Western Times News

Gujarati News

કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ હેઠળ રૂપિયા 1 લાખ કરોડની નાણાં સુવિધાનો પ્રારંભ થયો

પ્રતિકાત્મક

કેન્દ્ર સરકારની નવી યોજનાથી કૃષિક્ષેત્રમાં મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વધશે સુવિધા, ખેડૂતો થશે સમૃધ્ધ-ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં કેન્દ્ર સરકારનું સરાહનીય પગલું, 

PIB Ahmedabad, કૃષિક્ષેત્રના વિકાસ માટે કટિબદ્ધ કેન્દ્ર સરકારે ખેડૂતોની આર્થિક સધ્ધરતા વધારવા માટે વધુ એક સરાહનીય પગલું લીધું છે. મંત્રીમંડળે 8 જુલાઇના રોજ રૂપિયા એક લાખ કરોડના કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળને મંજૂરી આપ્યા બાદ માત્ર 30 દિવસના સમયગાળામાં જ 9 ઓગસ્ટના રોજ તેને આનુસંગીક કૃષિક્ષેત્રની નવી યોજનાનો પ્રધાનમંત્રીશ્રીએ શુભારંભ કરાવ્યો છે. આ યોજનાનો સમયગાળો નાણાકિય વર્ષ 2020થી 2029 સુધીનો એટલે કે 10 વર્ષ સુધીનો રહેશે.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી epaper pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

આ કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજના પાકની કાપણી કર્યા બાદ તે પાકને રાખવા કે સાચવવા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા, તેના વ્યવસ્થાપન અને સામુદાયિક કૃષિ અકસ્યામતોની સક્ષમ પરિયોજનાઓમાં રોકાણ કરવા માટે શરુ કરવામાં આવી છે. જેમાં વ્યાજ મુક્તિ તેમજ ધિરાણ બાંહેધરી આપવામાં આવે છે. આ યોજના હેઠળ બેંકો અને નાણાકિય સંસ્થાઓ દ્વારા વાર્ષિક 3 ટકાની વ્યાજમુક્તિ અને સીજીટીએમએસઇ યોજના હેઠળ ધિરાણ બાંહેધરી કવરેજ સાથે રૂપિયા 2 કરોડના ધિરાણ પેટે કુલ રૂપિયા એક લાખ કરોડનું ભંડોળ પુરું પાડવામાં આવશે.

ખેડૂતો, માર્કેટિંગ સહકારી મંડળીઓ, ફાર્મર પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન, પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડીટ સોસાયટી, સ્વ-સહાયતા જૂથ, સંયુક્ત ઉત્તરદાયી સમૂહ, બહુલક્ષી સહકારી મંડળીઓ, કૃષિ ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ્સ અને કેન્દ્ર કે રાજ્યની એજન્સીઓ અથવા તો જાહેર-ખાનગી ભાગીદારી પરિયોજનાઓ દ્વારા પ્રાયોજિત સ્થાનિક એકમોને આ યોજનાના લાભાર્થીઓ તરીકે સમાવી લેવામાં આવ્યાં છે.

ખેડૂતો અને ખાસ ગામડાઓના લાભની દ્રષ્ટીએ જોઇએ તો માળખાગત સુવિધાઓનો વિકાસ થવાથી ખેડૂતોને તેમના પાકની વધુ કિંમત મળી શકશે. પાકનો બગાડ અટકાવી શકાશે. પાકને લાંબો સમય સાચવી રાખવા કે સંગ્રહ કરવા માટે વખાર, કોલ્ડ સ્ટોરેજ, પ્રોસેસિંગ યુનિટ કે મૂલ્ય વર્ધન માટે જરૂરી સુવિધા ઉભી કરવા માટે ખેડૂત સક્ષમ થઇ શકશે. જેના થકી તેના પાકની વધુ સારી કિંમતો મેળવી ખેડૂત આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી શકશે. ગ્રામીણ વિસ્તારોમાં નવા ઉદ્યોગ સાહસિકો આવશે. જેનાથી ગ્રામ્ય વિસ્તારોમાં નવી રોજગારીની તકો પણ ઉભી થશે. આ પ્રકારે આ યોજના થકી દેશમાં કૃષિક્ષેત્રમાં એક નવી સવારનો ઉદય થતો જોવા મળશે.

શ્રી કાનજીભાઇ ઇટાળીયા,  કૃષિક્ષેત્રના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવાઇ રહેલા ત્વરિત નિર્ણયો સાથેની વિભિન્ન યોજનાઓના અમલીકરણથી દેશભરના ખેડૂતો ખુશી સાથે આનંદની લાગણી અનુભવી રહ્યાં છે. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ખેડૂત કાનજીભાઇ ઇટાળીયાએ અમારા પીઆઇબીના પ્રધિનિધિને જણાવ્યું કે, ભારત સરકારના ખેડૂતો અને ખેતીના લાભ માટેના નિર્ણયોથી તેઓ ખુશ છે. પાકની જાળવણી માટેની સુવિધાઓમાં જો વધારો થશે તો તેનાથી અમે અમારા પાકની ધારેલી કિંમત પણ મેળવી શકીશું જે ખૂબ સારી બાબત છે. જેનાથી અમારા જેવા ખેડૂતોની આવક પણ વધશે જેના માટે હું ભારત સરકારનો આભાર માનું છું.

શ્રી મહેશભાઇ પ્રભુદાસભાઇ,  મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના હાજીપુર ગામના ખેડૂત મહેશભાઇ પ્રભુદાસભાઇએ અમારા પ્રતિનિધિને જણાવ્યું કે, ખેડૂતને ખેતીમાં સહાય આપતી ઘણી યોજનાઓ ભારત સરકારે રજૂ કરી છે. પીએમ કિસાન યોજનાથી પણ ખેડૂતને બે હજારની આર્થિક સહાય આપવામાં આવે છે, જેનો લાભ પણ મને મળ્યો છે. આ બધાની સાથે હવે પાકની કાપણી પછી તેના સંગ્રહમાં કે વેચાણમાં અમને પડતી મુશ્કેલીઓ આ નવી યોજનાઓના અમલીકરણથી દૂર થશે જે જાણીને ખૂબ આનંદ થયો છે. જે માટે સૌ ખેડૂતો વતી હું ભારત સરકારનો આભાર માનું છું.

શ્રી હરિભાઇ પટેલ,  મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના રણછોડપુરા ગામના ખેડૂત હરિભાઇ પટેલે જણાવ્યું કે, ખેતી સાથે જોડાયેલ સુવિધાઓમાં વધારો થવાથી તેનો સીધો લાભ ખેડૂતોને મળે તે નક્કી છે. સાથે જ નાના ખેડૂતોને તો ઘણી રાહત પણ થાય છે. સરકારની આ નવી યોજનાઓથી મારા જેવા ઘણાં ખેડૂતોની આવકમા વધારો થશે. જે બહુ સારી બાબત છે જેના માટે હું ભારત સરકારનો આભાર માનું છું.

દેશભરના ખેડૂતોની સમસ્યાઓને જાણીને તેને દૂર કરવાની સાથે-સાથે કૃષિલક્ષી સુવિધાઓ વધે તે દિશામાં કેન્દ્ર સરકાર અસરકારક પગલાંઓની સાથે નવી યોજનાઓનું અમલીકરણ કરી રહી છે. જેના પરિણામ સ્વરૂપ આવનાર વર્ષોમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાનું સ્વપ્ન પણ ચોક્કસથી સાકાર થશે તેવું જણાઇ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.