Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશનના પ્રોજેકટોની મુદત છ મહીના લંબાવવા દરખાસ્ત

કોન્ટ્રાકટરોના પેમેન્ટ રોકાયા હોવાથી કામો અટવાઈ પડયા હોવાની ચર્ચા

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, કોરોના કહેરના કારણે રાજય સરકાર, મહાનગરપાલીકાઓ અને નગરપાલિકાઓમાં લગભગ બંધ જેવી પરિસ્થિતિ છે. લોકડાઉનના કારણે પ્રજાકીય કામો પણ અટવાઈ પડયા છે. માર્ચ મહીના પહેલા શરૂ કરવામાં આવેલા તમામ કામ ચાર મહીના સુધી બંધ રહયા હતા તથા હાલ પણ ૧૦૦ ટકા શરૂ થયા નથી. પરપ્રાંતિય મજુરો હજી સુધી આવ્યા ન હોવાથી કામ પુરા કરવામાં વિલંબ થઈ શકે છે. રાજય સરકારે આ મામલે ૦૬ માસની મુદત વધારવા પરિપત્ર કર્યા છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પણ રાજય સરકારના ધોરણે કામની મુદતમાં વધારો કરવા સક્રિય વિચારણા ચાલી રહી છે.

મ્યુનિ. કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ રોડ-રસ્તા, ડ્રેનેજ, લાઈટ સહીતના કામો પાંચ મહીનાથી ઠપ્પ થઈને પડયા છે. માર્ચ મહીનામાં હોળી સમયે મજુર વર્ગ તેમના વતન ગયા હતા જે લગભગ રપ માર્ચ સુધી પરત આવે તેવી શકયતા હતી પરંતુ રર માર્ચથી જ લોકડાઉન જાહેર થયા બાદ મજુર વર્ત વતનથી પરત આવ્યો નથી જયારે જે થોડા ઘણા મજુરો ઉપલબ્ધ હતા તેઓ પણ કોરોનાના કારણે વતન જતા રહયા હતા. અનલોક-૧ જાહેર થયા બાદ રાજય સરકારે ઘણી છુટછાટ આપી હતી

તેમ છતાં મજુરો વતનથી પરત આવ્યા નહતા. અનલોક-ત્રણ બાદ પ૦ ટકા જેટલા મજુરો આવ્યા છે જેના કારણે આંશિક રાહત થઈ છે. તથા થોડા ઘણા કામ શરૂ થયા છે, પરંતુ લોકડાઉન અને કોરોનાના કારણે તમામ કામોમાં વિલંબ થયો છે તેથી મ્યુનિ. ઈજનેર વિભાગ દ્વારા માર્ચ મહીના પહેલા શરૂ થયેલા તમામ કામોની મુદતમાં છ માસનો વધારો કરવા માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.

મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીની મંજુરી બાદ જેનો અમલ થશે. કોરોના અને લોકડાઉનના કારણે કામમાં વિલંબ થવાના કારણે કોન્ટ્રાકટરોના પેમેન્ટ પણ અટવાઈ પડયા છે. જેના કારણે કામમાં રૂકાવટ આવી રહી છે. સ્ટેન્ડીંગ કમીટી દ્વારા કામની મુદત છ માસ લંબાવવા મંજુરી આપવામાં આવશે તો નાણાંકીય તરલતામાં વધારો થશે તથા કામ ઝડપથી પુર્ણ થશે તેવી આશા પણ વ્યકત થઈ રહી છે.

મ્યુનિ. ઈજનેર ખાતાના સુત્રોએ જણાવ્યા મુજબ ૧ એપ્રિલ ર૦ર૦ સુધી કોન્ટ્રાકટરો દ્વારા ટેન્ડર શરતોનો ભંગ કરવામાં આવ્યો ન હોય તેવા કોન્ટ્રાકટરોને ગુણદોષના આધારે આ દરખાસ્તનો લાભ મળી શકે છે. મ્યુનિ. કોર્પોરેશનના હાઉસીંગ, ડ્રેનેજ, વોટર, રોડ, લાઈટ, સ્ટ્રોમ વોટર, એસ.ટી.પી. સોલિડ વેસ્ટ સહીત તમામ વિભાગના કોન્ટ્રાકટરોને ફાયદો થઈ શકે છે. નોંધનીય બાબત એ છે કે ઈજનેર ખાતાના તમામ કામ લોકડાઉન દરમ્યાન બંધ રહયા હોવાથી કોન્ટ્રાકટરોના પેમેન્ટ થયા નથી. પરંતુ પીરાણા ડમ્પ સાઈટ ખાતે લોકડાઉન દરમ્યાન પણ બાયોમાઈનીંગના કામ ચાલી રહયા હતા તેમ છતાં ફેબ્રુઆરી મહીનાથી પેમેન્ટ કરવામાં આવ્યા નથી તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.