Western Times News

Gujarati News

ઘણાં લાંબા સમયથી એસિડિટી-અલ્સરનું દર્દ સતાવ્યા કરતું હોય ત્યારે શું ઉપાય કરશો?

પિત્તવર્ધક પદાર્થો તથા તીખો, તળેલો, ગરમા ગરમ, ખાટો ને આથાવાળો ખોરાક ખાવાથી હોજરી અને આંતરડાની અંતર ત્વચા ઉશ્કેરાયા કરે છે.-હોજરીનું ચાંદું એટલે કે પેપ્ટિક અલ્સર હોય એવા દરદીને જમ્યા બાદ થોડી જ વારમાં પેટમાં ભારેપણું, દુખાવો, બળતરા જણાવા લાગે છે.

આપણે એ જાણીએ છીએ કે માનવીના જીવનમાં સ્ટ્રેસ અને સ્ટ્રેઈન તાણ અને વિષાદનું પ્રમાણ રોજેરોજ વધતું જાય છે. આ કારણે એમનું મગજ અને જ્ઞાનતંત્ર સતત ઉશ્કેરાયેલું રહે છે અને તેની સીધી અસર પાચનતંત્ર પર પડે છે. When suffering from acidity-ulcer pain for a long time…

અલ્સર જેવા વ્યાધિઓનું વધતું પ્રમાણ અદ્યતન માનવીની રહેણીકરણીનું ય એક પરિણામ જાેઈ શકે. મનુષ્યની હોજરી તથા આંતરડાની અંદરની દિવાલ અંતર-ત્વચા કોમળ, સુંવાળી, પાતળી અને મખમલ જેવી મુલાયમ હોય છે. આધુનિક ચિકિત્સા પધ્ધતિમાં આ ત્વચાને   મ્યુક્સ મેમ્બ્રેન અને આયુર્વેદની પરિભાષામાં શ્લૈષ્મિક કલા કહેવાય છે. પિત્તવર્ધક પદાર્થો તથા તીખો, તળેલો, ગરમા ગરમ, ખાટો ને આથાવાળો ખોરાક ખાવાથી હોજરી અને આંતરડાની અંતર ત્વચા ઉશ્કેરાયા કરે છે.

તેના પર ગરમી લાગે છે અને જે તે ભાગ દાઝ્‌યા કરતો હોય તેવી સ્થિતિ રહ્યા કરે છે. આ રીતે ઉશ્કેરાતા ભાગમાં રક્તનું પરિભ્રમણ વધે છે. લાંબા ગાળે તે ભાગ આળો થઈ જાય છે. ક્યારેક તેમાં સોજાે આવી પાક પણ થાય છે અને છેવટ જતાં ચાંદા પડે છે. શરૃ શરૃમાં તીખા, ખાટાં કે ગરમ પદાર્થો ખાવાથી જ બળતરા થાય છે પણ આગળ જતાં સાદો ખોરાક પણ એ છાલા પરથી પસાર થાય તો સખત દુખાવો અને બળતરા થાય છે.

રોગીનું ધ્યાન ત્યાંનું ત્યાં જ રહે છે અને તીખું ખાટું ખાતાં કાયમ ડર લાગે છે. રોગના સ્થાન અને ભેદ પ્રમાણે કોઈને ખાલી પેટે દુખાવો થાય છે. ખોરાક પચીને આગળ જાય એટલે છાલાવાળું સ્થાન ખાલી થાય છે અને તેના પરથી જાે ખાટાં પૈતિક પાચક સ્રાવો પસાર થાય તો સખત બળતરા શરૃ થાય છે. પરિણામશૂલ એટલે કે ડયૂઓડિનલ અલ્સરના દરદીને ખાલી પેટે એટલે કે જમ્યા બાદ બેત્રણ કલાકે દુખાવો અને બળતરા થાય છે. રાત્રે આઠ નવ વાગે જમીને, જમીને દસ અગિયાર વાગે સૂતેલો દરદી અચાનક જાગી જાય છે. અને એને અલ્સરના સ્થાન પર દુખાવો તથા બળતરાનો અહેસાસ થાય છે.

