Western Times News

Gujarati News

પેટા ચૂંટણી માટેનો કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરી દેવાશે

ગાંધીનગર: કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી માટેનો કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરી દેવાશે. જુલાઈ-ઓગસ્ટમાં પેટા ચૂંટણી જંગ યોજાઈ શકે છે તેવું સૂત્રો કહી રહ્યા છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે રાજ્યસભાની ચૂંટણી યોજાય તે પહેલા જ ગુજરાતમાં કાંગ્રેસના ૮ ધારાસભ્યોએ અધ્યક્ષને રાજીનામા ધરી દેતા મોરબી લીંબડી, ગઢડા, કપરાડા, ડાંગ, અબડાસા, ધારી અને કરજણ સહિતની ૮ બેઠકો ખાલી છે.

બે ધારાસભ્યો બાદ અન્ય છ ધારાસભ્યોએ ફેબ્રુઆરી માસમાં રાજીનામાં આપ્યા હતા. ૬ મહિનાની અંદર બેઠક ભરવાની કાયદાકીય જોગવાઈ કરાયેલી છે ત્યારે નિયમ મુજબ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ૮ બેઠકો માટે આગામી સપ્તાહમાં પેટા ચૂંટણી અંગેના કાર્યક્રમની જાહેરાત કરી શકે છે. જોકે, આવતીકાલે રાજ્યસભાની ૪ બેઠકો માટે મતદાન થનાર છે ત્યારે તેમાં કયો ધારાસભ્ય ક્રોસ વોટિંગ કર્યા બાદ રાજીનામું આપે છે તે પણ જોવાનું રહ્યું. વર્ષ ૨૦૧૯માં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી વખતે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ બીજેપીના ઉમેદવારને મત આપી ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું હતું.

આ તમામ ધારાસભ્યો ટૂંક સમયમાં બીજેપીમાં જોડાશે. કાંગ્રેસ છોડીને બીજેપીમાં આવનાર તમામ કાંગ્રેસી ગોત્રના પૂર્વ ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવશે કે પછી નવા ચહેરાઓની પસંદગી કરવામાં આવશે તેને લઈ બીજેપીના કાર્યકરોમાં ચર્ચાઓએ જોર પકડ્‌યું છે. મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાને બીજેપી દ્વારા મંત્રી પદનું કમિટમેન્ટ આપવામાં આવ્યુ હોવાનું સૂત્રો કહી રહ્યા છે. તેઓ મોરબી બેઠક પરથી જ પેટા ચૂંટણી લડશે. જોકે, તેમને બીજેપીનો આંતરિક અસંતોષ નડી શકે છે.

અબડાસાના પૂર્વ ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજાને બીજેપી દ્વારા ટિકિટ આપવામાં આવનાર છે. જયારે ધારીમાં જે વી કાકડિયા કે તેમના પત્ની કોકિલાબેન કાકડિયા પેટા ચૂંટણીમાં બીજેપી તરફથી ઝંપલાવશે. કાંગ્રેસના એમ એલ એ સોમાભાઈ પટેલે લીંબડી બેઠક પર રાજીનામું આપ્યું છે. તેઓ બીજેપીમાંથી લીંબડી બેઠક પર ચૂંટણી લડશે તેવો દાવો કરી રહ્યા છે. જોકે, આંતરિક સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે બીજેપી પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણાને લીંબડી બેઠક પર ટિકિટ અપાશે.

કાંગ્રેસના પ્રવીણ મારુએ ગઢડા બેઠક પર રાજીનામું આપતા બેઠક ખાલી પડી છે. જોકે, તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડે તેવી નહિવત શક્યતા છે. બીજેપી દ્વારા પૂર્વ સામાજિક ન્યાય બાબતોના પ્રધાન આત્મારામ પરમારને મેદાનમાં ઉતારવામાં આવશે.ડાંગના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત, કપરાડા જીતુ ચૌધરી, કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલને પણ બીજેપી દ્વારા ટિકિટ આપવામાં આવશે. પ્રવીણ મારુ અને સોમાભાઈ પટેલને બાદ કરતા કાંગ્રેસમાંથી આવનાર તમામ પૂર્વ ધારાસભ્યોને બીજેપી દ્વારા પ્રવેશોત્સવ કર્યા બાદ આગામી પેટા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવશે. એટલું જ નહીં પેટા ચૂંટણી બાદ ચૂંટણી જીતનાર કાંગ્રેસી ધારાસભ્યોમાંથી કમિટમેન્ટ મુજબ બ્રિજેશ મેરજાને મંત્રીપદ પણ આપવામાં આવશે તેવું સૂત્રો કહી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.