Western Times News

Gujarati News

પાડોશીને ૧૩ લાખની મદદ કરતા વૃદ્ધને મોત મળ્યું

અમદાવાદ: શાહપુરમાં વડવાળી પોળમાં મંગળવારે સાંજે પાડોશીઓ ૧૩ લાખ રૂપિયાની મદદ કરનાર વૃદ્ધને નાણાં પરત આપવાની જગ્યાએ માર મારી મોત આપ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેને લઈને શાહપુર પોલીસે એક જ પરિવારના પાંચ સભ્યો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શાહપુર નાગોરીવાડમાં રહેતાં નિવૃત્ત કર્મચારી અશ્વિનભાઈ ભુદરભાઈ દાતણીયાને તેમની પડોશમાં રહેતાં મનુભાઈ કાપડિયા સાથે સારા પારિવારિક સંબંધો હતા. બન્ને પરિવાર વચ્ચે સારા સંબંધો હોવાથી એકબીજાના ઘરે અવરજવર રહેતી હતી. મનુભાઈને આર્થિક તકલીફ હોવાથી તેઓએ અશ્વિનભાઈ પાસે ૨૫ લાખની મદદ માંગી હતી. જેથી અશ્વિનભાઈએ પોતાની પાસે ૨૫ લાખ ન હોવાથી ૧૩.૫૦ લાખની રકમ ઉધાર આપી મનુભાઈને મદદ કરી હતી.

મનુભાઈએ ફરી રકમ માંગતા અશ્વિનભાઈએ પત્નીના દાગીના ગીરવે મૂકી ફરી મદદ કરી હતી. મનુભાઈએ આ રકમ પોતે બેંકની નોકરીમાંથી નિવૃત્ત થશે ત્યારે ચૂકવી દેશે તેવી ખાતરી આપી હતી. બાદમાં મનુભાઈ એપ્રિલ ૨૦૨૦માં નિવૃત્ત થવાના હોવાથી અશ્વિનભાઈએ માર્ચ ૨૦૨૦માં મનુભાઈને પૈસા પરત ચૂકવવાનું કહ્યું હતું. મનુભાઈને નિવૃત્ત થયે અનેક મહિના વીતી ગયા છતાં પણ તેઓએ પૈસા પરત આપ્યા ન હતા.

મંગળવારે ઘર પાસેથી પસાર થતા મનુભાઈ અને તેમના પત્ની ઉષાબેનને અશ્વિનભાઈએ ઉભા રાખી પૈસા ચૂકવવાના વાયદાની તારીખ હોવાથી રકમ પરત માંગી હતી. મનુભાઈએ સાંજે અશ્વિનભાઈને ઘરે બોલાવ્યા હતા. સાંજે અશ્વિનભાઈ, પત્ની અને પુત્રી ધર્મિષ્ઠા સાથે મનુભાઈના ઘરે ગયા હતા.

આ દરમિયાન મનુભાઈ તેમની પત્ની ઉષાબેન, પુત્રીઓ પારુલ, સોનલ અને પુત્ર પરાગ પાંચે જણા અશ્વિનભાઈ સાથે ઝઘડો કરી તેઓને તથા તેમની પત્ની અને પુત્રીને ધક્કા મારી ઘરની બહાર કાઢ્યા હતા. મનુભાઈ અને પરાગ બન્ને જણા અશ્વિનભાઈને ગડદાપાટુનો માર મારતા હતા તેઓ સ્થળ પર પડી ગયા હતા. ઈજાના કારણે અશ્વિનભાઈને છાતીની ડાબી બાજુથી લોહી નીકળવા લાગ્યું હતું.

આ બનાવને પગલે ઘરે હાજર અશ્વિનભાઈના બન્ને પુત્રો સ્થળ પર પહોંચ્યા અને તેઓને સારવાર માટે ખસેડયા હતા. સારવાર દરમિયાન અશ્વિનભાઈનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે શાહપુર પોલીસે મૃતક અશ્વિનભાઈના પુત્ર દુષ્યંતની ફરિયાદના આધારે આરોપી મનુભાઈ કાપડિયા, તેની પત્ની ઉષાબહેન, પુત્રીઓ સોનલ, પારુલ અને પુત્ર પરાગ વિરુદ્ધ હત્યા અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.