ShriramVaidya-logo
Mo. 9825009241

લાંબા સમય સુધી અલ્સરનું દરદ સતાવ્યા કરતું હોય તેવી વ્યક્તિનું શરીર દુર્બળ અને ફિક્કું થઈ શકે છે અને  દરદીને કંટાળો પણ આવે છે. હોજરીનું ચાંદું એટલે કે પેપ્ટિક અલ્સર હોય એવા દરદીને જમ્યા બાદ થોડી જ વારમાં પેટમાં ભારેપણું, દુખાવો, બળતરા જણાવા લાગે છે. ખોરાક જેવો હોજરીમાં જઈને વલોવાય કે તરત જ અલ્સરના દરદીને ત્રાસ થતો હોય છે. હોજરીમાં ચાંદુ હોય એવા દરદીને જમ્યા બાદ દુખાવો થાય અને એ વખતે જાે ઊલટી થઈ જાય તો રાહતનો અનુભવ થતો હોય છે.

જ્યારે પરિણામ શૂલના દરદીનો દુખાવો શરૃ થયા બાદ કશુંક ગળ્યું કે ઠંડું ખાવાથી આરામનો અનુભવ થાય છે. ઠંડું દૂધ પીવાથી, ખીર, બાસુદી કે દૂધ પાક ખાવાથી, સુખડી, શીરો કે પેંડા ખાઈ લેવાથી અથવા તો આઈસક્રીમ ખાવાથી તાત્કાલિક રાહત અને શાંતિ થાય છે. જે લોકો પાસે ખાવાનું કશું હોતું નથી અથવા તો બળતરા થવા છતાં ખાવાનું મેળવી શકાય તેવી આર્થિક સ્થિતિ કે અનુકૂળતા નથી તેવા લોકોને આ રોગ ખૂબજ તકલીફ કરતો હોય છે.

પોતાની પ્રકૃતિને અનુકૂળ ન હોય તો પણ જીભના ચટકાને વશ થઈ લોકો અપથ્ય પદાર્થો ખાઈ લેતા હોય છે અને વૈદ્ય ડૉક્ટરોની દવા પણ લીધા કરતાં હોય છે. રોગ નાનો હોય કે મોટો પણ એ થવા પાછળ આહાર વિહારની અનિયમિતતા અને બેદરકારી જ સૌથી મોટું અને મહત્ત્વનું કારણ હોય છે. અમ્લપિત્ત અને અસ્લરના દરદીઓની પણ આવી જ સ્થિતિ હોય છે. પોતાની પિત્ત પ્રકૃતિ હોય, ખાટાં-તીખાં કે આથાવાળા પદાર્થો અનુકૂળ આવતા ન હોય તો પણ દહીં, છાશ, હાંડવો, ઢોકળાં, ખમણ, ઈડલી, ઢોંસા, ઉત્તપમ, દહીંવડા, ખમણ, ખાંડવી કે ભજિયા-ફાફડા ખવાયા કરતાં હોય છે અને એમાંથી જ અમ્લપિત્ત અને છેવટ જતાં અલ્સરની તકલીફ થાય છે. એકધારું, અતિશય મદ્યપાન અને તમાકુ-ગુટકાનું વ્યસન પણ આ રોગનું નિમિત્ત બને છે.

ક્રોધી ગુસ્સાવાળો સ્વભાવ પણ એસિડિક સ્રાવોને વધારી શકે છે. સખત ભૂખ લાગી હોય અને તો પણ કામધંધાની વ્યસ્તતાના કારણે સમયસર ખાઈ શકાતું ન હોય અથવા ભજિયા-ગાંઠિયા કે ઈડલી સંભાર મંગાવીને ખાઈ લેવા જેવી સ્થિતિ થતી હોય તો પિત્તવૃદ્ધિ થવાની શક્યતાને નકારી શકાય નહીં. કેટલાંક લોકો લસણ, ડુંગળી, મરચાં, તીખી ચટણી, દહીં-છાશ અને ટમેટા જેવા ખાટાં પદાર્થો રોજેરોજ અને અતિ માત્રામાં ખાતાં હોય છે. ખાટાં તીખાં અથાણાનો અતિરેક પણ અમ્લપિત્ત અને અલ્સર જેવા રોગોને નોંતરે છે.

