Western Times News

Gujarati News

નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં  અતિભારે વરસાદની હવામાન ખાતાની આગાહી

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડે તેવી આગાહી

રાજ્યના લખપત તાલુકાને બાદ કરતાં તમામ તાલુકામાં ૧ મીમી થી ૩૪૩ મીમી  સુધીનો વરસાદ નોંધાયો : રાહત કમિશનર શ્રી હર્ષદ પટેલ

રાહત કમિશનર અને અધિક સચિવશ્રી હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર આજે ઝૂમ ક્લાઉડ સોફ્ટવેરના માધ્યમથી ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યુટી કલેકટર સુશ્રી ટી જે વ્યાસ દ્રારા તમામ ઓનલાઈન અધિકારીશ્રીઓને આવકારી વેધર વોચની મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી. રાહત કમિશનર શ્રી પટેલે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યુ કે, રાજ્યમાં તા.૨૨/૬/૨૦૨૦ સુધીમાં ૧૧૧.૩૧ મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૩૧ મીમીની સરખામણીએ ૧૧.૪૬% છે. રાજ્યના કચ્છ જિલ્લાના  લખપત તાલુકામાં આજ દિન સુધી વરસાદ નોંધાયો નથી. જ્યારે તે સિવાયના અન્ય તમામ તાલુકામાં વરસાદ ૧ મીમી થી લઈ ૩૪૩ મીમી સુધી નોંધાયો છે.

IMD દ્વારા પી.પી.ટી રજુ કરી આગામી અઠવાડીયામાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર વિસ્તાર અને કચ્છનાં કેટલાક વિસ્તારમાં સામાન્યતઃ હળવાથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

કૃષિ વિભાગના અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે,  ચાલુ વર્ષે અંદાજીત ૨૮.૪૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૨૨/૬/૨૦૨૦ સુધીમાં થયુ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૧૪.૯૯ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૩૩.૫૦% વાવેતર થયુ છે.

આ ઉપરાંત સિંચાઈ વિભાગ, આર & બી વિભાગ, ઊર્જા સહિતના વિવિધ વિભાગ, એન.ડી.આર.એફ તેમજ એસ.ડી.આર.એફ દ્વારા પૂર્વ તૈયારી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. તે ઉપરાંત તમામને આગામી વરસાદની સીઝનમાં સંભવિત આફતને પહોંચી વળવા સાવચેત રહેવા રાહત કમિશનરશ્રી દ્વારા સુચના આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.