Western Times News

Gujarati News

ગુજરાત સરકાર દ્વારા ૨૩ મહેસુલ સેવાઓ ઓનલાઈન કરાઈ

ગાંધીનગર, ગુજરાત સરકારનાં ક્રાંતિકારી મહેસૂલી સુધારાઓના અમલ થકી રાજયનું મહેસૂલ વ્યવસ્થાપન પારદર્શક, સરળ, ઝડપી અને સંવેદનશીલ બન્યું છે. રાજયમાં ડિઝિટાઇઝેશન અને ઓનલાઈન પ્રક્રીયા હાથ ધરવામાં મહેસૂલ વિભાગ અગ્રેસર રહ્યું છે. જેના કારણે મહેસૂલ વિભાગ દ્વારા ટૂંકા સમયગાળામાં ૨૩ જેટલી મહેસૂલી સેવાઓ ઓનલાઈન કરવામાં આવી છે.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે આજે વધુ એક કિસાન હિતલક્ષી ર્નિણય કર્યો છે. મહેસૂલ વિભાગમાં વધુને વધુ પ્રજાલક્ષી સુધારાઓ અને મહેસૂલી સેવાઓ વધુ સરળ બનાવવાના ભાગરૂપે વધુ ૩ મહેસૂલી સેવાઓ ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર તથા સબરજીસ્ટ્રાર કચેરી દ્વારા બોજાનું પ્રમાણપત્ર તથા વેચાણ દસ્તાવેજની અનુક્રમણિકા નં ૨ની નકલની સેવાઓ હવેથી ઓનલાઈન કરવામાં આવેલ છે.

મંત્રી પટેલે આ અંગે વધુ વિગતો આપતા કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ધ દ્રષ્ટિ અને સમયબધ્ધ આયોજનના પરીણામે આજે ગુજરાત દેશનું રોલ મોડલ બની રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વવાળી રાજય સરકારે વિવિધ મહેસૂલી સુધારાઓ કર્યા છે જેના ખુબ જ સારા પરીણામો પ્રાપ્ત થઈ રહ્યાં છે ત્યારે રાજ્યના સુગ્રથિત વિકાસ માટે રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોને લાભદાયી ખેડૂત ખરાઈ પ્રમાણપત્રની ઓનલાઈન પ્રક્રિયા વધુ સરળ બને તે માટે આ ર્નિણય મહત્વનો પુરવાર સાબિત થશે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયમાં અન્ય તાલુકામાં ખેતીની જમીન ખરીદવી હોય તો ખેડૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેતું હોય છે. તેમજ જમીનની શરતફેર, બિનખેતી જેવી વિવિધ પ્રકારની પરવાનગી માટેની અરજીઓ સાથે જરૂર જણાયે ખેડૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેતું હોય છે.

હાલમાં, ખેડૂત ખાતેદારના પ્રમાણપત્રની જરૂરિયાત ઉપસ્થિત થાય ત્યારે જે તાલુકાના મૂળ ખેડૂત ખાતેદાર હોય તે મામલતદારને જરૂરી વિગત સહ લેખિતમાં અરજી કરવાની હોય છે અને મામલતદાર અરજીની વિગતો તેમજ રેવન્યુ રેકર્ડથી ચકાસણી કરી ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર આપવામાં આવે છે. હવે આ સેવા ઓનલાઈન થવાથી અરજદારે જરૂરી વિગત સહ ઓનલાઈન અરજી કરી પછી સહી વાળી અરજી, નિયત કરેલ સોગંદનામું તથા ખાસ કોઈ પુરાવા હોય તો તે અપલોડ કરવાના રહેશે.

ખાતેદારે અસલ અરજી, સોગંદનામું અને અપલોડ કરેલ પુરાવા અરજી તારીખથી દિન-૭માં સંબંધિત પ્રાંત કચેરીમાં મળે તે રીતે જમા કરાવવાના રહેશે. જ્યારે અરજી સાથે ગામ નમૂના નં. ૬, ૭/૧૨, ૮-અ જેવા કોઈ દસ્તાવેજો અપલોડ કરવાના નથી. પ્રાંત અધિકારી ૧૫ દિવસમાં ર્નિણય કરી મંજુરીના કિસ્સામાં ઓનલાઈન પ્રમાણપત્ર ઈસ્યુ કરશે તેમજ સિક્કાવાળી નકલ પણ ઈસ્યુ કરશે. અરજદારને ર્નિણયની જાણ મેસેજથી કરવામાં આવશે. અરજી દફતરેના કિસ્સામાં કારણો સાથે લેખિત પત્રથી અરજદારને જાણ કરવામાં આવશે. ખોટુ સોગંદનામું કરવા બદલ સંબંધકર્તા સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.