આમલી, લીંબુના ફૂલ સાઈટ્રિક એસિડ, કેરી કે લીંબુનું અથાણું, કાચી કેરીનું કચુંબર વઘારિયું, ખાટી કઢી અને ખાટિયા ઢોકળા. તીખી-તમતમતી દાળ અને ખાટી કઢી. દાળ, શાક, કઢી કે અન્ય વાનગીમાં તીખાશ પસંદ હોય તે તો સમજી શકાય પણ કેટલાક લોકો આવી તીખી વાનગી પણ ગરમ ગરમ ખાતા હોય છે. જમતાં પહેલાં કે જમતી વખતે ગુસ્સે થનારા કે રોષ સાથે ભોજન લેનારા લોકો પણ લાંબા ગાળે અમ્લપિત્ત અને અલ્સરના દરદી બને તો નવાઈ નહીં.

આધુનિક ચિકિત્સા પદ્ધતિના કેટલાક ઔષધો પણ લાંબા સમય સુધી લેવાયા કરે તો ગરમ પડે છે અને એસિડિટી કે અલ્સર જેવા વ્યાધિને નોંતરી શકે છે. કોફી અને કોકો જેવા કેફિન ધરાવતા પેય પદાર્થોનો અતિરેક પણ અલ્સરનું નિમિત્ત બની શકે છે.

ઉપચારઃ દરદી માટેનો ઔષધોપચાર આ પ્રમાણે છે.
અવિપત્તિકર ચૂર્ણ. અમ્લપિત્ત-ઍસિડિટી, કબજિયાત, શૂળ તથા અજીર્ણ માટે શ્રેષ્ઠ..

યોજના સૂંઠ, મરી, લીંડીપીપર, ત્રિફળા, નાગરમોથ, વાવડિંગ, ઈલાયચી, અને તમાલપત્ર, સમાનભાગે લઈ સાફ કરી ચૂર્ણ કરવું. તે ચૂર્ણમાં તેટલા જ માપે લવિંગનું ચૂર્ણ મેળવવું, પછી તેમાં લવિંગના ચૂર્ણથી બમણું નસોતરનું ચૂર્ણ મેળવવું બધું જ ચૂર્ણ એકઠું મળીને થાય તેટલા માપે તેમાં છેલ્લે સાકરનું ચૂર્ણ મેળવવું. સેવનવિધિ

– ઢાંકીને કાચની બાટલીમાં રાખી મૂકેલું આ ચૂર્ણ છ એક માસ સુધી પૂરા ગુણ આપે છે. જમ્યા પહેલાં બંને વખત ૧- ૧ ચમચી ઠંડા પાણીમાં કે દૂધમાં લેવું અથવા રોજ રાત્રે ૧ ચમચી પાણીમાં કે દૂધમાં લેવું.

ઉપયોગ ,અમ્લપિત્ત સવારે રાત્રે ૧-૧ ચમચી પાણીમાં અથવા દૂધમાં લેવું. શૂળ , પેટમાં બળતરા અને દુખાવો થતો હોય તેમજ ગરમીનું અજીર્ણ રહેતું હોય તો દિવસમાં ત્રણ વખત ૧-૧ ચમચી ઠંડા પાણીમાં લેવું. અજીર્ણ , અરુચિ, ખાસ કરીને ઉનાળામાં અજીર્ણ, અરુચિ હોય તેમાં જમતી વખતે ૧-૧ ચમચી દૂધમાં કે પાણીમાં લેવું. કબજિયાત, હળવા જુલાબ માટે રાત્રે કે સવારે અનુકૂળ માત્રામાં પાણી સાથે લેવું.

અમ્લપિત્તમાં સૌ પ્રથમ વમન વિરેચન દ્વારા શુદ્ધિ કરાવી લેવી. અમ્લપિત્તમાં વમન વિરેચન હલકું હોવું જાેઈએ પિત્ત શુદ્ધિ પછી, પિત્તશામક આહાર-વિહાર અને ઔષધો પ્રયોજવા જાેઈએ. અમ્લપિત્તના રોગીએ પિત્તશામક ઔષધોમાં અવિપત્તિકર ચૂર્ણ અડધીથી એક ચમચી જેટલું એક ગ્લાસ દૂધ સાથે દિવસમાં ત્રણથી ચાર વખતે લેવું જાેઈએ. રાત્રે જાે ઊંઘ ઊડી જાય તો રાત્રે પણ લેવું જાેઈએ.

