Western Times News

Gujarati News

કાશ્મીર મુદ્દે કેબીનેટમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા

File photo

કાશ્મીર મુદ્દે કેબીનેટમાં મહત્વપૂર્ણ નિર્ણયો : તાકિદની મળેલી કેબીનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે ગૃહમંત્રી સંસદમાં નિવેદન કરશે : કાશ્મીર મુદ્દે આજે સંસદમાં થનારી મહત્વપૂર્ણ કામગીરી પર તમામની નજર

 નવી દિલ્હી : ભારતના સ્વર્ગ મનાતા કાશ્મીરમાં આંતકવાદી ગતિવિધિઓના કારણે તથા તેને અપાયેલા વિશેષ દરજ્જાથી કેટલાક તત્ત્વો તેનો સતત ગેરલાભ ઉઠાવતા હતા જેની સામે કેન્દ્ર સરકારે છેલ્લા કેટલાક સમયથી રણનિતી ઘડી કાઢી મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની દિશામાં ગતિવિધિ તેજ કરતા જ દેશભરમાં કાશ્મીરનો મુદ્દો ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે છેલ્લા ત્રણ દિવસથી કાશ્મીરમાં ભારતીય સેનાના જવાનોને તૈનાત કરી દેવાતા અને મોડી રાત્રે કાશ્મીરના સ્થાનિક નેતાઓને નજર કેદ કરી દેવામાં આવતા જ સમગ્ર કાશ્મીરમાં અંજપાભરી શાંતિ જાવા મળી રહી છે

બીજીબાજુ ગઈકાલ રાતથી જ દેશના પાટનગર દિલ્હીમાં રાજકીય ગતિવિધિ ખૂબ જ તેજ બની ગઈ હતી આજે વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના નિવાસસ્થાને દેશમાં આંતરિક સુરક્ષાના મુદ્દે મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી અને ત્યારબાદ વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી તાકીદની કેબીનેટની બેઠકમાં કાશ્મીરના મુદ્દે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે જે અંગે સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહત્વપૂર્ણ નિવેદન કરવાના છે જેના પર તમામ લોકોની નજર મંડાયેલી છે. ખાસ કરીને કાશ્મીરમાં લાગુ ૩પ/એ અને ૩૭૦ની કલમ અંગે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હોય તેવુ રાજકીય નિષ્ણાતો માની રહયા છે.

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર મહત્વપૂર્ણ કામગીરી કરે તેવી પરિસ્થીતિનું નિર્માણ થયું હતું અમરનાથ યાત્રીઓ પર આંતકવાદીઓનું હુમલાનું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી બીજીબાજુ કેન્દ્ર સરકાર પણ જમ્મુ-કાશ્મીરના મુદ્દે ખૂબજ ગંભીર બની ગઈ છે. છેલ્લા ૧૦ દિવસથી જમ્મુ-કાશ્મીરમાં લશ્કરની ટુકડીઓને તૈનાત કરી દેવામાં આવી છે અને સરહદ ઉપર પણ પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપવામાં આવી રહયો છે.

આ દરમિયાનમાં ગઈકાલે મધરાત્રે કાશ્મીરના ચાર નેતાઓને નજર કેદ કર્યાં બાદ સમગ્ર કાશ્મીરમાં મોબાઈલ, ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે અને ૧૪૪ની કલમ પણ લાગુ કરી દેવાઈ છે. બીજીબાજુ દિલ્હીમાં ગઈકાલે રાતથી જ રાજકીય ગતિવિધી તેજ બનવા લાગતા વિપક્ષો પણ ચોંકી ઉઠયા છે. જમ્મુ-કાશ્મીરના મુદ્દે દિલ્હીમાં શરૂ થયેલી હલચલના પગલે હવે મોદી સરકાર કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લે તેવું રાજકીય નિષ્ણાતો માની રહયા છે. ગઈકાલે જ કરાયેલી જાહેરાત મુજબ આજે વહેલી સવારથી જ દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સવારે ૬.૦૦ વાગ્યે પોતાના નિવાસ સ્થાને કેન્દ્રીય ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં એનએસએ અજીત ડોવાલ ખાસ ઉપસ્થિત રહયા હતા આ બેઠકમાં સમગ્ર દેશમાં આંતરિક સુરક્ષાના મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા કર્યા બાદ તમામ રાજયોને એલર્ટ રહેવાની સુચના આપી દેવામાં આવી છે

આ બેઠક પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય કાયદા મંત્રી રવિપ્રસાદ સાથે ખાસ મીટીંગ યોજી હતી અને આ મીટીંગમાં કાયદાકિય પ્રક્રિયા વિશે ચર્ચા કર્યા બાદ આ બેઠક સમાપ્ત થઈ હતી. કાયદામંત્રી સાથે યોજાયેલી બેઠક દરમિયાન જ કેબીનેટ મંત્રીઓ વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચી ગયા હતાં. કાયદામંત્રી સાથેની બેઠક પૂર્ણ થતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાકિદની કેબીનેટની બેઠક યોજી હતી આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ, કાયદામંત્રી રવિશંકર પ્રસાદ સહિતના કેબીનેટના મંત્રીઓ હાજર રહયા હતાં.

વહેલી સવારથી જ દિલ્હીમાં શરૂ થયેલી રાજકીય ગતિવિધિના પગલે દેશભરના લોકોની નજર બેઠકો પર મંડાયેલી હતી આ બેઠકમાં વડાપ્રધાનની આગેવાની મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના મુદ્દે વિસ્તૃતથી ચર્ચા કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરમાં લાગુ કરાયેલી ૩પ/એ અને ૩૭૦ની કલમને નાબુદ કરવા માટે કેન્દ્ર સરકાર મક્કમ છે અને તે મુદ્દે લંબાણપૂર્વકની કાયદાકીય પ્રક્રિયાનો હલ કાઢવા માટેના પણ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

આ કલમો નાબુદ કરવા માટે લોકસભા, રાજસભા ઉપરાંત જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં પણ આ બીલને પસાર કરવું પડે તેમ છે આ ઉપરાંત દેશના અડધા ઉપરાંત રાજયોની વિધાનસભામાં પણ આ બીલને પસાર કર્યા બાદ જ આ કલમો નાબુદ થઈ શકે તેમ છે જેના પરિણામે હવે આ  તમામ પ્રક્રિયાઓ ત્રિપલ તલ્લાકની જેમ સરળતાથી નાબુદ થાય તે માટેના પ્રયાસો શરૂ કરાયા છે.

વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી તાકિદની કેબીનેટની બેઠકમાં જમ્મુ-કાશ્મીરના મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે આ તમામ નિર્ણયો અંગે ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં નિવેદન કરવાના છે અને તેમાં તેની જાણકારી આપવાના છે. જેના પગલે હવે સંસદમાં અમિત શાહ જે નિવેદન આપવાના છે તેના પર તમામનું ધ્યાન કેન્દ્રિત થયું છે.

દિલ્હીમાં સવારથી જ વિશેષ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે સવારે ૧૦.૧૦ વાગ્યે કેબીનેટની બેઠક પૂર્ણ થયા બાદ તમામ મંત્રીઓ સંસદભવન જવા રવાના થયા હતા આમ આજે સંસદમાં થનારી કાર્યવાહી જમ્મુ-કાશ્મીરનું ભાવિ ઘડવાની છે. કાશ્મીરને અપાયેલો વિશેષ દરજ્જા પરત ખેંચી લેવામાં આવે તેવી સંપૂર્ણ શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.