Western Times News

Gujarati News

સનાથલ ચોકડી ખાતે હેલ્થ ચેક પોસ્ટમાં  સોરાષ્ટ્ર તરફથી આવતા મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ

File

રાજ્યમાં ફેલાયેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે કોરોનાનુ વધુને વધુ ટેસ્ટિંગ થાય તેના પર રાજ્ય સરકારે ભાર મૂક્યો છે. જેના ભાગરૂપે અમદાવાદમાં પ્રવેશવાના માર્ગો પર હેલ્થ ચેક પોસ્ટ ઊભી કરી કોરોનાનુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

સૌરાષ્ટ્રમાંથી અમદાવાદમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ સનાથલ ચાર રસ્તા છે. આથી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ૩૩ દિવસથી સનાથલ ચોકડી સાથે હેલ્થ ચેકપોસ્ટ પર કોરોનાનું ટેસ્ટિંગ કરવા માટે હેલ્થ ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાંથી અમદાવાદ આવતી એસ.ટી. બસ તથા ખાનગી વાહનોમાં આવતા મુસાફરોનો કોરોના ટેસ્ટ કર્યા બાદ જ અમદાવાદ શહેરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ હેલ્થ ચેકપોસ્ટ પર આજે ૪૨ એસ.ટી. બસ, ૧૪ ખાનગી બસ અને ૩૫ ખાનગી કાર સહિત કુલ ૯૧ વાહનોના મુસાફરોનું ટેસ્ટીંગ કરીને કુલ ૮૬૦ લોકોનું કોરોના ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી ૧૨ વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝિટિવ જણાયો હતો.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

સનાથલ ચોકડી ખાતે ઉભી કરાયેલ હેલ્થ ચેકપોસ્ટ ખાતે કોર્પોરેશનની સાત ટીમ દ્વારા કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા પણ જરૂરી વ્યવસ્થા જળવાઇ રહે તથા વારાફરથી વાહનમાં સવાર મુસાફરના ટેસ્ટિંગ કરવામાં આવે તે માટેનો જરૂરી સહકાર આપવામાં આવી રહ્યો છે. રેપિડ એન્ટીજન ટેસ્ટ કીટ દ્વારા અહીંયા કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ ટેસ્ટિંગમાં કોરોનાના શંકાસ્પદ જણાતા મુસાફરને જે-તે જિલ્લાની કોવિડ કેર હોસ્પિટલ અને અમદાવાદની સમરસ હોસ્ટેલમાં રીફર કરવામાં આવે છે ત્યાં કોરોનાની વધુ સઘન સારવાર આ મુસાફરોને આપવામાં આવે છે.

આમ, કોરોનાનું શહેરમાં સંક્રમણ ન ફેલાય તે માટે ધન્વંતરી રથ, ઘરે- ઘર સર્વેલન્સ સાથે હવે શહેરમાં બહારગામથી આવતા મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ થાય તે માટે આ હેલ્થ  ચેક પોસ્ટ ઉપયોગી સાબિત થઇ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.