Western Times News

Gujarati News

મ્યુનિ. સોલિડ વેસ્ટ ડાયરેકટરના ઉધ્ધત જવાબથી ભાજપમાં રોષ

લીલા-વાદળી ડસ્ટબીનના છેલ્લા પાંચ મહિનાના પેમેન્ટ થયા નથી : મોનીટરીંગનો અભાવ: સૂત્રો

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કચરા નિકાલની કામગીરીમાં વ્યાપક ગેરરીતિઓ ચાલી રહી છે. ડોર ટુ ડોરના ર૦૧૭-૧૮માં જાહેર થયેલા નવા ટેન્ડરમાં લીલા-સુકા કચરાની અલગ તારવણી સહીત અનેક શરતો સામેલ કરવામાં આવી હતી જેના કારણે જુના કોન્ટ્રાકટ કરતા લગભગ બમણા ભાવથી નવા કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે. સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત ઉચ્ચ ક્રમાંક મેળવવા માટે ઈન્દોરની નકલ કરવામાં આવી છે

પરંતુ યોગ્ય સુપરવિઝનના અભાવે તેમાં પણ નિષ્ફળતા મળી છે. જાહેર માર્ગ પર મુકવામાં આવેલ લીલા અને વાદળી કલરના ડસ્ટબીન મામલે પણ કાંઈક આવી જ પરિસ્થિતિ છે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં ભાજપના સભ્ય દ્વારા લીલા-વાદળી ડસ્ટબીનના સુપરવિઝન અંગે પ્રશ્ન કરવામાં આવતા સોલિડ વેસ્ટ ડાયરેકટર દ્વારા ઉધ્ધતાઈપૂર્વક જવાબ આપવામાં આવ્યા હતા જેના કારણે ભાજપની છાવણીમાં સોંપો પડી ગયો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીની ગુરુવારે મળેલી બેઠકમાં ભાજપના સભ્ય જતીનભાઈ પટેલે જાહેર રોડ પર ભીના અને સુકા કચરા માટે મુકવામાં આવેલા ડસ્ટબીનના સુપરવિઝન અંગે પ્રશ્ન કર્યા હતાં જેમાં લગભગ દોઢ વર્ષ પહેલા મુકવામાં આવેલા ડસ્ટબીનની યોગ્ય દેખરેખ થાય છે કે કેમ? ડસ્ટબીનની સંખ્યામાં ઘટાડો થયો છે ?

કચરાનો સમયસર નિકાલ થાય છે કે કેમ? વગેરે પ્રશ્નો પુછયા હતા જેનો વ્યવસ્થિત જવાબ આપવાના બદલે સોલીડ વેસ્ટ ડાયરેકટરે ઉધ્ધતાઈપૂર્વક જવાબ આપ્યા હતા તથા “મારા વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા થઈ નથી તથા અમે પેમેન્ટ કરતા નથી” તેવા જવાબ આપ્યા હતા. જતીનભાઈના જણાવ્યા મુજબ તેમણે ટેન્ડર પ્રક્રિયા કે પેમેન્ટ અંગે કોઈ જ સવાલ કર્યો ન હતો. ડસ્ટબીનના સુપરવિઝન અંગેની જવાબદારી સોલીડ વેસ્ટ વિભાગની છે તથા તેમણે તે અંગે જ પ્રશ્ન કર્યા હતાં. પરંતુ ડાયરેકટરે અવળા જવાબ આપ્યા હતા બાયોમાઈનીંગ ટ્રોઅ મીલમાં પેનલ્ટી કલોઝ નથી

તેથી લીલા-વાદળી ડસ્ટબીન અંગે તેમણે પ્રશ્ન કર્યા હતાં. સોલીડ વેસ્ટ ડાયરેકટરે ત્રીજી વખત આ રીતે સ્ટેન્ડીંગ કમીટી સભ્યોને ખોટી ભાષામાં જવાબ આપ્યા હોવાથી કમિટિ સભ્યોમાં રોષ જાેવા મળી રહયો છે. મ્યુનિ. કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ પૂર્વ મ્યુનિ. કમિશ્નરે ૧૧૦૦ કચરા પેટીઓ હટાવ્યા બાદ જાહેરમાર્ગ પર ઠેરઠેર કચરો જાેવા મળતો હતો તેથી ઈન્દૌરની જેમ જાહેરમાર્ગ પર ભીના- સુકા કચરાના ડસ્ટબીન મુકવામાં આવ્યા છે જેના માટે આઠ કલાકની સીફટ પેટે રૂા.ર૩૦૦ ચુકવાય છે શહેરના ૪પ૦૦ ડસ્ટબીનમાંથી કચરો એકત્રિત કરવા માટે ર૦ ગાડીઓ મુકવામાં આવી છે.

કોરોનાના કારણે લોકડાઉન થયા બાદ ડસ્ટબીન કોન્ટ્રાકટરને છેલ્લા પાંચ મહીનાથી પેમેન્ટ આપવામાં આવ્યા નથી. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી દ્વારા આ અંગે નીતિ તૈયાર થયા બાદ જ લોકડાઉન સમયગાળાનું પેમેન્ટ થશે જયારે કોન્ટ્રાકટરે જાન્યુઆરીથી માર્ચ મહીના સુધીના સર્ટી. રજિ કર્યા ન હોવાથી તે સમયગાળાના પેમેન્ટ પણ બાકી છે આમ ડસ્ટબીનના કોન્ટ્રાકટરને ર૦ર૦ના વર્ષમાં કોઈ જ પેમેન્ટ આપવામાં આવ્યા નથી. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીના એક સભ્યએ રોષ વ્યકત કરતા જણાવ્યુ હતુ કે કોરોનાના દર્દીઓના ઘરેથી કચરો એકત્રિત કરવામાં દેખીતી રીતે જ કૌભાંડ થયા છે. આ કામ કમીટી સમક્ષ રજુ કરવામાં આવ્યુ તે સમયે સોલીડ વેસ્ટ ડાયરેકટર ગેરહાજર રહયા હતા. સોલિડ વેસ્ટ ખાતાની ગેરરીતિઓ મામલે જયારે પણ પ્રશ્ન પુછવામાં આવે ત્યારે અવળા જવાબ આપવામાં આવે છે. તેમને અગાઉથી માહિતી મળી ગઈ હોય તો કમીટીમાં હાજર રહેતા જ નથી. સ્ટેન્ડીંગ કમીટીના સભ્યોના માન સન્માન જળવાતા ન હોય તો અન્ય કોર્પોરેટરો સાથે તેમનું વર્તન કેવું હશે ? તે બાબત વિચાર કરવા લાયક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.