Western Times News

Gujarati News

સરગવાના રોપા વિતરણ અને મધમાખી પાલન જાગૃત્તતા અંગે યોજાયેલી શિબિરમાં ખેડૂતોને

ખેતીની સાથોસાથ મધમાખી પાલન થકી ઉત્પાદનમાં આશરે ૪૦ ટકા સુધીના વધારા સાથે ખેડુતોની આવકમાં વૃધ્ધિ કરી શકાય છે – રોજિંદા આહારમાં સરગવાના મહત્વની સાથોસાથ કુપોષણ નિવારણ, એનીમિયા તથા અન્ય રોગો સામે રક્ષણમાં સરગવાનું આયુર્વેદિક મહત્વ રહેલું છે

રાજપીપલા, શુક્રવાર :- એસ્પીરેશનલ ડિસ્ટ્રીક્ટ નર્મદા જિલ્લા અંતર્ગત બાગાયત વિભાગ, સામાજિક વનીકરણ વિભાગ અને ગ્રામોદ્યોગ આયોગના સંયુક્ત ઉપક્રમે નર્મદા જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર દેડીયાપાડા તાલુકાના કોલીવાડા (બોગજ-સાકવા) ગામે  આદિ ઔષધિય સેન્ટર ખાતે ૧૧૫૦ સરગવાના રોપા વિતરણ અને મધમાખી જાગૃતતા અંગેની યોજાયેલી એક દિવસીય તાલીમ શિબિરમાં આશરે ૨૫૦ જેટલા ખેડૂત ભાઇ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લઇ જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.

નાયબ બાગાયત નિયામકશ્રી ડૉ. સ્મિતાબેન પિલ્લાઇ, વન વિભાગના ફોરેસ્ટરશ્રી તેમજ ખાદી ગ્રામોદ્યોગ આયોગના ડેપ્યુટી સી.ઇ.ઓ. અધિકારીશ્રી સંજય હેડાઉ તથા મદદનીશ કમિશનરશ્રી અજય રાજપાલ, દેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. જાદવ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત તાલીમ શિબિરમાં લાભાર્થી ખેડૂત ભાઇ- બહેનોને ૧૧૫૦ જેટલા સરગવાના રોપાઓનું વિતરણ કરવાની સાથોસાથ જીવંત મધમાખી પેટીના નિદર્શન થકી મધમાખી પાલનની પ્રત્યક્ષ તાલીમ સાથે વિસ્તૃત માર્ગદર્શન અને સમજ પૂરી પડાઇ હતી.

નાયબ બાગાયત નિયામકશ્રી ડૉ. સ્મિતાબેન પિલ્લાઇએ રોજિંદા આહારમાં સરગવાનું મહત્વ સમજાવવાની સાથોસાથ કુપોષણ નિવારણ, એનીમિયા તથા અન્ય ઘણા રોગો સામે રક્ષણ મેળવવા માટે સરગવાના આયુર્વેદિક  મહત્વ વિશે પણ જાણકારી આપી હતી. ખેતી પાકોમાં મધમાખીની ઉપસ્થિતિથી ફલીનિકરણ વધારે થવાથી ઉત્પાદનમાં આશરે ૪૦ ટકા સુધીનો વધારો કરી ખેડૂતોની આવકમાં વધારો  મેળવવાની સાથે મધ વેચાણ થકી પણ વધારાની આવક ખેડૂત મેળવી શકે છે, તેમ ડૉ. પિલ્લાઇએ ઉમેર્યું હતુ.

ખાદી ગ્રામોદ્યોગ આયોગના ડેપ્યુટી સી.ઇ.ઓ શ્રી સંજ્ય હેડાઉ તથા મદદનીશ કમિશનરશ્રી અજય રાજપાલે તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ અનવ્યે કોઇપણ ચીજવસ્તુઓના ઉત્પાદન માટે અને સેવાકીય પ્રવુત્તિઓ માટે રૂા. ૨૫ લાખ સુધીના પ્રોજેક્ટ માટે ખૂબ જ સરળતાથી ધિરાણ પૂરું પડાય છે અને તેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ૨૫ થી ૩૫ ટકા જેટલી સબસીડી અને ૯ ટકા જેટલી વ્યાજમાં પણ સબસીડી ચૂકવવામાં આવે છે. ત્યારે પોતાની મનપંસદના ધંધા, રોજગાર અને સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઇને પોતાનું જીવનધોરણ ઉંચુ લાવવાની સાથે આર્થિક સમૃધ્ધિની દિશામાં સરળતાથી પગરણ માંડી શકાય છે. જેથી આ યોજનાનો  મહત્તમ લાભ લેવાની ખાસ હિમાયત કરાઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.