Western Times News

Gujarati News

બોગસ ઇનવોઇસ દ્વારા રૂ. 129.92 કરોડની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લેતા રેકેટનો પર્દાફાશ

અમદાવાદ, સેન્ટ્રલ જીએસટી  અમદાવાદ – સાઉથ કમિશનરેટ, અમદાવાદની નિવારક શાખાએ બોગસ/બનાવટી ઇનવોઇસ ઇશ્યૂ કરવાનાં રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં અયોગ્ય ઇનપુટ ટેક્સ ક્રેડિટની મોટી રકમનો ગોટાળો કરીને લાભ લેવામાં આવ્યો હતો અને જીએસટીની ચૂકવણીની ચોરી કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

શ્રી અલીઅસગર વહિદાલી સૈયદ, ઉંમર વર્ષ 31, રહેવાસી જુહાપુરા, અમદાવાદની 25.07.2019નાં રોજ બનાવટી ઇનવોઇસમાં ઉલ્લેખિત ચીજવસ્તુઓની રસીદ વિના રૂ. 129.92 કરોડની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લેવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેમણે બનાવટી ઇનવોઇસમાં ઉલ્લેખિત ચીજવસ્તુઓની સપ્લાય કર્યા વિના રૂ. 846.58 કરોડનાં બનાવટી ઇનવોઇસ ઇશ્યૂ કર્યા હતાં અને ત્યારબાદ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો અન્ય કંપનીઓ દ્વારા ખોટી રીતે લાભ લેવામાં આવ્યો હતો અને ઉપયોગ થયો હતો.

શ્રી અલીઅસગર વહિદાલી સૈયદ આ ગોટાળા પાછળ માસ્ટરમાઇન્ડ હતા અને એક જ નામ ધરાવતી 61 કંપનીઓની રચના કરી હતી અને એનું મેનેજમેન્ટ કર્યું હતું, જે બનાવટી બિલો/ઇનવોઇસની રસીદમાં અને વાસ્તવિક રીતે ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડ્યાં વિના ઇનવોઇસ ઇશ્યૂ કરવામાં સંકળાયેલી હતી. ચીજવસ્તુઓની આ ખરીદી અને વેચાણ ફક્ત કાગળ પર જ થયું હતુ. તેમણે ક્યારેય કોઈ વાસ્તવિક ચીજવસ્તુઓની ખરીદી કે વેચાણ કર્યું નહોતુ. નાણાકીય વ્યવહારોની સંપૂર્ણ સાંકળ ફક્ત કાગળ પર જોવા મળી હતી. શ્રી અલીઅસગર વહિદાલી સૈયદનું નિવેદન રેકોર્ડ કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે સ્વીકાર્યું હતું કે, આ પ્રક્રિયામાં ચીજવસ્તુઓની કોઈ ખરીદી કે વેચાણ થયું નહોતું અને જીએસટી રિટર્નમાં ખોટી રીતે કે બનાવટ કરીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી હતી તેમજ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે વિવિધ રાજ્યોમાં સ્થિત વિવિધ કંપનીઓને પાસ કરવામાં આવી છે. વાસ્તવમાં ચીજવસ્તુઓનાં પુરવઠાની વાસ્તવિક ધોરણે ખરીદી કે એનું વેચાણ થયું જ નહોતું. આમ રૂ. 129.92 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ગેરકાયદેસર રીતે ઉપયોગ થયો હતો અને એને પાસ કરવામાં આવી હતી.

આ પ્રકારનાં અપરાધો સીજીએસટી ધારા 2017ની કલમ 132 અંતર્ગત બિનજામીનપાત્ર અપરાધો તરીકે વર્ગીકૃત થયા છે એટલે શ્રી અલીઅસગર વહિદાલી સૈયદની 25.07.2019નાં રોજ સીજીએસટી ધારા, 2017ની કલમ 69 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેને આદરણીય એડિશન ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ, અમદાવાદ સમક્ષ 25.07.2019નાં રોજ હાજર કરવામાં આવ્યો હતો અને તેને ન્યાયિક હિરાસતમાં રિમાન્ડ આપવામાં આવ્યાં છે.

સેન્ટ્રલ જીએસટી વિભાગ સક્રિયપણે આ પ્રકારનાં ગોટાળા પર નજર રાખે છે, જેમાં બનાવટી ઇનવોઇસ ઇશ્યૂ કરવાની કામગીરી થાય છે, જે જીએસટીની મોટી ચોરી તરફ દોરી જાય છે અને વિભાગ સરકારી આવકનું રક્ષણ કરવા આ પ્રકારની ગેરકાયદેસર કામગીરીઓમાં સંકળાયેલી વ્યક્તિઓ અને/અથવા કંપનીઓ સામે અનુકૂળ પગલાં લેવા મક્કમ છે. આ માહિતી સીજીએસટી, અમદાવાદ-સાઉથ દ્વારા પ્રસિદ્ધ એક પ્રેસ રિલિજ દ્વારા આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.