Western Times News

Gujarati News

અરવલ્લીમાં મેઘરાજાની ભારે જમાવટઃ નદીઓ ગાંડીતુર

(પ્રતિનિધિ)ભિલોડા, ગુજરાતમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના કારણે રવિવારે રાત્રીએ મોડાસા,ભિલોડા પંથકમાં મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરી હતી.રવિવારે વહેલી સવારથી અરવલ્લી જીલ્લામાં સાવર્ત્રિક વરસાદી માહોલ સર્જાયો હતો.મોડાસામાં થોડા કલાકોના વિરામ બાદ વહેલી સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા. ત્યારબાદ થોડાક સમયબાદ કડાકા ભડાકા સાથે વરસાદ ટૂટી પડ્યો હતો મેઘરાજાએ ધબધબાટી બોલાવતા નીચાણવાળા વિસ્તાર અને ખેતરોમાં પાણી ફરી વળતા તળાવમાં ફેરવાયા હોય એવા દ્રશ્યો સર્જાયા હતા

મોડાસા શહેરમાં રવિવારે સવારે ધોધમાર વરસાદ ખાબકતા ચાર રસ્તા પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા જીલ્લામાં જળાશયોમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો ભિલોડા અને ઉપરવાસમાં ધોધમાર વરસાદના પગલે હાથમતી અને બુઢેલી નદી બે કાંઠે વહેતા ગાંડીતુર બની હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં વધુ એક વાર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

અરવલ્લી જીલ્લાના મોડાસા, મેઘરજ,માલપુર,બાયડ, ધનસુરા,શામળાજી પંથકમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું હતું. મોડાસા તાલુકાના દધાલિયા સહીત ૧૦ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા માર્ગો પરથી નદીઓ વહેતી હોય તેવો ઘાટ સર્જાયો હતો અનાધાર વરસાદના પગલે ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોની હાલત કફોડી બની છે ખેતી કોહવાઈ જવાની દહેશતથી ખેડૂતો ચિંતિત બન્યા હતા.

અરવલ્લી જીલ્લામાં ૧૮ કલાકથી પડી રહેલા વરસાદ અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે જીલ્લાના માઝુમ,વાત્રક,વૈડી અને મેશ્વો ડેમમાં નવા નીરની અવાક થઇ રહી છે. માઝૂમડેમમાં-૩૫૫, મેશ્વો-૫૮૯,વૈડી-૩૩૦,વાત્રક-૩૫૦ ક્યુસેક પાણીની આવક થતા જીલ્લાના જળાશયો છલકાઈ ઉઠ્‌યા છે

માઝૂમ ડેમની કુલ સપાટી ૧૫૭.૧૦મીટર, હાલની સપાટી ૧૫૬.૩૦ મીટર, મેશ્વો-કુલ સપાટી ૨૧૪.૫૬ મીટર, હાલની સપાટી ૨૧૩.૫૧મીટર, વૈડી ડેમની કુલ સપાટી ૧૯૯.૨૯ મીટર,હાલ ની ૧૯૮.૨૫મીટર, વાત્રક ડેમની કુલ સપાટી ૧૩૬.૨૫ મીટર, હાલની ૧૩૩ .૯૦મીટર, લોક ડેમની કુલ સપાટી ૧૧૧.૧૫ મીટર,હાલની સપાટી ૧૦૯ મીટર.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.