Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લામાં ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ દિવસની ઉજવણી કરાઇ

અમદાવાદ જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ

અમદાવાદ જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરુપે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ કાર્યક્રમની શરુઆત અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુ દ્વારા દિપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.

આ પ્રસંગે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુએ સ્ત્રી અને પુરુષની સમાનતાની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ’આપણા સમાજમાં એક માનસિક્તા બની ગઇ છે કે દિકરો હોય તો તેને તમામ હકો આપવામાં આવે છે, જ્યારે દિકરીને નહીં. આ માનસિક્તા આપણા સમાજે બદલવાની જરુર છે. ખાસ કરીને આપણા સમાજની આ પ્રકારની માનસિક્તા પર એક સર્જિકલ સ્ટ્રાઇક થવી જોઇએ.’   તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા દિકરી અને મહિલા સશક્તિકરણને લઇને ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવી છે, જેનો લાભ રાજ્યની તમામ મહિલાઓ અને દિકરીઓએ લેવો જોઇએ. આ ઉપરાંત આપણે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. આ સાથે સમાજના દરેક વર્ગ અને ક્ષેત્રમાં સ્ત્રીઓનું સન્માન થવું જોઇએ.’

આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના વિવિધ અધિકારીઓ અને પ્રોગ્રામ ઓફિસર નરેન્દ્રસિંહ રાઠોડના હસ્તે ધોરણ-૧૦ અને ૧૨માં ટોપ-૧૦માં આવી હોય તેવી કુલ ૧૧ દીકરીઓને રૂ.૫૦૦૦નું પ્રોસ્તાહિત ઇનામ આપીને સન્માનિત કરવામાં આવી હતી. જ્યારે ૧૦૦ ટકા દિકરીઓનું નામાંકાન કરનાર એવી ૫ શાળાઓને પણ રૂ.૫૦૦૦નું પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું. આ સિવાય એવા વાલીઓ જેમને ૧ અથવા ૨ દિકરી રાખીને કુંટબ નિયોજન પદ્ધતિ અપનાવી હોય તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા આ કાર્યક્રમમાં આંગણવાડીની બાળાઓ દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ થીમ પર વિવિધ બાળગીતોની પ્રસ્તૃતિ કરવામાં આવી હતી. જ્યારે કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત તમામ લોકોને ‘બેટી બચાવો’ને લઇને શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના વિવિધ અધિકારીઓ સહિત આંગણવાડીની મહિલાઓ, સ્કૂલના પ્રિન્સિપાલ, ટીચર્સ અને વિદ્યાર્થીનિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.