Western Times News

Gujarati News

બનાસકાંઠામાં જેલમાં બંધ આરોપીને કામનું વેતન ચુકવાયું

Files Photo

અમદાવાદ: ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પલોયમેન્ટ ગેરેન્ટી એક્ટ યોજનામાં વર્ષો જૂના કૌભાંડો હવે બહાર આવી રહ્યા છે. ગ્રામિણોને રોજગારી મળી રહે તે માટે શરૂ કરાયેલી આ યોજનામાં અત્યાર સુધી મૃત વ્યક્તિ અને સ્કૂલના બાળકોના નામે પૈસા ચાંઉ કરવાનું કૌભાંડ સામે આવી ચૂક્યું છે. ત્યારે હવે જેલમાં બંધ રહેલા કેદીના નામેનું નરેગા કાર્ડ બનેલું હોવાની વાત સામે આવી રહી છે.

મહેશજી ડાભી નામની વ્યક્તિની એક બાળકીનું શોષણ અને હત્યાના આરોપમાં ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૨માં ધરપકડ કરાઈ હતી. તે ૨૩ જાન્યુઆરી ૨૦૧૩ સુધી પાલનપુરની સબ-જેલમાં જ બંધ હતો. જોકે મનરેગાના રેકોર્ડ્‌સમાં દાવો કરાયો છે કે તે રોડ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં ૬ ઓક્ટોબરથી ૨૭ ઓક્ટોબર ૨૦૧૨ સુધી કામ કરી ચૂક્યો છે. પાલનપુરમાં કેદ હોવા છતાં તેને ૩૯૦૦ રૂપિયાની મજૂરી પણ મળી છે.

પાલનપુરના સાલેમપુરામાં રહેતા ગ્રામિણ પ્રવિણજી ભાલગામ આ કૌભાંડ બહાર લાવ્યા હતા. પ્રવિણ કહે છે, તેઓ મનરેગાના મસ્ટરમાં પોતાના ૮૦ વર્ષથી વધુની ઉંમરના માતા-પિતાનું નામ જોઈને ચોંકી ઉઠ્‌યા હતા. મસ્ટરમાં કામ બાદ તેમને ચૂકવણી પણ કરાઈ હોવાની માહિતી જોયા બાદ આ ભ્રષ્ટાચારમાં વધારે ઊંડાણથી તપાસ કરવાનું તેમણે મન બનાવી લીધું. પ્રવિણ ૨૦૧૩થી મનરેગામાં નકલી જોબ કાર્ડની ફરિયાદ નોંધાવવા માટે આમથી તેમ ફરી રહ્યા છે. પરંતુ બનાસકાંઠા જિલ્લા અધિકારીઓ દ્વારા તેમની ફરિયાદ લેવાથી ઈનકાર કરી દેવામાં આવ્યો. જોકે આરટીઆઈ દ્વારા ૨૭ જુલાઈ ૨૦૨૦એ તેમને માહિતી મળી તે બાદ તેમની મહેનત રંગ લાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.