજરાતીઓ સુધી પોતાના રેડિયો પ્રસારણ મારફતે પહોચાડશે.  આ અભિયાન સતત છ દિવસ સુધી ચાલશે. ભારતની અને ગુજરાતની પ્રતિષ્ઠીત વ્યક્તિઓ યોગાસન, ઘ્યાન અને પ્રાણાયમ વિશે ફેસબુક પેજ પરથી લાઇવ થશે.

આ અભિયાનમાં યોગ ગુરુ શ્રી સ્વામિ રામદેવ, પૂજ્ય. શ્રી શ્રી રવિશંકરજી, પૂજ્ય. શ્રી સદગુરુ જેવા મહાનુભાવો આપણને યોગ પ્રાણાયમ અને ઘ્યાન ઉપર માર્ગદર્શન આપશે. તેમજ ગુજરાતમાંથી ફીટનેસ એક્સપર્ટ શ્રી સપના વ્યાસ, યુવા ઉદ્યોગકાર શ્રી પ્રણવભાઇ અદાણી , ક્રિકેટર શ્રી રવિન્દ્ર જાડેજા, શ્રી ચૈતેશ્વર પૂજારા, ગુજરાતના યુવા સીને કલાકાર શ્રી રોનક કામદાર અને શ્રી એશા કંસારા પણ આ અભિયાન માં ભાગ લેશે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.