સૂતશેખર રસ એક ટેબ્લેટ સવારે, બપોરે અને રાત્રે લેવી અથવા લક્ષ્મીવિલાસ રસની ટેબ્લેટ પણ લઈ શકાય. દૂધ, સાકર, ઘી અને શતાવરી આ ચારે દ્રવ્યો પિત્તશામક છે. એટલે એક ગ્લાસ દૂધમાં એક ચમચી સાકર એક ચમચી શતાવરી ચૂર્ણ અને બે ચમચી શુદ્ધ ઘી નાંખી સવારે અને રાત્રે પીવું જાેઈએ. આહાર પચવામાં હલકો, દ્રવ, શીતળ, તાજાે અને સુપાચ્ય હોવો જાેઈએ. તળેલી, તીખી, ખાટી, ખારી, વાસી, ઉષ્ણ, તીક્ષ્ણ અને સૂક્ષ્મ ગુણોવાળી ચીજાે ખાવી નહીં. ટેન્શન, ઉજાગરા, એકટાણાં અને ઉપવાસથી બચવું.

અરડુસી, ગળો, પીત્તપાપડો, લીમડાની અંતર્છાલ, કરીયાતુ, ભાંગરો, ત્રીફળા અને પરવળનાં પાન સરખા વજને લઈ અધકચરાં ખાંડી અડધા કપ મીશ્રણને બે ગ્લાસ પાણીમાં ઉકાળી અડધો કપ બાકી રહે ત્યારે ગાળી ઠંડુ પાડી મધ સાથે પીવાથી અમ્લપીત્ત મટે છે. આ ઉકાળામાં દશ ઔષધો હોવાથી એને દશાંગ ક્વાથ કહે છે.

ખભસ્મ, પ્રવાલ પંચામૃત, કપર્દિકા ભસ્મ, કામદૂધા રસ અને મુક્તાપિષ્ટીનું સમાન ભાગે મિશ્રણ કરી એકાદ ગ્રામ જેટલું સવાર સાંજ ધી સાકર સાથે ચાટી જવું અને ઉપર દૂધ પીવું. વૈદકમાં આંતરડાંના દરદોમાં પર્પટીના પ્રયોગો ચમત્કાર બતાડે છે અને તે આંતરડાનાં રોગોમાં કે સંઘરણીમાં કઈ રીતે ફાયદો કરે છે ? આયુર્વેદની ખાસ વિશેષતા છે કે પર્પટી પ્રયોગો આયુર્વેદમાં ઘણા છે. એમાં સુવર્ણ પર્પટી એક અદ્ધુત અસરકારક યોગ છે. આવી જાતના પર્પટી પ્રયોગ આયુર્વેદમાં ઘણા છે.

એમાં સુવર્ણ પર્પટી તથા બીજા પ્રયોગો વૈદ્યની દેખરેખ હેઠળ લેતા અનેક પ્રકારની સંઘરણી, ઝાડા, જૂનો મરડો હોય, નબળાઈ અને ખાસ કરીને આંતરડાંના જૂના દરદો મટતા જાય છે. પર્પટી બનાવવાની વિધિ સમજવા જેવી છે.

ઘરગથ્થુ ઉપચાર સિંધાલુણ ૧૦ ગ્રામ, ગંઠોડા ૨૦ ગ્રામ લીંડીપીપર ૩૦ ગ્રામ, ચવક ૪૦ ગ્રામ, ચિત્રક ૫૦, સૂંઠ ૩૦ ગ્રામ, હીમેજ ૭૦ ગ્રામ, આ બધાં ઔષધોને ખૂબ ખાંડી ચૂર્ણ બનાવી લેવું. આનું નામ વડવાનલ ચૂર્ણ. અડધીથી એક ચમચી જેટલું આ ચૂર્ણ સવારે અને રાત્રે લેવાથી અજીર્ણ, અમ્લપીત્ત, શૂળ, અલ્સર મટે છે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.