Western Times News

Gujarati News

ગુજરાતનાં ત્રણ શ્રેષ્ઠ શિક્ષકોનું રાષ્ટ્રપતિના હસ્તેે બહુમાન થશે

અમદાવાદ: આજે ૫મી સપ્ટેમ્બર, શિક્ષક દિન નિમિત્તે રાજ્યના ત્રણ શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષકોના રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. શ્રેષ્ઠ શિક્ષક તરીકેના રાષ્ટ્રીય એવોર્ડ માટે રાજ્યમાંથી જે ત્રણ શિક્ષકોની ભારત સરકાર દ્વારા પસંદગી કરવામાં આવી છે તેમાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીડાણા ગામના મહિપાલસિંહ સજ્જનસિંહ જેઠા વત, સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કંજેલી ગામના પ્રકાશચંદ્ર નરભેરામ સુથાર તથા અમદાવાદના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા સુધા ગૌતમભાઈ જોષીનો સમાવેશ થાય છે.

આ ત્રણેય શિક્ષકોને આજે ૫મી સપ્ટેમ્બર શિક્ષક દિનના દિવસે રાષ્ટ્રીય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરી તેઓનું રાષ્ટ્રપતિ દ્વારા બહુમાન કરાશે. નોંધનીય છે કે, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેના રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદ થનારા આ ત્રણેય શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે, આ શિક્ષકોએ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામીને ગુજરાતના શિક્ષણ ક્ષેત્રને ગૌરવવંતુ બનાવ્યું છે.

આ સાથે, શનિવારના રોજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના મુખ્ય મહેમાન પદે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાશે. નર્મદા હોલ સ્વર્ણિમ સંકુલ-૧ ગાંધીનગર ખાતે સવારે ૧૧ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ ૪૪ શિક્ષકોને “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક” એવોર્ડ આપી રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.