Western Times News

Gujarati News

ચાંદલોડિયાની ઘટનાની તપાસ ક્રાઈમબ્રાંચને સોંપવાની માંગણી

 

નિષ્ક્રિય પોલીસ સામે કડક કાર્યવાહીની માંગ : જીવનમરણ વચ્ચે ઝોલા ખાતી નિધીના પિતા એક મહિનાથી પોલીસ સ્ટેશનોના ધક્કા ખાતાં હતા

(પ્રતિનિધિ) અમદાવાદ : શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ લીરેલીરા ઉડાડતી ગઈકાલ સાંજની ચાંદલોડિયા વિસ્તારમાં બનેલી ઘટનાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી યુવતિના પિતા એક મહિના સુધી પોલીસ સ્ટેશનોના ધક્કા ખાવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં નહી આવવાથી આરોપીએ જાહેર રોડ ઉપર જ યુવતિ પર હુમલો કરી ગળુ કાપી નાંખતા સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે.

આ ઘટનામાં ઉચ્ચકક્ષાએ તપાસનો આદેશ અપાય તેવી શક્યતા છે અને સમગ્ર ઘટનાની તપાસ ક્રાઈમબ્રાંચને સોંપવાની અને જવાબદાર પોલીસ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા પામી છે. ગઈકાલ સાંજ બાદ આજે પણ આ વિસ્તારમાં લોકોમાં રોષ જાવા મળી રહયો છે.

આ અંગેની વિગત એવી છે કે ગઈકાલે મોડી સાંજે ચાંદલોડિયા વિસ્તારમાં આરોપી મિહિર ચૌધરીએ નિધી નામની યુવતિનું અપહરણ કરવાનો પ્રયાસ કરી તેના ગળા પર છરી મારી દેતા તેને ર૦ જેટલા ટાંકા લેવામાં આવ્યા છે આ ઉપરાંત નિધીની દાદીને પણ ચપ્પાનો ઘા મારવામાં આવ્યો હતો નિધીની હાલત ગંભીર છે. આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે. ઘટના સ્થળ પરથી આરોપીને પકડી લઈ લોકોના ટોળાએ તેને માર માર્યો હતો આ ચોંકાવનારી ઘટનામાં નિધીના પિતાએ શહેર પોલીસતંત્રની બેદરકારીની પોલ ખોલી નાંખી છે.

શહેરમાં ગુંડાતત્વોને નાબુદ કરવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા વારંવાર દાવા કરવામાં આવી રહયા છે પરંતુ આ તમામ દાવાઓ માત્ર કાગળ પર હોય તેવી ઘટના ચાંદલોડિયાની છે. આરોપી મિહિર ચૌધરી છેલ્લા ઘણા સમયથી ચાંદલોડિયામાં સોનલનગર વિભાગ-ર માં રહેતી નિધીને પરેશાન કરતો હતો અને તેના પર લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. નિધીએ ઈન્કાર કરી દેતા આરોપી મિહિર ઝનુની બન્યો હતો.

આરોપી દ્વારા છેલ્લા એક મહિનાથી નિધીના પરિવારજનોને ફોન કરીને ખુલ્લેઆમ ધમકીઓ આપતો હતો એટલું જ નહી પરંતુ નિધીના ભાઈને પણ તેનું પરિણામ સહન કરવુ પડશે તેવી ધમકી આપતો હતો જેના પરિણામે નિધીના પિતા પ્રકાશભાઈ સતત ફફડતા રહેતા હતા મિસ્ત્રી કામ કરતા પ્રકાશભાઈ પરિવારની ચિંતાથી પોલીસની મદદ માંગી હતી છેલ્લા એક મહિનાથી તેઓ સોલા પોલીસ સ્ટેશન ઉપરાંત મહિલા પોલીસ સ્ટેશન અને સાયબર સેલના ધક્કા ખાધા હતા તેમણે આ અંગે ૧૦૦ નંબર પર ફોન કરીને પણ મદદ માંગી હતી.

પિતા પ્રકાશભાઈએ સોલા પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી પરંતુ પોલીસની નિષ્ક્રિયતાના કારણે આરોપીની હિંમત વધવા લાગી હતી. પ્રકાશભાઈએ મહિલા પોલીસ સ્ટેશનમાં પણ પુત્રી સાથે પહોંચી જઈ આ અંગેની જાણ કરી હતી અને તેમના ઉપર આવેલા ફોન નંબરની પણ વિગતો આપી હતી. છેલ્લા એક મહિનાથી પોલીસ સ્ટેશનોના ધક્કા ખાવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હતી અને બીજીબાજુ આરોપીનો ત્રાસ દિવસેને દિવસે વધવા લાગ્યો હતો. ગઈકાલે સાંજે બનેલી ઘટનાથી લોકોમાં પોલીસ અને આરોપી પ્રત્યે રોષ જાવા મળતો હતો અને તેનું પરિણામ એ આવ્યું કે નાગરિકોના ટોળાએ કાયદો હાથમાં લઈ આરોપીને ઢોરમાર માર્યો હતો.

પોલીસની ઘોર બેદરકારીના કારણે આરોપીની વધતી જતી હિંમતના કારણે આજે નિધી નામની યુવતિ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર લઈ રહી છે. નિધીના પિતા પ્રકાશભાઈએ આ સમગ્ર ઘટનામાં શહેર પોલીસતંત્રની બેદરકારી અને નિષ્ક્રિયતા અંગે ભારે રોષ ઠાલવ્યો છે જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે.

લોકોમા પણ આ ઘટનાના પગલે સ્થાનિક પોલીસ વિરૂધ્ધ ઉગ્ર રોષ જાવા મળી રહયો છે. તાત્કાલિક અસરથી આ સમગ્ર ઘટનાની તથા ઘોર બેદરકારી દાખવવાના આક્ષેપની તપાસ ક્રાઈમબ્રાંચને સોંપવામાં આવે તેવી સ્થાનિક નાગરિકોની માંગણી છે અને જવાબદાર તમામની સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે. ગઈકાલે સાંજથી જ સમગ્ર ચાંદલોડિયા વિસ્તારમાં સ્થાનિક નાગરિકોમાં ફેલાયેલા રોષના પગલે ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા છે અને સમગ્ર પોલીસતંત્રમાં આ ઘટના ચર્ચાનો મુદ્દો બની ગઈ છે. આ સમગ્ર ઘટના પોલીસતંત્ર માટે કાળી ટીલી સમાન બતાવાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.